માલધારીઓ ફરીયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા, હાલ બન્ને પક્ષે સમાધાન
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની દાદાગીરી એટલી વધી છે કે હવે ઉચ્ચ અધિકારીઓને પણ ગણકારતા નથી. શહેરમાં ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓએ પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં ચીકા મેવાડાના ઘરમાં ખીલે બાંધેલી ગાય છોડી લેતા હોબાળો મચી ગયો હતો. જેને પગલે માલધારીઓ ઉશ્કેરાયા હતા અને બન્ને વચ્ચે ઘર્ષણ થયું હતું. માલધારી સમાજના આગેવાનોએ જયારે કમિશ્નર સાથે બેઠક કરી ત્યારે વાત થઇ હતી કે ખીલે બાંધેલા ઢોર કોર્પોરેશન છોડશે નહીં. પરંતુ પોતાનો ટાર્ગેટ પૂરો કરવા બાંધેલી ગાય છોડી હોવાની જાણ થતા જ ભરવાડ સમાજના આગેવાન રણજીત મુંધવા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને માલધારીનું ટોળું એ ડીવિઝન પોલિસ સ્ટેશને લૂંટની ફરીયાદ નોંધાવા પહોંચ્યું હતું. જ્યાં એ ડીવિઝનના પોલિસ ઈન્સ.અને કોર્પોરેશનના અધિકારીઓએ બાંહેધરી આપતા બન્ને પક્ષે હાલ સમાધાન થયું છે. પરંતુ જો ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન થશે તો માલધારી સમાજ સાંખી નહીં લે તેવી ચીમકી આપી હતી.