ટ્રેક ધ ક્રિમિનલ અભિયાન અંતર્ગત પોલીસ એક્શન મોડમાં
નશીલા પદાર્થ સાથે ઝડપાયા તો મિલકત જપ્ત થશે: NDPSના આરોપીઓને પ્રતિજ્ઞાના લેવડાવી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યભરના જિલ્લામાં નશીલા પર્દાથના કાળા કારોબાર સાથે સંકડાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની સુચના આપતા જૂનાગઢ રેંજ ડીઆઇજી નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસવડા હર્ષદ મહેતા દ્વારા ટ્રેક ધ ક્રિમિનલ અભિયાન હેઠળ ર0 વર્ષમાં એનડીપીએસ ગુનામાં પકડાયેલ અને હાલ જામીન ઉપર છુટેલા એવા 50 જેટલા આરોપીઓનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યુ હતુ. જૂનાગઢ એસઓજી પોલીસ અને અન્ય પોલીસ કર્મી દ્વારા ડ્રગ્સની બંદીને દુર કરવા માટે વિવિધ જાગૃતિ અભિયાન કરવામાં આવી રહ્યા છે. થોડા સમય પૂર્વે મેરેથોન યોજવામાં આવી હતી. જિલ્લામાં ભૂતકાળમાં ડ્રગ્સ, ગાંજો, ચરસ જેવા નશાકારક પદાર્થ સાથે પકડાયેલા આરોપીઓને ટ્રેક ધ ક્રીમીનલ અભિયાન હેઠળ પોલીસ હેડકવાર્ટર ખાતે લાવવામાં આવ્યા હતા. તેઓ હાલ શુ પ્રવૃતિ કરે છે તે સહિતની બાબતોને જાણી હતી અને તેઓને હવે નશાકારક પદાર્થોની હેરાફેરી કે વેંચાણ ન કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. એસ.પી.હર્ષદ મહેતાએ જણાવ્યુ હતુ કે, જે આરોપીઓ ડ્રગ્સ સાથે પકડાયા છે તેઓ વધુ પૈસા કમાવવાની લાલચમાં આ ધંધે ચડ્યા હતા પરંતુ આ ગુનામાં પકડાયા બાદ લાંબો સમય જેલમાં રહેવુ પડે છે અને તેનુ જીવન બરબાર થઇ જાય છે. વધુમાં એસપીએ જણાવ્યુ હતુ કે, યુવાનો સંગત દોષના કારણે ડ્રગ્સના રવાડે ચડે છે પરંતુ યુવાનોએ આ બરબાદી તરફના રસ્તા પર જવાના બદલે સ્પોટર્સ કે અન્ય પ્રવૃતિ કરવી જોઇએ. નાર્કોટિકસ ડ્રગ્સનું સેવન, હેરાફેરી, સંગ્રહ કે વેચાણ ન કરવા ઉપરાંત નશાના કાળા કારોબારમાં ફરી વાર ન જોડાવા ચેતવણી આપી હતી. સાથે સાથે સન્માનજનક વૈકલ્પિક રોજગાર તરફ વળવા આહવાન કર્યુ હતુ. આ કાર્યક્રમમાં 40 આરોપીઓની હાલની પ્રવૃતિની પૂછપરછ દરમિયાન તેઓએ ગુનામાં પકડાયા બાદ તેમને અને તેમના પરિવારને થયેલ સામાજીક, આર્થિક, શારીરિક, માનસિક નુકશાન અંગેની પીડા, વ્યથા વર્ણવી હતી. એમબીબીએ આરોપીઓના મેન્ટર કાર્યક્રમમાં ડીવાયએસપી હિતેશ ધાંધલીયા તેમજ એસઓજી અને તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ, કર્મીઓ જોડાયા હતા.
- Advertisement -
ડ્રગ્સમાં ઝડપાયેલા આરોપીઓને પોલીસની ચેતવણી
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 20 વર્ષમાં નશાકારક પર્દાથ સાથે ઝડપાયેલા આરોપીઓ હાલ જામીન પર મુક્ત છે. ત્યારે તમામ આરોપીઓને ટ્રેક ધ ક્રિમિનલ અભિયાન હેઠળ પોલીસે હેડકર્વાટર ખાતે બોલાવીને કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસ દ્વારા આરોપીઓને ચેતવણી આપી હતી કે, જો હવે નશીલા પદાર્થ સાથે ઝડપાયા તો મિલ્કત જપ્ત કરાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. જેમાં આરોપીઓને તો તકલીફ પડશે પણ સાથે સાથે તેમના પરિવારને પણ તકલીફ પડશે તેવી કડક ચેતવણી આપવામાં આવી હતી.