જયસુખ પટેલ સહિતના જવાબદારોને ફાંસી આપવાની માંગ
મોરબી દુર્ઘટનામાં સરકાર જયસુખ પટેલને છાવરતી હોવાનો આક્ષેપ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીની ગોઝારી જુલતાપુલ તૂટવાની દુર્ઘટનાને એક સપ્તાહ જેટલો સમય થઈ ચૂક્યો છે. આ ઘટનામાં 135 લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા જેમાં સૌથી વધુ નાના બાળકોનો સમાવેશ થયો છે ત્યારે આ ઘટનામાં પહેલા દિવસથી જ જવાબદાર અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને બચાવવાના તંત્ર દ્વારા પ્રયાસ થતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. એક માત્ર ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવા સિવાય કોઇ જ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી અને એફઆઈઆરમાં પણ પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ કે ઓરેવાના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલનું નામ ન આવતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
મોરબી પુલ દુર્ઘટનામાં તમામ દોષિતો સામે આકરી કાર્યવાહી કરવાની માંગ સાથે સોમવારે મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસેથી સ્વયં સૈનિક દળ દ્વારા રેલી કાઢવામાં આવી હતી જેમાં આ સંસ્થાઓના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને પુલ દુર્ઘટનામાં જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે બેનરો પ્રદર્શિત કરીને ભારે રોષ વ્યકત કર્યો હતો. આ સંસ્થાના કાર્યકરોએ ઉગ્ર આક્રોશ સાથે જણાવ્યું હતું કે, પુલનું રીનોવેશન કરનાર ઓરવા કંપની અને તેના સુપીમો જયસુખ પટેલ સીધા જ જવાબદાર હોય તેમ છતાં તેમની સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. આ ઉપરાંત નગરપાલિકાના જે તે સત્તાધીશો પણ એટલા જ જવાબદાર હોય છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી. આ તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી થાય ત્યારે જ મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે.
આથી આ તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા અને મૃતકોના પરિવારને સરકાર તરફથી 20-20 લાખની સહાય ચુકવાય તેમજ તેના પરિવારોને સરકારી નોકરી આપવા અને નોંધારા બાળકોને શિક્ષણની સુવિધા આપવાની માંગ કરી હતી. આ રેલી મુખ્યમાર્ગો પર પસાર થઈને કલેકટર કચેરીએ પહોંચીને આ અંગે કલેકટરને આવેદન આપવામાં
આવ્યું હતું.