પૂર્વ પત્નીનું અન્ય જગ્યાએ સગપણ નક્કી થતાં પૂર્વ પતિએ આચરેલું કૃત્ય
LCB અને ભાડલા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઝડપી લીધા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
જસદણના કમળાપુર ગામમાં ફિલ્મી સ્ટાઈલે અપહરણનો બનાવ સામે આવ્યો છે. જેમાં પૂર્વ પત્નીનું અન્ય જગ્યાએ સગપણ નક્કી થતાં પૂર્વ પતિએ સાગરીતો સાથે મળી ઘરમાં ઘુસી છરીની અણીએ મહિલાનું અપહરણ કરી નાસી ગયા હતા બનાવની ગંભીરતા દાખવી રૂરલ પોલીસે ગણતરીની કલાકોમાં અમદાવાદથી મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ શખ્સોને દબોચી લીધાં અને બાદમાં નામ ખૂલેલા અન્ય પાંચ શખ્સોની પણ ધરપકડ કરી મહિલાને મુક્ત કરાવી હતી.
ગઇ તા.15/11/2024 ના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યે ભાડલા પોલીસ મથક વિસ્તારના કમળાપુર ગામે ફરીયાદીના રહેણાંક મકાને રાત્રીના સમયે આરોપી કિરણ મનસુખ રામાણી તથા બે અજાણ્યા શખ્સો છરીઓ સાથે વંડી ઠેકી અપ-પ્રવેશ કરી, આરોપી કિરણે ફરીયાદીની દિકરીને મરજી વિરુધ્ધ બળજબરી પુર્વક અપહરણ કરી લઇ જતો હતો, ત્યારે તેમને બચાવવા વચ્ચે પડેલ દીકરીની માતા સહિતના પરિવારને આરોપીઓએ છરીના ઘા ઝીંકી દિધા હતાં. ઉપરાંત ફરિયાદીના ભાઈને આરોપીઓએ ધક્કો મારી છરી બતાવી સિલ્વર કલરની ટેક્ષી પાસીંગની અર્ટીગા કાર નં- જી.જે.03 બી.વાય.6746 માં બેસાડી ગોંડલના પાયડી ગામના દશરથ જીવરાજ ગોહિલે ડ્રાઇવીંગ કરી, ફરિયાદીની દીકરીને લગ્ન કરવા માટે બળજબરીથી અપહરણ કરી નાસી છૂટ્યા હતાં બનાવ અંગે ભાડલા પોલીસે બી.એન.એસ. એક્ટ કલમ 87, 115(2), 331(4), 351(3), 352, 54 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવની ગંભીરતા ધ્યાને લઇ રાજકોટ જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોરની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા, પીએસઆઇ એ.એન.કામળીયા અને ટીમે તેમજ ભાડલા પોલીસ મથકના સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી 50થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી ગણતરીની કલાકમાં સિલ્વર કલરની ટેક્ષી પાસીંગની અર્ટીકા કારની ઓળખ કરી બાદમાં બીજી બદલાવેલી હોન્ડા સીટી ગાડી શોધી કાઢી ગુનો કરનાર શખ્સોની માહીતી મેળવી ગુન્હાને અંજામ આપનાર કિરણ મનસુખ રામાણીને પકડી પુછપરછ કરતા તેને ગુનો કરેલની કબુલાત આપેલ હતી તેની પૂછપરછમાં તેમની સાથે ગુનામાં રહેલ અન્ય સાત શખ્સો મોહિત ઉર્ફે બન્ની સુરેશ પરમાર, રોહિત ઉર્ફે ટકો ગોરધન વાલાણી, દશરથ જીવરાજ ગોહીલ, આશીષ ઉર્ફે કાનો ભરત નિમાવત, ભરત મનોજ વાઘેલા, રણછોડ મઘા સોહલા અને વૈભવ દિલીપ પીપરીયાને એલસીબીની ટીમે અલગ અલગ જગ્યાએથી પકડી એક દિવસના રિમાન્ડ મંજુર થતાં વધું પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપી કિરણ રામાણી ગુનાનો મુખ્ય સૂત્રધાર છે. તેને મહિલા સાથે છ માસ પહેલાં કોર્ટ મેરેજ કર્યા હતાં. જે બાદ બે મહિનામાં બંને છુટા પડી ગયાં હતાં અને મહિલા તેના માવતરના ઘરે રહેતી હતી. ત્યારે મહિલાના અન્ય યુવક સાથે સબંધ નક્કી થતાં તે બાબતની આરોપીને જાણ થતાં તેના મિત્રો સાથે મળી ગુનો આચાર્યો હતો.