ખાસ-ખબર સંવાદદાતા
વડોદરાથી લાકડીયા તરફ જતી 765 કેવી વીજલાઈનમાં કંપની દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં ન આવતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. આ વીજલાઈનોના કારણે અગાઉ પણ હળવદ તાલુકાના અલગ અલગ ગામના ખેડૂતો દ્વારા યોગ્ય વળતર મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે શુક્રવારે ફરી એક વખત હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે આવેલી ખેડૂતની વાડીમાંથી પસાર થતી લાઈનમાં વળતર ન ચૂકવાતા ખેડૂતોમાં રોષ ભભુકી ઉઠયો હતો. વડોદરાથી લાકડીયા તરફ જનારી 765 વીજલાઈનના મુદ્દે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે આવેલ ખેડૂતોની વાડીમાં કામગીરી કર્યા પહેલા કંપનીએ યોગ્ય વળતર આપવાનું વચન આપ્યું હતું પરંતુ વળતર આજ દિવસ સુધી ન મળતા ખેડૂતોમાં આક્રોશ ચરમસીમાએ જોવા મળ્યો છે. જ્યારે વીજ પોલની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે બે વીજપોલ વચ્ચે આવતી તમામ નુકસાનીનું વળતર 15 દિવસમાં ખેડૂતોને ચૂકવવાની વાત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી આ વળતર ન ચૂકવાતા ખેડૂતો દ્વારા કામગીરી બંધ કરાવવામાં આવી હતી જેથી કંપનીએ પોલીસ તંત્રને સાથે રાખી એસઆરપીની ટુકડીઓ ઉતારી કામગીરી આગળ વધારવા દબાણ કર્યું હોય તેવા આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે. અંદાજિત 3000 જેટલા સરગવાના છોડવા જેની સરકારી કિંમત 2000 રૂપિયા છે. તેમજ કંપની મુજબ 800 રૂપિયા છે તે હિસાબ પ્રમાણે રૂ. 24 લાખથી વધુ નુકસાન થયું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે જો આ વળતર તાત્કાલિક ધોરણે ચૂકવવામાં નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી.
ઘનશ્યામપુરમાં વાડીમાંથી પસાર થતી વીજલાઈન મામલે યોગ્ય વળતર ન ચૂકવાતાં ખેડૂતો આગબબુલા
