માલધારીઓએ ઢોર પકડ ટીમના કર્મચારીઓના કપડા ફાડી નાખ્યા: એકની અટકાયત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના ગાંધીગ્રામમાં માલધારીઓ અને ઢોર પકડવા આવેલી ટીમ વચ્ચે બબાલ થઇ હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં લાખના બંગલા રોડ પર ઢોર પકડવા આવેલી ટીમ અને માલધારીઓ વચ્ચે બબાલ થઇ હતી. ઢોર પકડવા આવેલી ટીમ અને એસઆરપીના જવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે અધિકારીઓ અને માલધારીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
- Advertisement -
ઢોર પકડવાની કામગીરી દરમિયાન મહિલાઓ અને મહિલા સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ભારે ઝપાઝપી થયાના દ્રશ્ર્યો જોવા મળ્યા હતા. માલધારીઓએ ઢોર પકડવા આવેલી ટીમના કર્મચારીઓના કપડા પણ ફાડી નાખ્યા હતા. એનિમલ ન્યુસન્સ કંટ્રોલ અધિકારીઓ દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દંડ વધારાની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી. પશુ પકડાય તો તેનો દંડ ડબલ કે ત્રણ ગણો કરવાની દરખાસ્ત હતી.