રાજકોટની સરકારી શાળા નં.62માં સફાઈ કામદાર શિક્ષક બનીને વિદ્યાર્થીઓને ભણાવતો હોવાનો વિડીયો વાયરલ
શિક્ષકોના કહેવાથી હું દરરોજ સ્કૂલે આવું છું, મને કંઈ કહેશો તો તમારી પર ફોન આવશે, તેવી શિક્ષક બનેલા સફાઈ કામદારની ગર્ભિત ધમકી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં.62માં સફાઈ કામદાર શિક્ષક બનીને વિદ્યાર્થીઓને શિક્ષણ આપતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે, શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ હરિ પરમાર, સી.આર.સી દિનેશ સદાદિયાની હેઠળ આવતી આ શાળામાં શિક્ષકની ભૂમિકામાં સફાઈ કામદાર હોવા પાછળ જવાબદાર પંડિત, પરમાર, સદાદિયા હોવાનું સામે આવ્યું છે. એવું કહેવાય છે કે, હકીકતમાં આ શાળાનો જે શિક્ષક પંકજ ગોઢાણીયા છે તેની સાથે આ શાળાના જ સી.આર.સી. દિનેશ સદાદિયા અને શાસનાધિકારી કિરીટ હરિ પરમારના ગાઢ સંબંધો છે. બધા જાણતા હતા કે, અહીં શિક્ષક પંકજની જગ્યાએ સફાઈ કામદાર ભૂરો ઘણા સમયથી ભણાવે છે! કૌભાંડો કરવા માટે જાણીતી બનેલી રાજકોટ શિક્ષણ સમિતિની સરકારી શાળા વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે. સોરઠીયાવાડી વિસ્તારની શાળા નં. 62માં ભૂરા નામનો સફાઈ કામદાર બાળકોને અભ્યાસ કરાવતો હોવાનું સામે આવતા વાલીઓમાં આક્રોશની જ્વાળા ભભૂકી છે.
રાજકોટ શિક્ષણ સમિતિ સામે સળગતા સવાલ?
– શાળામાં સફાઈકર્મી બાળકોને અભ્યાસ કેમ કરાવે છે?
– કોના કહેવાથી સફાઈકર્મી બાળકોને અભ્યાસ કરાવે છે?
– સ્કૂલમાં અન્ય વ્યક્તિઓને પ્રવેશવાની મંજૂરી કોણ આપે છે?
– સફાઈકર્મી બાળકોને અભ્યાસ કરાવશે તો શિક્ષક શું કરશે?
– ક્યા શિક્ષકે સફાઇકર્મીને સોંપી સ્કૂલની જવાબદારી?
– કોના બદલામાં સફાઇકર્મી પહોંચ્યો સ્કૂલે?
– કેમ શિક્ષણસમિતિના સત્તાધીશો બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે?
– બાળકોનો ભવિષ્ય ખરાબ થશે તો જવાબદાર કોણ?
– સફાઇકર્મીને ભણાવવાના આદેશ આપનારા શિક્ષક અને સી.આર.સી. સામે પગલા લેવાશે?
– રાજકોટની સરકારી શાળામાં આ રીતે અભ્યાસ થાય છે?
– બાળકોના અભ્યાસ અને સલામતીની ચિંતા કેમ નહીં?
શાળા નં. 62નાં વિદ્યાર્થીઓ કહ્યું, શાળામાં ક્યારેય શિક્ષકો આવતા નથી, રોજ આ (ભૂરો સફાઈ કામદાર) જ અમને ભણાવે છે
- Advertisement -
સરકારી શાળામાં શિક્ષકની ભૂમિકામાં સફાઈ કામદાર હોવા પાછળ પંડિત, પરમાર અને સદાદિયા જવાબદાર
શાળા નં.62ના શિક્ષક પંકજ ગોઢાણીયા સાથે પરમાર અને સદાદિયાના ગાઢ સંબંધો
તો આ વિડીયોને લઈને ગુજરાત શિક્ષણવિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. વાયરલ વિડીયોમાં શાળાના બાળકોએ જણાવ્યું છે કે, શાળામાં શિક્ષક ક્યારેય નથી આવતા. જેથી સફાઈ કામદાર વ્યક્તિ જ અમને ભણાવે છે, એવામાં કોઈપણ ડિગ્રી કે હોદ્દા વગરનો વ્યક્તિ શાળામાં બાળકોને ભણાવી રહ્યો છે. પરંતુ મસમોટો પગાર લેતા શિક્ષકો ભણાવી રહ્યા નથી ત્યારે લોકોએ આ અંગે સવાલો ઉઠાવ્યા છે. આવા શિક્ષકોની બેદરકારી છાવરવામાં કોઈ અધિકારી સંડોવાયેલા છે કે કેમ તેને લઈ પણ સવાલો ઉઠ્યા છે. હવે શિક્ષણવિભાગ આ શાળાના આચાર્ય, સી.આર.સી., શાસનાધિકારી કે ચેરમેન વિરુદ્ધ કોઈ શિક્ષાત્મક પગલાં લેશે કે કેમ તે ચર્ચાનો વિષય છે. શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષકની ગેરહાજરીમાં સફાઈ કામદાર વિદ્યાર્થીઓને શિક્ષણના પાઠ ભણાવી રહ્યો છે. આ અંગે જાણ થતાં જાગૃત નાગરિકે સ્કૂલનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેમાં શિક્ષકોના કહેવાથી હું દરરોજ સ્કૂલે આવું છું તેવું સફાઈ કામદારએ રટણ રટયું હતું. મને કંઈ કહેશો તો તમારી પર ફોન આવશે તેવી ગર્ભિત ધમકી પણ આપી હતી. આ વિડીયોને લઈને શાળામાં બહારના માણસના પ્રવેશથી શિક્ષણવ્યવસ્થા અને બાળકોની સલામતી સામે પણ સવાલો ઉભા થયા છે.
સરકારી શિક્ષકો ખાનગી શાળામાં ભણાવવા જાય છે, સરકારી શાળામાં આયા બહેનો અને સફાઈ કામદારો શિક્ષક બની ભણાવે છે!
રાજકોટ શિક્ષણ સમિતિની માત્ર એક શાળા નં. 62માં સફાઈ કામદાર વિદ્યાર્થીઓને શિક્ષક બની ભણાવી રહ્યો છે એવું નથી. અંદરખાને અનેક સરકારી શાળાઓમાં સફાઈ કામદાર અને આયા બહેનો જ શિક્ષકોની ભૂમિકામાં કામ કરી રહ્યા છે. સરકારી શાળામાં સફાઈ કામદારો અને આયા બહેનો માસિક આઠ હજાર રૂપિયામાં વિદ્યાર્થીઓને ભણાવી આપે છે અને લાખોનો પગાર લેતા એ સરકારી શાળાના મોટાભાગના શિક્ષકો ખાનગી શાળામાં ભણવવા જાય છે. શાળા નં. 95ના આચાર્ય જુહી માંકડ સરકારી કર્મચારી હોવા છતાં ધોળકીયા સ્કૂલમાં ખાનગી શિક્ષક તરીકે નોકરી કરે છે. એ જ રીતે શાળા નં. 87ના સંદીપ કાથરોટીયા, શાળા નં. 93ના ચેતન સાકરીયા, સીઆરસી દેવીદાસ ચાપબાઈ વગેરે પણ ખાનગી સ્કૂલ-ક્લાસિસમાં લેક્ચર લેવા જાય છે. આ સિવાય દિનેશ સદાદિયા અને દિપક સાગઠિયા સરકારી કર્મચારી હોવા છતાં આર્યા અને પૂર્વા નામની ખાનગી પેઢીનું સંચાલન કરી રહ્યા છે.
શિક્ષક બની વિદ્યાર્થીઓને ભણાવતો સફાઈ કામદારનો વાયરલ વિડીયો જોવા અહીં ક્લિક કરો…