સાત જ દિવસમાં હૃદયરોગના 1542 ઈમર્જન્સી કેસ અને રોજના 220 કોલ્સ
ગત વર્ષે આ સમયગાળામાં રોજના 141 કેસ આવતા, આ વર્ષે કાર્ડિયાક ઈમરજન્સીમાં 56% વધુ કેસ આવવા લાગ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના યુવાનોમાં હૃદય રોગ અને તેના કારણે મોતના કિસ્સામાં અચાનક ઉછાળો નોંધાયો છે, જુલાઈ મહિનાના સાત દિવસના અરસામાં હૃદય રોગ સંબંધિત કુલ 1542 ઈમરજન્સી કેસ 108 એમ્બ્યુલન્સને મળ્યા છે, ગત વર્ષે આ જ સમયગાળામાં 987 કેસ મળ્યા હતા, એકંદરે 108ની ગણતરી પ્રમાણે કાર્ડિયાક ઈમરજન્સીમાં 56 ટકાથી વધુ કેસ આ વર્ષે વધ્યા છે, ગત વર્ષે રોજના સરેરાશ 141 કેસ આવતા હતા, જે અત્યારના એક જ સપ્તાહમાં રોજના 220 કેસ નોંધાયા છે.
24મી જૂનથી 30મી જુન 2023ના અરસામાં કાર્ડિયાક ઈમરજન્સીના 1307 કેસ નોંધાયા હતા, આ અરસામાં રોજના 187 આવ્યા છે, જોકે જુલાઈ 2023ના પ્રથમ સપ્તાહમાં જ નવા 1542 કેસ નોંધાયા છે. ચોમાસાની સિઝન દરમિયાન વાહન અકસ્માતના કેસમાં પણ ઉછાળો નોંધાયો છે. ગત જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં ટ્રોમા વેહિક્યુલરના 2424 કેસ નોંધાયા હતા, જોકે જુલાઈ મહિનાના સાત દિવસમાં કેસની સંખ્યા વધીને 2776 થઈ છે એટલે કે રોજના 397 કેસ આવ્યા છે.
વરસાદના કારણે વાહન સ્લિપ થવા સહિતના કારણે થતાં અકસ્માતના કેસનું પ્રમાણ વધ્યું છે. પેટમાં દુખાવા સંબંધી તકલીફના જુન મહિનાના છેલ્લા સપ્તાહમાં 3022 કેસ હતા, જોકે 1થી 7 જુલાઈ 2023ના અરસામાં 3562 ઈમરજન્સી કેસ આવ્યા છે. શ્ર્વાસ લેવામાં તકલીફ અંગેના કેસ ગત સપ્તાહની સરખામણીએ 12.30 ટકા વધ્યા છે. ગત જુનના છેલ્લા સપ્તાહની સરખામણીએ જુલાઈના પહેલા સપ્તાહમાં હાઈ ફિવરના કોલ્સમાં 9 ટકા જેટલો ઉછાળો આવ્યો છે.
- Advertisement -