નેતાઓ માત્ર મત લેવા જ આવતા હોવાનો આરોપ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરનાં વોર્ડ નંબર 11 ખાતે આવેલી અંબિકા ટાઉનશીપમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અહીં રોડ-રસ્તા તેમજ પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જેને લઈને આજે મોટી સંખ્યામાં સ્થાનિકોએ એકઠા થઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને ભાજપની સરકાર હાય હાય સહિતના નારા સ્થાનિકોએ લગાવ્યા હતા. આ તકે નેતાઓ માત્ર મત લેવા જ આવતા હોવાનો આરોપ લગાવીને સ્થાનિકોએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
- Advertisement -
સુશીલ મણવર નામના સ્થાનિકે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી અમારા વિસ્તારનાં રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. આ મામલે લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી. ચૂંટણી સમયે સાંસદ પુરુષોત્તમ રૂપાલા સહિતના ભાજપના આગેવાનો આવ્યા હતા. ત્યારે તેમને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જોકે ચૂંટણી બાદ કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. હાલમાં થોડો વરસાદ પડ્યા બાદ તો રસ્તાની હાલત અતિશય ખરાબ થઈ છે. આમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તારના લોકો હંમેશા એડવાન્સ ટેક્સ ભરવાવાળા છે. આમ છતાં કોઈપણ સુવિધા આપવામાં આવતી નથી. રોડ રસ્તા તેમજ પીવાનું પાણી અને ભૂગર્ભ ગટર સહિતની સુવિધા અમારા વિસ્તારમાં ઘણા વર્ષોથી મળતી નથી. અંબિકા ટાઉનશિપમાં 800થી 900 એપાર્ટમેન્ટ આવેલા છે. આ વિસ્તારમાં 10,000 કરતા વધુ લોકો વસવાટ કરે છે. ત્યારે અમારી સમસ્યા તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગ છે. તેમજ જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.
રેશમાબેન કનેરીયા નામની સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, અમે આ વિસ્તારમાં ઘણા વર્ષોથી રહીએ છીએ. અમારા વિસ્તારમાં લાંબા સમયથી રોડ-રસ્તાઓ કરાયા નહીં હોવાને કારણે ખૂબ મુશ્કેલી પડી રહી છે. નેતાઓ આવે ત્યારે ખોટા વાયદાઓ આપે છે. પરંતુ કામગીરી થતી નથી. આ રસ્તા ઉપરથી બસો તેમજ ટેન્કર સહિત મોટા વાહનો ચાલતા હોવાને કારણે રસ્તો જર્જરીત થઈ ચૂક્યો છે. અને મોટા ખાડા પડી જતા વરસાદ આવે ત્યારે ગોઠન સુધીના પાણી ભરાઈ જાય છે. તેમજ ગટરો પણ ઉભરાય છે. જેને કારણે બાળકોમાં ડેન્ગ્યુ સહિતના રોગનું પ્રમાણ પણ વધ્યું છે. આ માટે અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યા દૂર થતી નથી. ત્યારે તાત્કાલિક આ અંગે પગલાં લેવાય તે જરૂરી બન્યું છે.