પ્રોટોકોલ તોડી દિલ્હીના CM ઓટો ડ્રાઇવરના ઘરે પહોંચ્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ પુરજોશથી પ્રચાર શરૂ કર્યો છે. આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તાજેતરમાં જ અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી ચુક્યા છે.
- Advertisement -
ગઈકાલે પણ તેઓ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે. ત્યારે આજે અમદાવાદમાં અરવિંદ કેજરીવાલ ઓટો રીક્ષા ડ્રાઇવરના ઘરે જમ્યા હતા. અહીં રાત્રી ભોજમાં તેઓ શાક-રોટલી સહિતનું સાદું ભોજન જમ્યા હતા. આજે સવારે જ એક રીક્ષા ચાલકે ટાઉનહોલ કાર્યક્રમ દરમિયાન કેજરીવાલને પોતાના ઘરે ભોજન લેવા આમંત્રણ આપેલું, પ્રોટોકોલ તોડી દિલ્હીના મુખ્યમંત્રી રીક્ષામાં ઓટો ડ્રાઇવરના ઘરે પહોંચ્યા હતા. તેમની સાથે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, આપના નેતા ઇસુદાન ગઢવી અને ઇન્દ્રનીલ રાજગુરૂ પણ ઓટો રીક્ષા ડ્રાઇવરના ઘરે જમ્યા હતા.
ગુજરાતના તમામ ઓટો ચાલક ભાઇઓનો દિલથી આભાર : કેજરીવાલ
ભોજન કર્યા બાદ કેજરીવાલે ટવીટ કર્યું કે, ‘અમદાવાદમાં ઓટો ચાલક વિક્રમભાઇ દંતાણી ખુબ પ્રેમથી તેમના ઘરે ભોજન માટે લઇ ગયા, તેમના પુરા પરિવાર સાથે મુલાકાત કરાવી, સ્વાદિષ્ટ ભોજન સાથે ખુબ આદર-સનમાન આપ્યું. આ અપાર સ્નેહ માટે વિક્રમભાઇ અને ગુજરાતના તમામ ઓટો ચાલક ભાઇઓનો દિલથી આભાર’
કેજરીવાલની પોલીસ સાથે રકઝક
- Advertisement -
જ્યારે કેજરીવાલ ઓટો રીક્ષા ચાલકના ઘરે જવા રિક્ષામાં બેઠા ત્યારે પોલીસ અધિકારી અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ વચ્ચે શાબ્દિક રકઝક થઈ હતી. પોલીસ અધિકારીએ કેજરીવાલને ઓટોમાં જતા રોકીને પ્રોટોકોલ ન તોડવા કહ્યુ હતું. જેના જવાબમાં કેજરીવાલે કહ્યું કે મારે તમારી સિક્યુરિટી જોઈતી નથી, લોકો વચ્ચે જવા પ્રોટોકોલ તોડવો પડે તો તોડીશ.