વર્ષ-2021ના 9 મહિનામાં 281 કરોડના ખર્ચ સામે માત્ર 43 કરોડની આવક
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) તંત્ર ખાનગી ઓપરેટરો ઉપર મહેરબાન થઈ ગયુ છે. વર્ષ-2021ના 9 મહિનામાં 281 કરોડના ખર્ચ સામે માત્ર 43 કરોડની આવક થવા પામી હતી. કુલ 238 કરોડનું નુકસાન થવા પામ્યું છે. આમ છતાં નવી 118 મીડી સી.એન.જી.બસ ખરીદી ખાનગી ઓપરેટરોને પ્રતિ કીલોમીટર 45થી વધુનો ભાવ ચૂકવી બખ્ખા કરાવવા કવાયત શરુ કરવામાં આવી છે.
અખઝજ તેની સ્થાપનાના 75 વર્ષ પુરા કરી ચૂકી છે. એક સમયે નફા સાથે દોડાવવામાં આવતી આ બસ સેવા હાલમાં ખાનગી ઓપરેટરોના લાભાર્થે દોડાવવામાં આવતી હોવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. એપ્રિલ-2021થી ડિસેમ્બર-2021 સુધીના સમયમાં એ.એમ.ટી.એસ.ને ચલાવવા 281 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેની સામે આ સમય દરમ્યાન કુલ મળીને 43 કરોડની આવક થવા પામી હતી. જે સામે કુલ 237.96 કરોડનુ નુકસાન AMTSના રેકોર્ડ ઉપર નોંધાયેલ હોવાનું વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણે કહ્યુ છે. કપરી આર્થિક પરિસ્થિતિ તથા દેવાના ડુંગરા હેઠળ દબાયેલી આ સંસ્થા દ્વારા મુસાફરોને ધ્યાનમાં રાખી સવલત આપવાના બદલે ખાનગી ઓપરેટરોને લાભ કઈ રીતે મળે એ બાબતને અગ્રીમતા અપાઈ રહી છે.
- Advertisement -
AMTS દ્વારા છથી આઠ વર્ષના સમય માટે ખાનગી ઓપરેટરો પાસેથી 118 નોન એ.સી. સી.એન.જી. મીડી બસ ડ્રાઈવર અને કંડકટર સાથે મંગાવવા રીકવેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવવામાં આવી છે. આ બસ પૈકી 71 બસ આઈસર અને 47 બસ ટાટા મેઈક ખરીદાશે. શહેરના વિવિધ રોડ ઉપર હાલમાં ખાનગી ઓપરેટરોની 600થી વધુ બસ દોડાવાઈ રહી છે. ખાનગી ઓપરેટરોને પ્રતિ કીલોમીટર 42નો ભાવ ચૂકવવામાં આવી રહ્યો છે. આથી પણ વધુ ભાવ પ્રતિ કીલોમીટર ઓપરેશન અને મેઈન્ટેઈનન્સ સાથે આપવામાં આવશે. AMTSના 800 જેટલા કર્મચારીઓને મ્યુનિ.ના વિવિધ વિભાગમાં ફરજ બજાવવા મુકી દેવામાં આવ્યા છે.