જોવેલ નામનો એક બાળક એની માતા સાથે ચેન્નાઇની શેરીઓમાં ભીખ માંગવાનું કામ કરતો હતો અને ફૂટપાથ પર જ માતા સાથે રહેતો હતો. પિતા નાનપણમાં જ અવસાન પામેલા અને માતાને દારૂનું વ્યસન એટલે આખો દિવસ માંગેલી ભીખની રકમ માતાના દારૂમાં જતી રહે. ઘણી વખત તો ભૂખ્યા સુવાનો વારો આવે. પહેરવા માટે એક જ શર્ટ અને પેન્ટ હતું અને એ પણ ગંદુ. ચોમાસાની ઋતુમાં કોઈની દુકાનના છાપરા નીચે સહારો લેવાનો અને એમાં પણ જો પોલીસના ધ્યાનમાં આવે તો આખી રાત વરસતા વરસાદમાં પલળતા-પલળતા કાઢવી પડે.
આવી દારુણ ગરીબીમાં પણ છોકરો કંઈક કરવાના સપનાઓ જોતો. સિગ્નલ પર ભીખ માંગતી વખતે નવી નવી ગાડીઓની અંદર નીરખીને જોયા કરે અને આવી ગાડીમાં બેસવા મળે તો કેવી મજા પડે એની કલ્પના કર્યા કરે. એક દિવસ આ છોકરાનો ભેટો એક સમાજસેવી દંપતી સાથે થયો. ઉમા અને મુથ્થુરામન રસ્તે ભટકતા અને ભીખ માંગતા બાળકોના શિક્ષણ માટે કાર્ય કરતા હતા. જોવેલના સપનાઓ જાણી આ દંપતીએ જોવેલને ભણાવવાનું નક્કી કર્યું.
ભીખ માંગનારો જોવેલ હવે ભણવા બેઠો. સપનાઓને પુરા કરવા માટે એ દિલ દઈને અભ્યાસ કરતો. 12 સાયન્સ પાસ કર્યા પછી ઓટોમોબાઇલ એન્જિનિયરિંગના અભ્યાસ માટે જોવેલને ઇંગ્લેન્ડ મોકલવાનું નક્કી થયું. દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ પૈકીની એક એવી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટેની પરીક્ષા જોવેલે પાસ કરી અને પોતાને જે કારમાં રસ પડતો હતો એ કારના અભ્યાસ માટે કેમ્બ્રિજમાં એડમિશન લીધું.
- Advertisement -
કેમ્બ્રિજમાંથી અભ્યાસ પૂરો કરીને આગળના અભ્યાસ માટે જોવેલ ઇટાલી ગયો. રેસ માટેની કાર તૈયાર કરવાનો એણે વિશિષ્ટ અભ્યાસ કર્યો. ચેન્નાઈની શેરીઓમાં ભીખ માંગતો જોવેલ આજે દુનિયાની ઝડપી ગાડીઓ બનાવના કામમાં લાગી ગયો છે. જોવેલનું એક જ સપનું છે કે ઉમા અને મુથ્થુરામન સાથે જોડાઈને ગરીબ બાળકોના અભ્યાસ માટે કામ કરવું છે. જેવી રીતે પોતે એક આદરપાત્ર સ્થાન પ્રાપ્ત કરી શક્યો એવું સ્થાન બીજા બાળકોને પણ અપાવવું છે.
જીવનમાં કંઈક કરવાનો મનસૂબો હોય તો પરમાત્મા કોઈને કોઈ રીતે મદદ કરે જ છે. પરિસ્થિતિ સામે ગોઠણીએ પડવાને બદલે હિંમતભેર સામનો કરતા શીખીએ.
સફળતા મેળવવી હોય તો કૈક અલગ જ કરી બતાવો. રોજ જે કરો છો, તે જ કરશો તો રોજ જે મળે છે, તે જ મળશે.
-એન્થોની રોબિન્સ