‘ખાસ-ખબર’ સાંધ્યદૈનિકમાં ગત તા. 12 અને 14 ફેબ્રુઆરીનાં રોજ રાજકોટમાં ઠેર-ઠેર બેફામપણે દવાનાં નામે દારૂ વેંચતી પાન અને કોલ્ડ્રીંક્સની દુકાનોનું સ્ટીંગ ઓપરેશન કરી વિસ્તૃત અહેવાલ સાથે પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
ધમલપરનાં યુવરાજ પાન એન્ડ કોલ્ડ્રીંક્સમાં દરોડો પાડતાં 562 બોટલ મળી હતી: પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કિશોર ધોળકિયાની ધરપકડ
- Advertisement -
વાલજી બાંભવાએ બોટલો આપી હતી : તુલસી, સંતરા, અસવા, હર્બલ ટોનિક સહિતની બોટલો કબ્જે કરાઈ હતી
રાજકોટમાં આજે પણ હર્બલ પીણાંના નામે પાનની દુકાનોમાં આલ્કોહોલ મિશ્રિત પીણાં બેફામપણે વેંચાઈ રહ્યા છે
FSL પરીક્ષણમાં 4થી 9.05 ટકા સુધી આલ્કોહોલ મળ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં નામ પૂરતી દારૂબંધી છે એ વાક્ય હવે સામાન્ય થઈ ગયું છે. ખુલ્લે આમ નિયમોના ધજાગરાં સાથે નીતનવા પેંતરા અજમાવીને આલ્કોહોલીક પીણાનું વેંચાણ ગુજરાતમાં થઈ રહ્યું છે. ત્યારે રાજકોટમાં પાન અને કોલ્ડ્રીંકસની દુકાનોમાં આયુર્વેદિક સીરપના નામે આલ્કોહોલીક પીણા વેચાય રહ્યા હોવાનું સામે આવ્યું હતું. ‘ખાસ-ખબર’ સાંધ્ય દૈનિક દ્વારા 15 જાન્યુઆરી 2021ના રોજ આયુર્વેદિક ટોનિકના નામે આલ્કોહીલ પીણું વેંચાઈ રહ્યું હોવાનો પર્દાફાશ કરતો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તેમજ 12 અને 14 ફેબ્રુઆરી 2022ના રોજ ફરી એકવાર પાન અને કોલ્ડ્રીંકસની દુકાનોમાં આયુર્વેદિક ટોનિકની બોટલમાં વેચાતા આલ્કોહોલીક પીણાનું સ્ટીંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ‘ખાસ-ખબર’ દ્વારા અહેવાલ પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ અહેવાલના આધારે પોલીસ વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી.
કુવાડવા પોલીસે ધમલપરમાં આવેલી કિશોર જેસીંગ ધોળકીયાની યુવરાજ પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાનમાં આલ્કોહોલ મિશ્રિત પીણાનું વેંચાણ થતું હોવાની શંકાને આધારે દરોડો પાડ્યો હતો. જેમાં અલગ અલગ નામ અને હર્બલ ટોનિકની અંદાજે રૂ. 74,400ની કિંમતની 565 બોટ કબજે કરીને તેના નમૂના FSLમાં મોકલ્યા હતા. જેના રિપોર્ટમાં ઈથાઈલ આલ્કોહોલ આવતા સાબિત થયું હતું કે આયુર્વેદિકના નામે નશાનો કાળો કારોબાર કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ મુજબ તુલસી સંતરા અસવા હર્બલ ટોનીકની 525 એમએલની બોટલમાં 9.05 ટકા, કે.ટી. આયુર્વેદિક હર્બલ ટોનીકની 300 એમએલની બોટલમાં 8.31 ટકા અને ડેનિસ હર્બલ ટોનિકની 525 એમએલની બોટલમાં 8.14 ટકા ઈથાઈલ આલ્કોહોલની હાજરી મળી આવી છે. આ અંગે કુવાડવા પોલીસ મથકના પીએસઆઈ એન.આર. વાણીયાએ ફરિયાદી બનીને કિશોર ધોળકીયા વિરુધ્ધ પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ ગુનો નોંધ્યો છે.
ઉલ્લેખનીય છે કે ‘ખાસ-ખબર’ દ્વારા સત્યને ઉજાગર કરવા માટે કોઈની શેહ-શરમ રાખ્યા વિના સચોટ અહેવાલ પ્રકાશિત કરવામાં આવે છે. આગળ પણ આવી જ રીતે આપની સમક્ષ સત્યતાને ઉજાગર કરતાં રહીશું.


