રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય
રાજકોટ મહાનગરપાલિકામાં અત્યાર સુધીમાં 12,276 અરજી આવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત સરકારે ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઇઝડ ડેવલપમેન્ટ એક્ટ-2022 હેઠળ અનધિકૃત બાંધકામોને કાયદેસર કરવા માટે શરૂ કરેલી ઈમ્પેક્ટ ફી યોજનાની મુદત ચોથી વખત લંબાવી છે. હવે લોકોને 16 ડિસેમ્બર, 2025 સુધી તેમના બાંધકામ રેગ્યુલર કરાવવાની તક મળશે. આ નિર્ણયથી મોટી સંખ્યામાં બાંધકામો કાયદેસર બની શકશે. સરકારનું મુખ્ય ઉદ્દેશ વધુમાં વધુ નાગરિકોને કાયદેસર રીતે સુવિધાઓનો લાભ મળવો છે, ખાસ કરીને રહેણાંક ક્ષેત્રમાં. મોટાભાગે સરકાર અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા આવા વિસ્તારોમાં તમામ જરૂરિયાતની સેવાઓ પહેલેથી જ આપવામાં આવી રહી છે. આવા બાંધકામોને નિયમમાં લાવવાથી શહેરોની યોજના અનુસાર વિકાસ શક્ય બને છે.
ગત વર્ષે રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરી ઠપ્પ થઇ ગઈ હતી. પરિણામે, રેગ્યુલરાઇઝેશનની પ્રક્રિયામાં વિલંબ થયો. હવે સરકાર દ્વારા વધુ એક વખત મુદ્દત લંબાવવાથી લોકોને ફરી એક તક મળી છે.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકામાં અત્યાર સુધીમાં 12,276 અરજીઓ આવી છે. જેમાંથી સેન્ટ્રલ ઝોનમાં 4463, ઈસ્ટ ઝોનમાં 1694 અને વેસ્ટ ઝોનમાંથી 6119 અરજીઓ મળી હતી. તેમાં પાર્કિંગ જગ્યા, માર્જિનના નિયમો, નકશાની ઉણપ કે પુરાવા ન હોવાના કારણે અત્યાર સુધીમાં 1006 અરજીઓ મનપા દ્વારા નામંજૂર કરી દેવામાં આવી છે. ઈમ્પેક્ટ ફી યોજના મકાનના એકફળિયા ઉપર વધારાનું રૂમ બનાવેલું હોય કે દુકાનોનું બાંધકામ માર્જિનનો ઉપયોગ કરીને કરેલું હોય, એવા લઘુતમ બાંધકામ માટે ખાસ ઉપયોગી હતી. છતાં, યોજનાનો મોટો લાભ કોમર્શિયલ અને મોટા બાંધકામધારકોને મળ્યો છે, જયારે મધ્યમ વર્ગના રહેણાંક ધારકોનો પ્રતિસાદ અત્યંત ઓછો રહ્યો છે.
સરકારી જમીન કે જાહેર માર્ગ પરના બાંધકામો નિયમિત કરવામાં સરકાર કોઈ છૂટ આપતી નથી. ફક્ત ખાનગી મિલ્કતમાં થયેલ બાંધકામો જ જો નિયમો મુજબ હોય તો ફી લઈને રેગ્યુલર થઇ શકે છે.
તા. 16 જૂન, 2025ના રોજ શહેરી વિકાસ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરી તમામ મહાનગરપાલિકાઓ, ટાઉન પ્લાનર્સ, કલેકટર તેમજ સંબંધિત વિભાગોને આ નવી મુદતની જાણકારી આપવામાં આવી છે.