પંથકના 45 ગામને આરોગ્ય સેવા આપતી સરકારી હોસ્પિટલમાં જરૂરી જગ્યાના ફાંફાં:પેશકદમી કરનારને ઘી કેળા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.27
ગીરના પાટનગર તાલાલા શહેરમાં આવેલ 125 વર્ષ જૂની રયૈતી ધર્મશાળાની સોનાની લગડી જેવી કીંમતી જમીન ઉપર ગેરકાયદેસર દુકાનો બંધાઈ રહી હોય તાલાલા નગરના જાગૃત અને પ્રબુદ્ધ નાગરિકો ચિંતામય બની ગયા છે.ધર્મશાળાની કરોડો રૂપિયાની કીંમતી સરકારી જમીન ઉપર મોટી મોટી દુકાનો બની રહી હોવા છતાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા વહીવટી તંત્ર ચુપ હોય લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
- Advertisement -
આ અંગેની વિસ્તૃત વિગત એવી છે કે તાલાલા શહેરમાં નવાબી કાળ દરમિયાન આ વિસ્તારમાં આવતા યાત્રાળુઓને રાતવાસો કરવા સદી પહેલા બંધાયેલ રયૈતી ધર્મશાળા અત્યારે સંપૂર્ણ જર્જરિત છે.ધર્મશાળા ના ઓરડા માં રહેવા માટે નહીં પણ ત્યાંથી પસાર થવું પણ જોખમી બની ગયું છે.ધર્મશાળાની વિશાળ જગ્યા બિલકુલ સરકારી હોસ્પિટલ પાસે આવેલ છે.હોસ્પિટલ રૂ.06 કરોડ 50 લાખના ખર્ચે નવનિર્મિત બનાવવા માટેની કામગીરી ચાલે છે.તાલાલા પંથકની 45 ગામની દોઢ લાખ માનવવસ્તી માટે આશીર્વાદરૂપ આ સરકારી હોસ્પિટલમાં દર વર્ષે 1500 પ્રસુતિ ઉપરાંત નાની મોટી સર્જરી સાથે દર વર્ષે એક લાખથી પણ વધુ દર્દીઓને સારવાર આપવામાં આવે છે.સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા લાભાર્થીઓ માટે પાર્કિંગની કોઈપણ સુવિધા નથી.હોસ્પિટલ સામે સરકારી પ્રાથમિક શાળા તથા નગરપાલિકા સંચાલિત હાઇસ્કુલ પણ આવેલ છે પરિણામે આ વિસ્તારના આખો દિવસ ટ્રાફિકથી ધમધમતો રહે છે માટે સાવ ખલાસ થઈ ગયેલ ધર્મશાળાનું ડિમોલેશન કરી સરકારી હોસ્પિટલ સાથે ભેળવવામાં આવે તો હાલમાં પાર્કિંગની સમસ્યા દૂર થાય..તેમજ ભવિષ્યમાં હોસ્પિટલની સુવિધામાં પણ નોંધપાત્ર વધારો કરી શકાય તેવી લાંબા સમયથી પ્રજા માંગણી કરી રહી છે પરંતુ આ વિસ્તારના પ્રજાના પ્રતિનિધિઓ રયૈતી ધર્મશાળાની જગ્યા ને હોસ્પિટલ સાથે જોડવાની કાર્યવાહી તો કરતા નથી પણ સોનાની લગડી જેવી કરોડો રૂપિયાની ધર્મશાળા ની જગ્યાનું રખોપું કરવામાં પણ આ વિસ્તારના લોક સેવકોનો પન્નો ટૂંકો પડતો હોય તેવી છડે ચોક અવનવી ચર્ચાઓ સાથે..ધર્મશાળામાં થતું ગેરકાયદેસર બાંધકામ અટકાવવા બુલંદ માંગણી કરી રહ્યાં છે.
તાલાલા શહેર તથા પંથકની આમ જનતાની આરોગ્ય સેવા માટે અતિ ઉપયોગી જર્જરીત રયૈતી ધર્મશાળા ની જગ્યા ઉપર ગેરકાયદેસર થતા કોમર્શિયલ બાંધકામ દૂર કરાવી તાલાલા પંથકની દોઢ લાખ પ્રજા માટે આશીર્વાદરૂપ આરોગ્ય મંદિર સાથે ધર્મશાળા ની જગ્યા ભેળવી દેવા પ્રબળ લોક માંગણી ઉઠી છે.
તાલાલા હોસ્પિટલ અપગ્રેડ કરવી જરૂરી: તાલાલામાં કાર્યરત હોસ્પિટલ 30 બેડની છે જે તાલાલા વિસ્તારની 45 ગામની દોઢ લાખની માનવ વસ્તી માટે ખુબજ નાની પડે છે..તાલાલા વિસ્તારના પ્રબુદ્ધ નાગરિકોના જણાવ્યા પ્રમાણે દર વર્ષે એક લાખથી વધુ દર્દીઓને સારવાર આપતી હોસ્પિટલ ની વિશાળ ઓ.પી.ડી ધ્યાને લઈ હોસ્પિટલ ને અપગ્રેડ કરી 50 બેડની સબ ડ્રિસ્ટ્રીકટ હોસ્પિટલ કરવી જરૂરી છે…અપગ્રેડ કરવા માટે હોસ્પિટલ પાસે આવેલ ધર્મશાળાની જગ્યા એક માત્ર વિકલ્પ છે…તે ધ્યાને લઈ આ વિસ્તારના લોક પ્રતિનિધિઓ ધર્મશાળાની જગ્યામાં થતાં ગેરકાયદેસર બાંધકામ અટકાવી સરકારની માલિકીની ધર્મશાળાની જગ્યા હોસ્પિટલમાં ભેળવી આ વિસ્તારની આરોગ્ય સવલતમાં વધારો કરવો ખૂબ જ જરૂરી છે.
ધર્મશાળા ટ્રસ્ટના અધ્યક્ષ મામલતદાર છે: તાલાલા શહેરમાં અંદાજે 125 વર્ષ પહેલા બંધાયેલ ધર્મશાળા નું સંચાલન ટ્રસ્ટ દ્વારા થતું હતું.મોટાભાગના ટ્રસ્ટીઓ અત્યારે હયાત નથી.ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે હોદા ની રુએ મામલતદાર છે.તાલાલા શહેરના વગવાળા લોકો ધર્મશાળા ની જગ્યા ધણી ધોળી વગરની રામ ભરોસે પડી છે તેમ માની ધર્મશાળામાં દુકાનો બનાવી આર્થિક કમાણી કરી રહ્યા છે ત્યારે સોનાની લગડી જેવી સરકારી ધર્મશાળાની મિલકત બચાવવા ટ્રસ્ટના અધ્યક્ષ વિના વિલંબે તપાસ કરી રયૈતી ધર્મશાળાની સંપૂર્ણ વિગતો સાથે અહેવાલ ગીર સોમનાથ જિલ્લા સમાહર્તાને મોકલી તાલાલા શહેર તથા 45 ગામની પ્રજાને યોગ્ય ન્યાય અપાવે તેવી પ્રબળ લોક માંગણી ઉઠી છે.
- Advertisement -



