વોર્ડ નં. 3ની અનેક શેરીઓમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હોવાની રાવ ઉઠી: ગેરકાયદે થયેલા બાંધકામો તોડી પાડવા મનપા કમિશનરને રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
શહેરના બેડીનાકા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ ખડકવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે, ઉપરાંત બેડીનાકાની આસપાસ ભૂકંપ આવ્યા બાદના સમયમાં જે નવા બાંધકામો કરવામાં આવ્યા હતા તે પણ ગેરકાયદેસર કરવામાં આવ્યા છે જેના કારણે આસપાસ રહેતા રહેવાસીઓને અડચણ થતી હોવાની ફરિયાદો કરી છે ત્યારે આ ખડકવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામનો સત્વરે તોડી પાડવા બેડીનાકાના રહેવાસીઓ દ્વારા મનપા કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. સાથે અનેક સવાલો એવા પણ ઉઠી રહ્યા છે કે આ ગેરકાયદે બાંધકામ કરવાની મંજૂરી કોણે આપી હશે? અથવા તો નિયમોનો ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે? શા માટે તંત્રને આ ગેરકાયદે બાંધકામ દેખાતું નથી?
- Advertisement -
વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેરના વોર્ડ નં. 3ના બેડીનાકા વિસ્તારમાં ખાખી હનુમાનવાળી શેરી, કડીયાવાડ શેરી, મુળશંકર શાસ્ત્રીની શેરી, નકલંક શેરી, કરસનજી મુલચંદની શેરી, દેવકુંવરબા સ્કૂલવાળી શેરી, બાઈઓના સ્વામિનારાયણ મંદિરવાળી શેરી, ઘેલારામજીની શેરી, દરબારગઢના ચોરાવાળી શેરી, હવેલી શેરી, ભટ્ટ શેરી, લધુભાના ઉતારાવાળી શેરી, સાયલાના ઉતારાવાળી શેરી, કામેશ્ર્વર ગોપાલજીની શેરી, ખડકીનાકા ચોક વિસ્તાર, હળધોળ શેરી, પટવાળી શેરી, જેઠા સવજીની શેરી, ખેતશી કાળાની શેરી, બેડીનાકા ટાવરવાળી શેરી આ તમામ વિસ્તાર આવેલા છે. જેમાં રાજકોટ શહેરના નિર્માણ વખતના મકાનો આવેલા છે. રાજકોટ શહેરમાં ભૂકંપ આવેલો ત્યારે આ તમામ વિસ્તારના મકાનોમાં ભૂકંપની અસર થયેલી છે જેથી રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે નવા બાંધકામ માટે ભૂકંપપ્રૂફ મકાનોનું બાંધકામ કરવા માટે નિયમો બહાર પાડેલા છે પરંતુ વિસ્તારોમાં ભૂકંપ આવ્યા બાદના સમયમાં જે નવા બાંધકામો થયેલા છે તે બાંધકામો નિયમો મુજબ બાંધકામ થયા નથી તેમજ આવા નવા બાંધકામ કરેલા ગેરકાયદે બાંધકામવાળા મકાનોમાં બહારના રાજ્યના લોકો આવી ગેરકાયદે બાંધકામવાળા મકાનો ખરીદ કરી તેમાં રહેણાંક ધરાવે છે તેમજ બાંધકામ કરેલા મકાનોમાં વધારાના ગેરકાયદે બાંધકામ કરી અને પેઢી દર પેઢીથી વંશપરંપરાગત રીતે રહેતા લોકોના મકાનોમાં અડચણ થાય તે રીતે બાંધકામ કરી રહ્યા છે જેની સામે વર્ષોથી રહેણાક ધરાવતા લોકોમાં રોષ વ્યાપ્ત થયેલો હોય જેથી આવા ગેરકાયદે બાંધકામ થતા મકાનોને તોડી પાડી અને કાયદા મુજબ નવા બાંધકામ મનપા અધિકારીઓ દ્વારા કરાવવામાં આવે તેવી રજૂઆત લતાવાસીઓ દ્વારા મનપા કમિશનરને કરવામાં આવી છે.