કોલસાની સિઝન શરૂ થતા ભૂગર્ભમાં રહેલા ખનિજ માફિયાઓ સક્રિય થયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રીસ દશકાથી ચાલતા કોલસાના ખનનમાં ગમે તેવો અધિકારી હોય અંતે કાળા હાથ કરવા લાગે છે. ત્યારે થાનગઢ અને મૂળી પંથકમાં ગેરકાયદેસર ખનન થતા કોલસાના કારોબારમાં વરસાદી સિઝનના લીધે બ્રેક લાગી હતી પરંતુ હવે વરસાદી સિઝન પૂર્ણ થવાના આરે આવતા ફરીથી કોલસાના કુવા શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે જે ખનિજ માફીયાઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા હવે તે ખનિજ માફીયાઓ ફરીથી ગેરકાયદેસર કોલસાના ખનનમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે બહાર આવ્યા છે. ખાસ કરીને થાનગઢ અને મૂળી પંથકમાં કોલસાના કારોબાર કરવા માટેની સિઝન હવે ફરીથી શરૂ થઈ ચૂકી છે તો આ તરફ તંત્ર પણ ક્યાંકને ક્યાંક કોલસાના ખનનમાં કાળા હાથ કરતા હોવાનું સામે આવે છે.
- Advertisement -
મૂળી તાલુકાના ધોળિયા, વગડીયા, ભેટ, અસુંદરાળી સહિતના ગામોમાં કોલસાનું ખનન અને વહન શરૂ થયું છે તો આ તરફ થાનગઢ પંથકના સોનગઢ, જામવાડી, ભાડુલા, ખાખરાથળ, ચોરવીરા સહિતના વિસ્તારોમાં કોલસાનું ખનન જોવા મળે છે. જે પ્રકારે ખનિજ માફીયાઓ એક્ટિવ થયા છે તેની સાથે હવે વોટ્સએપ ગ્રુપમાં પણ કેટલાક અંશે સરકારી કર્મચારીઓની રેકી કરતા સક્રિયતા દાખવવામાં આવે છે. ચોકસાઈથી વોટ્સએપ ગ્રુપમાં અધિકારીના પળેપળની ખબર ખનિજ માફિયાઓને મળતી રહે છે. ત્યારે થોડા અંશે શરૂ થયેલ કોલસાની સિઝન હવે પૂર્ણ રૂપે ધમધમતી થવા માટે લગભગ એકાદ મહિનાનો સમય લાગશે પરંતુ ત્યારબાદ જે પ્રકારે કોલસાનું ખનન અને વહન થતું દેખાશે તેમાં બાહુબલી અધિકારીઓ પણ બિલાડીની માફક પોતાની ઓફિસમાં બેસીને ખનનના આખાય ખેલને પાર પાડવા આ અધિકારીઓની નિષ્ક્રિયતાના દામ બોલાશે તેમ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.