દિવસ રાત ધમધોકાર ચાલતી કોલસાની ખાણો તંત્રના નજરે ચડતી નથી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લાના કોલસો, પથ્થર, રેતી, સફેદ માટી સહિતનું ખનિજ દરરોજ હજારો ટન લુટાઈ રહ્યું છે. જ્યારે તંત્ર માત્ર મૂકપ્રેક્ષક બનીને આ આખોય ખનીજનો ખેલ નજરે જોઈ રહ્યું હોવા છતાંય કાર્યવાહી કરવામાં અળગું રહે છે ત્યારે ખાસ કરીને થાનગઢ પંથકના તરણેતર ગામ નજીક ચાલતા કોલસાના ગેરકાયદેસર ખનન પર હજુ સુધી કાર્યવાહી કરાઈ નથી. તરણેતર ગામ નજીક જ્યાં કોલસાનું ખનન થઈ રહ્યું છે ત્યાં અતિ પૌરાણિક ત્રિનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. હજારો વર્ષ જૂનું આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે ત્યારે દર વર્ષે અહીં રાજ્ય અને દેશનો સુપ્રસિધ્ધ તરણેતરનો મેળો પણ યોજાય છે ત્યારે કોલસાના ખનન કરતા ખનિજ માફીયાઓ જમીનના પેટાળમાંથી કોલસાને કાઢવા માટે ગેરકાયદેસર રીતે જિલેટીન જથ્થાનો ઉપયોગ કરી વિસ્ફોટ કરે છે જેથી અહીંની જમીન ધંધાની ઉઠતા પૌરાણિક મંદિરને પણ નુકશાન થાય છે.પૌરાણિક મંદિર પુરાતત્વ વિભાગના આરક્ષિતમાં આવવા છતાં તંત્રને ખનિજ ભંડારની સાથે આ મંદિરની પણ કાંઈજ પડી નથી. જેથી છેલ્લા કેટલાક સમયથી તરણેતર ગામે થતી કોલસાની ખનિજ ચોરી સામે હવે તંત્ર પણ નપાણિયું સાબિત થયું છે. જોકે થાનગઢ પંથકના કેટલાક વિસ્તારોમાં ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા એક બાદ એક દરોડા કરતા અનેક ખનિજ માફીયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે પરંતુ હજુય કેટલાક એવા વિસ્તારો છે જ્યાં પ્રાંત અધિકારીનો નજર પહોંચી નથી અને આ વિસ્તારોમાં આજેય કોલસાના ગેરકાયદેસર ખનનનો ખેલ યથાવત જોવા મળે છે.



