150 ફૂટ રિંગ રોડ ટચ આવેલા કિંમતી પ્લોટમાં 11 જેટલી રાઈડ્સ ગોઠવી ધંધો શરૂ કરી દીધો
મેળો કરનાર કહે છે કે, આનું કંઈ આપતો નથી બધું સંબંધમાં ચાલે છે: જીઈબી તંત્રએ વગર અરજીએ ગેરકાયદે જમીન ઉપર શરૂ કરેલા ધંધા માટે વીજ મીટરનું કનેક્શન કેમ આપ્યું?
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના પોશ એરીયા ગણાતા અમીન માર્ગ કોર્નરના છેડે એક ટાઉન પ્લાનિંગના પ્લોટમાં મહાનગરપાલિકા અને પીજીવીસીએલ તંત્રના કેટલાક અધિકારીઓ દ્વારા આચરાઈ રહેલા મોટા કૌભાંડની વિગતો બહાર આવી છે. આ જગ્યા પર એટલે કે ટીપીના પ્લોટ પર એક આસામીએ જમ્પિંગ તેમજ ફજેત ફાળકા સહિતની 11 જેટલી રાઈટ્સ ગોઠવીને રોજ હજારો રૂપિયાનો ધંધો કરી રહ્યો છે.
સૌથી આશ્ર્ચર્યની વાત એ જાણવા મળી કે અહીં આવા મનોરંજનના સાધનો ચલાવતો આસામી મનપા તંત્રને કોઈ પ્રકારનો વેરો ભરતો નથી. અને પોતે બધાને કહેતો ફરે છે કે, હું એક પણ પૈસો ચૂકવતો નથી. માત્ર સંબંધથી બધું ચાલે છે. અને હું અહીં કોઈને ઊભા રહેવા પણ દેતો નથી.
ત્યારે જાગૃત લોકોમાં એવો પ્રશ્ર્ન થઈ રહ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકાને કોઈપણ જાતનો એક પણ પૈસો ફરતો ન ચૂકવતો હોવા છતાં વીજ કંપનીએ આસામીને જીઈબીનું વીજ મીટર કેમ આપ્યું? આવી રીતે વીજ મીટર કેવી રીતે આપી શકાય?
જો આ માં લાગતા વળગતા સત્તાધીશોની મિલીભગત હોય તો જ આ શક્ય બને. બાકી આવી રીતે કોઈ દિવસ ગેરકાયદે રીતે જીઇબીનું મીટર કોઈ આપી શકે નહીં. ત્યારે આ વાતમાં કેટલું સત્ય છે તે જાણવા માટે મહાનગરપાલિકાના સત્તાધીશોએ તાત્કાલિક આ જગ્યાએ તપાસ કરવાની જરૂર છે. જો આ વાતમાં તપાસ થાય તો રાજકોટ કોર્પોરેશન તેમજ જીઈબીને લાગતા વળગતા સત્તાધીશોના રોટલા અભડાઈ જવાની શક્યતા નકારી શકાતી નથી. કારણ કે, આ આસામી જગજાહેર છે મનોરંજનના સાધનો ટીપીના પ્લોટ ઉપર ગોઠવીને ધીકતો ધંધો કરી રહ્યો છે. તે વાત કોઈથી છુપાવી શકાય તેમ નથી. જો તપાસ કરવામાં આવે તો આ શખ્સ કેટલા સમયથી આવો ધંધો કરી રહ્યો છે ? તેમની પાસેથી કેટલું જમીનનું ભાડું વસુલાશે? આ જમીન ઉપર આવી રીતે ધંધો કરવા માટે તેમણે અગાઉ કોઈ રાજકોટ મહા નગરપાલિકા પાસે પરવાનગી માંગી છે કે નહીં ? તેમને પરવાનગી મળી છે કે નહીં ? જીઈબી તંત્રએ વગર અરજીએ કે ગેરકાયદે જમીન ઉપર શરૂ કરેલા ધંધા માટે વીજ મીટરનું કનેક્શન કેમ આપ્યું?
શું જીઈબીમાં વીજ મીટર માટે મંજૂરી લેવાઈ હતી ? ન લેવાય હોય તો હવે આ શખ્સ પાસેથી જીઇબી નું બીલ કેટલું વસૂલ કરાશે? તેમને કોઈ દંડ ફટકારાશે કે કેમ તેવા પ્રશ્ર્નો ઉદભવી રહ્યા છે.