મોર્નિંગ મંત્ર
ડૉ.શરદ ઠાકર
મનુષ્ય પાસે વ્યક્ત થવું કે અવ્યક્ત રહેવું એવા બે વિકલ્પો છે. વાણી દ્વારા આપણે વ્યક્ત થઇએ છીએ. મૌન દ્વારા આપણે અવ્યક્ત રહીએ છીએ. આ બેમાંથી ઉત્તમ શું?
મનુષ્ય જ્યારે બોલે છે ત્યારે એનું મન બહિર્મુખી બને છે. એ પોતાના વિચારો બીજા મનુષ્યો સુધી પહોંચાડે છે. સાથે સાથે બીજા લોકોના વિચારો કર્ણનેન્દ્રિય દ્વારા સાંભળીને પોતાના મન સુધી લઈ આવે છે. માતૃકા શક્તિનો આ વિનિયોગ જગત માટે આવશ્યક છે; પરંતુ સમજદાર સાધકે સમજી લેવું જોઈએ કે શબ્દો એ દેવી સરસ્વતીનું વરદાન છે. વાણીનો વેડફાટ ન થવો જોઈએ. સંસારમાં રહેવું હોય તો જ્યાં આવશ્યક હોય ત્યાં બોલવું જોઈએ પરંતુ બિનજરૂરી વાણીવિલાસ ટાળવો ઉત્તમ.
- Advertisement -
મનુષ્ય જ્યારે ચૂપ રહે છે ત્યારે તે અંતર્મુખી બને છે. જો કે મૌન ધારણ કર્યાં પછી પણ તેણે પોતાના વિચારોને ભીતરની તરફ વાળવા જોઈએ. મનને બાહ્ય જગતમાં ભટકતું મૂકી ન શકાય.
હું અને તમે સંસારીજનો છીએ. આપણાં ઘરમાં, વ્યવસાયમાં તેમ જ સામાજિક સંબધોમાં આપણે બોલવું જ પડે છે. હમણાં થોડા સમયથી મેં અનાવશ્યક બોલવાનું બંધ કરી દીધું છે. વિપશ્યના સાધનાની જેમ સંપૂર્ણ મૌન રાખવું એ મારા માટે શક્ય નથી. હું અંગતપણે માનું છું કે માત્ર 9 કે 10 દિવસ માટે ફરજીયાત મૌન ધારણ કરવું નિરર્થક છે. જો તમે આવું મૌન કાયમ માટે પાળી શકો તો જ તે ઇચ્છનીય કહેવાય.
આપણે મધ્યમમાર્ગી બનીએ. જ્યાં જરૂર હોય ત્યાં ઉચિત શબ્દોનો ઉપયોગ કરીએ. જ્યાં બોલવાનું આવશ્યક ન હોય ત્યાં મૌન ધારણ કરીએ. કોરોનની મહામારી એ આપણને એક સુઅવસર આપ્યો છે. સવારે ઊઠીને અથવા તો રાત્રે સૂતા પહેલાં એક-એક કલાકનું સંપૂર્ણ મૌન ધારણ કરીએ.


