ચાલ તારા વિચારમાં આવું, એ બહાને પ્રવાસ થઈ જાશે
વ્હાલી જિંદગી,
મારાં હાથરૂમાલનાં દરેક સળ ત્યારે ઉત્સાહમાં આવી જાય છે જ્યારે તું ગરબા રમી, પરસેવે રેબઝેબ થઈ હાથરૂમાલને ગાલ, કપાળ, આંખે અને ડોકે અડાડે છે ત્યારે હું ગાંડો થઈ મારાં હાથરૂમાલનાં દરેક સળ સાથે મનમાં મનમાં વાતચીત કરવા લાગું છું. સાવ તારી સાથે હોઉં છું ત્યારે પણ સતત વધારે પાસે કેમ રહી શકું એવું જ વિચાર્યા કરું છું. સદેહે તારાથી થોડીવાર માટે પણ દૂર હોઉં તો મારું મન મને એવું કહ્યાં કરે છે કે આ દૂરતા કરતા તો ના જીવવું સારું. ટૂંકમાં, મને અને મારાં મનને તારી તીવ્ર આદત પડી ગઈ છે. તારા ગાલની નાની નાની ગુલાબી ટેકરીઓ મારાં માટે તો ગુલાજાંબુ છે. હું પ્રેમની રસદાર ચાસણીમાં બોળી એ ગુલાજાંબુ આરોગવા ખૂબ ઉતાવળો થઈ તારી પાસે આવી પહોંચું છું. તું હસીને મને આરોગવા માટે આહ્વાન આપે છે અને હું ખૂબ જ રાજી થઈ જાઉં છું. કાનની નીચે આવતી વાળની લટ પર જ્યારે મારી આંગળીઓ લટાર મારવા નીકળે છે ત્યારે તું આંખો બંધ કરી મનમાં રાજીપો અનુભવે છે પછી હું નિશ્ચિંત થઈ આકાશમાં ઊડવા લાગું છું.
આંખોથી પ્રગટ થતો તારા શરીરનાં અણુએ અણુંથી બહાર આવી મારામાં સમાઈ જાય છે ત્યારે હું આનંદોત્સવ ઉજવું છું. શાંતિ કોને કહેવાય? એનો જવાબ મને મળી જાય છે. તારા ચહેરાની બધી જ રેખાઓ ખુશખુશાલ હોય એ મારી શાંતિ છે. તારી હાજરીથી મારામાં ખળભળાટ આવે, પ્રેમનું પૂર ઊછાળા મારવા લાગે એ મારી શાંતિ છે. તું મારાં જીવને શાંતિના નગરમાં લઈ જનાર ખેપિયો છે. આપણું શાંતિનું આ નગર જ્યાં એ બઘું જ છે જે આ દુનિયામાં બીજે ક્યાંય નથી. જિંદગી! તું મારો ભવ્ય રાજમહેલ છે. ગોધૂલિવેળાએ તારા હૃદયના ઝરૂખે હું બહાર નજર કરું છું તો ગોકુળની પવિત્ર ગોરજ મને ભરી દે છે. આ રજ અને એનાં દરેક કણ પર કૃષ્ણ અને રાધાનાં પ્રેમની મહાનતા સમાયેલી છે. મારાં આત્માની ભીતર તારા પ્રેમનો તેજપૂંજ પડેલો છે. હું આટલો ખુશ છું એનાં મૂળમાં તારો પ્રેમ જ સમાયેલો છે.
પ્રેમમાં માણસ માણસ મટીને ઈશ્વરના દરજ્જે પહોંચી જાય છે અને એની એને સહેજ પણ ખબર ના પડે – કારણ કે પ્રેમ દિવ્ય પદારથ છે. તું મારી હથેળીમાં હસ્તરેખા બની નાડીરૂપે છેક આત્મા સુઘી વિસ્તરેલી છે. તારું નામ હોઠ ઉપર આવે અને આંગળીઓ જિંદગીનું નામ લખવા અધીરી બની જાય… હોઠ અને દાંત ખૂલી જાય પછી ’જિં’ અને નીચલો હોઠ સહેજ નીચો જઈ દાંતને સ્હેજ અમસ્થી જીભનો ખૂણો અડે એટલે ’દગી’ એમ રમણીય છટાથી તું મારાં મુખમાં સમાઈ જાય… ત્યાંથી પ્રાણવાયુ સાથે એકરસ થઈ તું હૃદયમાં – તારે તારમાં વીંટળાઈ મારાં સમગ્ર અસ્તિત્વને ભરડો લઈ લે… આ આપણાં પ્રેમનું ગૌરવ છે. જિંદગી! તારું હોવું નાગરવેલના પાનની લીલાશ છે. કપૂરી પાનની તમતમતી સ્વાદધારા છે. તું છે તો જીવનનો આધાર છે, તારા વગર તારો આ પ્રેમી સાવ નિરાધાર છે… તું મારાં અસ્તિત્વની ચિરંજીવી લકીર છે કે જે સતત ઘાટી જ થયાં કરે. બસ, મારે એ લકીરનાં બંને છેડાની વચ્ચે રહેતો અને વહેતો સમય છે એને સાધવો છે. આ અને આવા થોકબંધ કારણો છે કે જીવ તને ભરપૂર ચાહે છે…
સતત તને શ્વસતો…
જીવ.
(શીર્ષકપંકિત:- મિલિન્દ ગઢવી)