બ્રહ્મોસ એરોસ્પેસ ઇન્ટિગ્રેશન એન્ડ ટેસ્ટિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન
આતંકવાદને કચડવાનો સમય આવી ગયો છે અને આ માટે સમગ્ર દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં એકજૂથ થવું પડશે
બ્રહ્મોસ મિસાઇલની ઝડપ 3430 કિમી પ્રતિ કલાક છે અને તેની મારક ક્ષમતા 400 કિમી સુધી છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.12
ઓપરેશન સિંદૂર દરમિયાન બ્રહમોસ મિસાઇલના પરાક્રમની ઝલક જોવા મળી હતી અને જો આ પૂરતું નથી તો તેની તાકાત વિશે પાકિસ્તાનીઓને પૂછવું જોઇએ તેમ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું.તેમણે વધુમાં જણાવ્યું હતું કે આતંકવાદને કચડવાનો સમય આવી ગયો છે અને આ માટે સમગ્ર દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં એકજૂથ થવું પડશે.બ્રહ્મોસ એરોસ્પેસ ઇન્ટિગ્રેશન એન્ડ ટેસ્ટિંગ ફેસિલિટીના ઉદ્ઘાટન સમારંભમાં બોલતા આદિત્યનાથે જણાવ્યું હતું કે બ્રહ્મોસ મિસાઇલ શું છે? તમે લોકોએ ઓપરેશન સિંદૂર હેઠળ તેના પરાક્રમની ઝલક જોઇ હશે. જો ઝલક ન જોઇ હોય તો પાકિસ્તાનીઓને પૂછી લેવું જોઇએ કે બ્રહ્મોસ મિસાઇલની તાકાત શું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બ્રહ્મોસ એરોસ્પેસ ઇન્ટિગ્રેશન એન્ડ ટેસ્ટિંગ ફેસિલિટીનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યુ હતું.
લખનઉના આ આધુનિક યુનિટમાં હવે બ્રહ્મોસ મિસાઇલની વર્તમાન આવૃત્તિની સાથે આગામી પેઢીની હલકી બ્રહ્મોસ એનજી મિસાઇલો પણ તૈયાર કરવામાં આવશે.આ મિસાઇલો જમીન, સમુદ્ર અને હવા ત્રણેય મોરચે શત્રુ પર ત્રાટકવા સક્ષમ છે. આ યુનિટ દર વર્ષે 80 થી 100 બ્રહ્મોસ મિસાઇલ બનાવશે અને ભવિષ્યમાં 100 થી 150 એનજી વર્ઝન સુધી ઉત્પાદન કરશે.
ડીઆરડીઓ અને રશિયાની એનપીઓ મશીનોસ્ટ્રોયેનિયાના સંયુક્ત ઉપક્રમ બ્રહ્મોસ એરોસ્પેસ દ્વારા વિકસિત આ મિસાઇલની ઝડપ 3430 કિમી પ્રતિ કલાકની છે અને તેની મારક ક્ષમતા 400 કિમી સુધી છે.
- Advertisement -
યોગીએ જણાવ્યું હતું કે વડાપ્રધાને જાહેરાત કરી છે કે હવે કોઇ પણ આતંકવાદી હુમલાને યુદ્ધ માનવામાં આવશે. આતંકવાદનો સંપૂર્ણ સફાયો કરવામાં નહીં આવે ત્યાં સુધી સમસ્યાનો ઉકેલ મળશે નહીં. આતંકવાદને કચડવાનો સમય આવી ગયો છે અને આ માટે સમગ્ર ભારતને એક સ્વરમાં મોદીના નેતૃત્ત્વમાં એકજૂથ થવું પડશે. યોગીએ જણાવ્યું હતું કે આતંકવાદ કૂતરાની પૂંછડી જેવું છે જેને ક્યારેય સીધી કરી ન શકાય. તેમને તેમની ભાષામાં જવાબ આપવા માટે તૈયાર રહેવું પડશે અને ભારતે ઓપરેશન સિંદૂરના માધ્યમથી વિશ્વને સંદેશ આપી દીધો છે.