ગઇકાલે એક ખૂબ તર્કવાદી મિત્ર મળી ગયા. એમણે એક કલાક સુધી ઝનૂનપૂર્વક દલીલબાજી કરી, ’ઇશ્વર જેવું કશું છે જ નહીં. આત્માની વાત પણ કપોળકલ્પિત છે. આપણું શરીર સ્વચાલિત બેટરીથી કામ કરતા યંત્ર સમાન છે. જે દિવસે બેટરીનો પાવર ખલાસ થઇ ગયો, તે દિવસે યંત્ર બંધ. આમાં આત્મા ક્યાં આવ્યો?
ગીતામાં ભગવાન આત્માની વાત કરે છે, જો ખરેખર આત્મા હોય તો આપણને બધાને દેખાતો કેમ નથી?’ સૂર્યનું પ્રતિબિંબ આયનામાં ઝિલાય છે. તાવડી કે બીજા કાળા પડદા પર ઝિલાતું નથી. ચિત્તમાં હજારો, લાખો મલિનતાઓનું પડ ચડાવીને આપણે એને તાવડી જેવું બનાવી મૂક્યું છે, પછી એમાં પ્રતિબિંબ જોવાની વાતો કરીએ છીએ. મનને અરીસા જેવું ચોખ્ખુંચણાક બનાવી દઇએ તો એમાં આત્માનું સ્પષ્ટ પ્રતિબિંબ દેખાશે.
- Advertisement -
આત્માની વિભાવનાને ન માનવા માટે એક હજાર કારણો હોઇ શકે, પરંતુ આત્માને માનવા માટે એક જ કારણ પર્યાપ્ત છે. એ કારણ છે શ્રદ્ધા. મને ભગવાન શ્રીકૃષ્ણે કહેલી વાતમાં સંપૂર્ણ શ્રદ્ધા છે. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?