રાજકોટ મનપાની સ્ટે.કમિટીની બેઠક યોજાઈ: 114.73 કરોડના વિકાસકામોને બહાલી
કુલ 32 દરખાસ્તો મંજૂર કરાઈ: માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડના પેવેલિયનનું 6.11 કરોડના ખર્ચે રિનોવેશન થશે
ઈસ્ટ ઝોનમાં આવતા વોર્ડ નં 4,5,6,15,16 અને 18માં આવતા તમામ રસ્તા 74.03 કરોડના ખર્ચે ડામરથી મઢવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિગ કમિટીની બેઠક મળી હતી. જેમાં કુલ 32 દરખાસ્તો મંજૂર કરાઈ હતી. કુલ 114.73 કરોડના કામોને બહાલી અપાઈ છે. પૂર્વ ઝોનના છ વોર્ડમાં 74 કરોડના ખર્ચે ડામર રી-કાર્પેટના કામો કરવાની મહત્વની દરખાસ્ત આવી ગઇ છે. તો રેસકોર્સ તથા મવડીની જુદી જુદી રમત-ગમત પ્રવૃતિના મેદાનો, સ્વિમીંગ પુલ, અલગ અલગ સુવિધાના ફીના દર યથાવત રાખી, એકેડેમીને ભાડે આપવાની નીતિ રજૂ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, જો વરસાદી વિઘ્ન નહીં આવે તો 1 ઓક્ટોબરથી રાજકોટના રોડ-રસ્તા નવા બનશે. શહેરના તમામ વોર્ડમાં જ્યાં રોડ રસ્તામાં ખાડા પડી ગયા છે અથવા જ્યાં નવા બનાવવા પડશે ત્યાં ડામર, રીકાર્પેટીંગ સહિતના કામો કરાશે. રેસકોર્સના માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડીયમમાં લાઇટીંગ પોલનું કામ મંજૂર કરાયા બાદ હવે પેવેલીયનનું નવીનીકરણ કરવાની દરખાસ્ત રજૂ થઈ હતી જે મંજૂર કરવામાં આવી છે. પેવેલીયન જર્જરીત બન્યુ હોય, રીનોવેશન માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં 7.20 ટકા ઉંચા ભાવ માન્ય કરાતા જીએસટી સહિત 6.11 કરોડમાં આ કામ નરેન્દ્ર એમ. પટેલ એજન્સીને આપવા માટે નિર્ણય લેવાયો છે.
ઇસ્ટ ઝોનના વોર્ડ નં.4, 5, 6, 15, 16, 18માં રસ્તા પર ડામર કાર્પેટ, રી-કાર્પેટ, વાઇડનીંગના મોટા કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. તેમાં મારૂતિ નંદન ક્નસ.ના ભાવ 5.76 ટકા ઓછા આવ્યા હતા. 62.74 કરોડનું કામ અને 18 ટકા જીએસટી મળી 74.03 કરોડના ખર્ચે આ કામ છ વોર્ડમાં કરાવવા દરખાસ્ત આવી છે. જ્યારે વોર્ડ નં-6માં કબીરવન મેઈન રોડ પર 2.61 કરોડના ખર્ચે નવી વોર્ડ ઓફીસ બનાવવામાં આવશે. આવશે. વોર્ડ નં.4માં ચારની સોસાયટીઓમાં ડ્રેનેજ લાઇન, વોર્ડ નં.15માં રાધા મીરા ઇન્ડ. એરીયામાં મેટલીંગ, વોર્ડ નં.18 સ્વાતિ પાર્કમાં ગાર્ડન, બનાવવા સહિતની દરખાસ્ત મંજૂર કરાઈ છે. વોર્ડ નં.14માં આવેલ વિક્રમ સારાભાઇ પ્રાથમિક શાળા નં.51ના જુના બાંધકામને તોડીને આધુનિક મોડલ સ્કુલ બનાવવા 2.97 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નં-7માં સેન્ટ્રલ ઝોન બિલ્ડિંગ કચેરીમાં આવેલા ફાયર સ્ટેશનનું બિલ્ડિંગ દૂર કરી ત્યાં 12.42 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન બનશે. વોર્ડ નં-5માં પેડક રોડથી સંતકબીર રોડના બ્રિજ સુધીના વોંકળામાં આરસીસી દીવાલ બનશે. તિરંગા યાત્રા કાર્યક્રમમાં થયેલા 5.38 લાખ મંજૂર કરાયા છે. વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમનો 41 હજાર ખર્ચ મંજૂર કરાયો છે.
સ્ક્વોશ સહિત નવી રમતોનો ઉમેરો કરાયો: યોગ માટે વાર્ષિક 800 રૂપિયા નક્કી કરાયા
રેસકોર્સ સંકુલ હસ્તક તથા ઇન્ડોર સ્ટેડીયમ સ્થિત વિવિધ રમત ગમતના મેદાનો અને સ્પોર્ટસ ફેસીલીટીના સભ્યપદના ફીના દરમાં કોઇ વધારો કરાયો નથી. પરંતુ નવી સુવિધા સાથે નવી રમતોનો ઉમેરો કરવામાં આવ્યો છે. યોગ માટે પ્રથમ વખત ત્રિમાસિક રૂા. 200 અને વાર્ષિક રૂા. 800 ફી નક્કી કરાઇ છે. ચેસ, કેરમ અને ટેબલ ટેનિસમાં અર્ધવાર્ષિક ફી હતી જે હવે ત્રિમાસિક અને વાર્ષિક રૂા. 200થી 1125 નક્કી કરાઇ છે. વોલીબોલ માટે માસિક, ત્રિમાસિક, છમાસિક, વાર્ષિક દર હતા જે ત્રિમાસિક 500 અને વાર્ષિક 1500 કરાયા છે. બાસ્કેટ બોલ, જીમ, સિન્થેટીક એથ્લેટીક ગ્રાઉન્ડ, બેડમિંટન, ટેનિસ કોર્ટમાં પણ ત્રિમાસિક અને વાર્ષિક સભ્ય પદ યથાવત રહેશે. સ્પોર્ટસ માટે ત્રિમાસિક રૂા. 3 હજાર અને વાર્ષિક 11 હજારની ફી નકકી કરાઇ છે. સ્નાનાગારમાં શિખાઉ ત્રિમાસિક 670, જાણકાર ત્રિમાસિક 470 યથાવત રખાયા છે. વાર્ષિક ફી પણ 1070 યથાવત રહેશે.
- Advertisement -
કામની વિગત રકમ
રસ્તાકામ 76,04,78,912
ડ્રેનેજ 1,56,87,512
પેવિંગ બ્લોક 14,16,689
આર્થિક તબીબી સહાય 8,47,997
કાર્યક્રમ ખર્ચ 10,69,330
ઉઈં પાઈપલાઈન 5,44,68,747
શાળા/લાયબ્રેરી (બાંધકામ) 2,97,17,144
વોટર વર્કસ 1,25,06,876
ગાર્ડન 31,24,128
નવી વોર્ડ ઓફીસ- ફાયર સ્ટેશન 2,61,99,972
રમત ગમત- સ્પોર્ટસ સંકુલ 6,11,05,295
વોંકળા કામ 16,83,74,155
બિલ્ડીંગ કામ- નવીનીકરણ 34,54,324
ફૂટપાથ- રોડ ડીવાઇડર 89,07,417
કુલ ખર્ચ 1,14,73,58,498



