મોર્નિંગ મંત્ર BY ડૉ.શરદ ઠાકર
આજકાલ અધ્યાત્મની ફેશન ચાલી છે. કોઇને સ્પિરિચ્યુઅલ બનવું નથી પણ બધાને સ્પિરિચ્યુઅલ દેખાવું છે. વિદેશોમાં તો ભારત કરતાં પણ આ ઘેલછાએ વધુ જોર પકડ્યું છે. ભારતથી જતાં કોઇ પણ સાધુ કે સંતને ત્યાંના લોકો વિનવે છે, ‘અમને મંત્ર આપો. અમને શક્તિપાત આપો.’ કદાચ તેઓ માનતા હશે કે પૂર્વથી આવતા સદગુરુ પાસે શક્તિપાતનું પોટલું હશે અને તેમાંથી ગોળીની માફક એક એક કાઢીને શક્તિપાત વહેંચી આપશે.
- Advertisement -
શક્તિ દિવ્ય વસ્તુ છે અને તે પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધાની સર્વોચ્ચ અવસ્થાની પેલે પાર જવું પડે. તેના માટે સાધકે ભરપૂર સદગુણો મેળવવા પડે. તમે અંદરથી જેટલા વિશુદ્ધ હશો તેટલા વધારે પ્રમાણમાં તે મેળવી શકશો. સિંહણનું દૂધ બીજી કોઇ ધાતુનાં પાત્રમાં ઝીલી શકાતું નથી. માત્ર સોનાંનાં પાત્રમાં જ ઝીલી શકાય છે. દિવ્ય જ્ઞાન ઝીલવા માટે સાધકે સોનાં જેવું શુદ્ધ બનવું પડે. જો સાધક યોગ્યતાપ્રાપ્ત હોય તો આત્મજ્ઞાન માટે એક શબ્દ પૂરતો થઇ પડે.
આદિગુરુ શંકરાચાર્યના એક સુયોગ્ય શિષ્ય હતા. નામ હસ્તામલક. એક દિવસ હસ્તામલકને ગુરુ રસ્તામાં મળી ગયા. હસ્તામલકે પૂછ્યું, ‘હું કોણ છું?’ શંકરાચાર્યે જવાબ આપ્યો, ‘તું તે છે.’ હસ્તામલકને આત્મજ્ઞાન થઇ ગયું. આપણું હૃદય હસ્તામલકનાં હૃદય જેટલું વિશુદ્ધ ન હોય, આપણી શ્રદ્ધા દૃઢ ન હોય, આપણે પૂર્ણપણે સમર્પિત ન હોઇએ તો આપણા માટે બીજો વિકલ્પ રહે છે. આપણે સાધના કરવી પડે, ધ્યાન કરવું પડે, મંત્રજાપ કરવા પડે.