માલવિયા ચોકમાં 15 દિવસથી જર્જરિત તિરંગા મુદ્દે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રીએ મનપાની બેદરકારી ગણાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરનાં માલવીયા ચોકમાં તિરંગાની દયનીય હાલત અંગે કોંગ્રેસ દ્વારા ફાયર ઓફિસરને રજુઆત કરવામાં આવી હતી તેમજ મનપા દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરાયું હોવાનો આરોપ લગાવાયો હતો. ફક્ત એટલું જ નહીં કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી મહેશ રાજપુતે કહ્યું હતું કે, 15 દિવસથી આ સ્થળે રાષ્ટ્રધ્વજ જર્જરિત છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. જો તંત્રની પાસે રૂપિયા ન હોય તો હું નવા રાષ્ટ્રધ્વજ આપીશ. માલવિયા ચોક સર્કલનો રાષ્ટ્રધ્વજ ગંદી અને જર્જરિત હાલતમાં જોવા મળ્યો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઘઇઈ વિભાગના કાર્યકારી પ્રમુખ અને પ્રદેશ મહામંત્રી મહેશ રાજપુતે આ તકે જણાવ્યું હતું કે, ભારતીય તિરંગો દેશના નાગરિકોની આશાઓ-આકાંક્ષાઓનું પ્રતીક છે પરંતુ, રાજકોટના માલવિયા ચોક સર્કલ ખાતે આવેલ રાષ્ટ્રધ્વજ અત્યંત ગંદી અને જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે. આ બાબત ’ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા 2002’ અને ’રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ 1971’નો સરેઆમ ભંગ છે. મનપાના નીંભર તંત્રની આ કાર્યપદ્ધતિ રાષ્ટ્રધ્વજનું અપમાન સમાન છે અને સત્તાધીશોએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય તેવું પ્રતીત થાય છે.
મહેશ રાજપુતે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ જાહેર સ્થળોએ રોજેરોજ નિયમ મુજબ રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરવામાં આવતું હતું. જોકે, હાલ મનપાનું તંત્ર કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ જણાય છે ત્યારે હાલ રાષ્ટ્રધ્વજ પ્રત્યે આટલી અસંવેદનશીલતા કેમ રાખવામાં આવી રહી છે તે સવાલ પણ તેમણે કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર કે તંત્ર પાસે રૂપિયા ન હોય તો જરૂર પડ્યે હું નવા રાષ્ટ્રધ્વજ આપવા તૈયાર છું. આજે પણ ફાયર ઓફિસરને મે નવો ધ્વજ આપવા પ્રયાસ કર્યો હતો. જોકે, તેમણે સ્વીકારવા ઇનકાર કરી 10 મિનિટમાં માલાવીયા ચોકનો રાષ્ટ્રધ્વજ બદલવા ખાતરી આપી છે.
માલવિયા ચોક એવું સ્થળ છે કે, જ્યાંથી મનપાનાં લગભગ બધા અધિકારીઓ અને પદાધિકારીઓ નિયમિત પસાર થતા હોય છે. છતાં છેલ્લા 15 દિવસથી આ ચોક ખાતે ફરકાવેલા રાષ્ટ્રધ્વજની જર્જરિત હાલત છે. મારી પાસે તારીખ અને સમય સાથેનાં ફોટોગ્રાફ છે. આજે જ્યારે કોંગ્રેસે રજુઆત કરી ત્યારે 10 મિનિટમાં બદલવાની વાત કરાય છે પણ અત્યાર સુધી મનપાનાં અધિકારીઓ અને પદાધિકારીઓનાં ધ્યાનમાં આ વાત આવી નથી. જેનાં પરથી કોઈને રાષ્ટ્રધ્વજનાં સન્માનની પડી જ ન હોય એવું લાગી રહ્યું છે.
ધ્વજની ગરિમા જાળવવી અનિવાર્ય
રાષ્ટ્રધ્વજનાં નિયમો અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, ભારતીય ધ્વજ સંહિતા 2002 મુજબ ધ્વજનો આકાર હંમેશા લંબચોરસ હોવો જોઈએ અને તેની લંબાઈ તથા પહોળાઈનો ગુણોત્તર 3:2 હોવો જોઈએ. ડિસેમ્બર 2021 અને જુલાઈ 2022માં થયેલા સુધારા મુજબ હવે ખાદી ઉપરાંત પોલિએસ્ટર અને મશીન-મેઇડ ધ્વજનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી છે તેમજ હવે રાષ્ટ્રધ્વજને દિવસ-રાત 24 કલાક ખુલ્લામાં ફરકાવી શકાય છે પરંતુ, આ સુધારાઓની સાથે ધ્વજની ગરિમા જાળવવી પણ અનિવાર્ય છે. સંહિતાના પાર્ટ-1 સેક્શન 2.2 અને પાર્ટ-3 મુજબ, ફાટેલો અથવા ગંદો થયેલો ધ્વજ ક્યારેય પ્રદર્શિત કરવો જોઈએ નહીં. જો ધ્વજ ક્ષતિગ્રસ્ત થાય તો તેને ખાનગીમાં સળગાવીને અથવા યોગ્ય પદ્ધતિ દ્વારા માનપૂર્વક નિકાલ કરવો જરૂરી છે.



