સી.આર.પાટીલના સૂચક નિવેદનના કારણે રાજકારણમાં ગરમાવો
રાજકોટ લોકસભા લડવા માંગતા ભાજપના અનેક નેતાઓમાં દોડધામ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
લોકસભાની ચૂંટણી હવે સાવ નજીક છે ત્યારે પાટિદાર રત્ન અને શહેરના ભામાશા ગણાતા ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી (બાન લેબ્સ)ને ચૂંટણી લડાવવા ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટિલે કરેલા સૂચક વિધાનને કારણે શહેર-જિલ્લાના રાજકારણમાં જબરજસ્ત ધમાલ મચી ગઈ છે. કોઈ મીડિયા સમક્ષ કશું બોલતું નથી પરંતુ અંદરખાને ભારે ચર્ચા ચાલી રહી છે અને અનેક દાવેદારોમાં અને નેતાઓના મોબાઈલ સતત રણકી રહ્યા છે.
પાટિદારોનું નાક ગણાતા અને ગૌરવ મનાતા ઉદ્યોગપતિ મૌલેશભાઈનો જન્મ દિવસ તા. 14 ઓક્ટોબરના હતો. તેમના 60માં જન્મદિવસે શહેરની અગણિત સંસ્થાઓએ રક્તદાન કેમ્પ સહિતની અનેક સેવાકિય-સામાજિક પ્રવૃતિઓનું સ્વૈચ્છિક આયોજન કર્યું હતું અને તેમની રક્તતૂલા પણ કરવામાં આવી હતી.
મૌલેશભાઈને ઝૂંપડપટ્ટીના લોકોથી લઈને પોશ એરિયાના મતો ખોબલે-ખોબલે મળશે!
આ અવસરે ભાજપના પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ” મૌલેશભાઈની ઈચ્છા હોય તો અમે તેમને દિલ્હી (લોકસભામાં) લઈ જવા તૈયાર છીએ!” જો કે, પ્રતિભાવમાં મૌલેશભાઈએ જણાવ્યું હતું કે, “મારો માર્ગ દિલ્હી કે ગાંધીનગર નહીં-દ્વારકા તરફ જાય છે!” આ સૂચક નિવેદન થકી રાજકારણમાં આવવાની અનિચ્છા દર્શાવી હોવાનું મનાય છે. જો કે, જાણવા મળતી વિગતો મુજબ મૌલેશભાઈ પર લોકસભાની ચૂંટણી લડવા માટે શુભેચ્છકો અને હિતેચ્છુઓનું જબરૂં દબાણ છે. મૌલેશભાઈનું વ્યક્તિત્વ એકદમ ડાઘરહિત છે, તેઓ ઝૂંપડપટ્ટીના લોકોથી લઈ ધનકુબેરોની પણ પડખે રહ્યા છે. સમાજમાં દરેક વર્ગમાં તેઓ અજાતશત્રુ તરીકે લોકપ્રિય છે. આવી સ્થિતિમાં ભાજપને મૌલેશ પટેલને ચૂંટણી લડવામાં સફળ થાય તો સમગ્ર ગુજરાતમાં તેમની જીતની લીડ કદાચ સૌથી વધુ હશે.
- Advertisement -
મૌલેશ પટેલ: એક અજાતશત્રુ અને લોકપ્રિય વ્યક્તિત્વ
બાન લેબ્સના મૌલેશ પટેલ એક અત્યંત લોકપ્રિય, નિર્વિવાદ અને અજાતશત્રુ જેવું વ્યક્તિત્વ છે. તેમણે નાત-જાતનો ભેદભાવ રાખ્યા વગર તમામ જરૂરિયાતમંદોને છુટ્ટા હાથે અને હ્રદયપૂર્વક મદદ કરી છે. સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેમનું પ્રદાન અતૂલ્ય છે, અમૂલ્ય છે. તેમના સત્કાર્યોની સૂવાસ ચોમેર પ્રસરી છે. આવી સ્થિતિમાં જો તેઓ લોકસભાની ચૂંટણી લડે તો આ જંગ મૌલેશભાઈ તરફેણમાં એકતરફી જ હોય.
મૌલેશભાઈનો ફોન ‘નો રિપ્લાય!’
રાજકોટ લોકસભાની ચૂંટણી લડવા અંગે વહેતી થયેલી વાતો પછી મૌલેશ પટેલનો સંપર્ક કરવા ’ખાસ-ખબર’એ અનેક પ્રયત્નો કર્યા હતા. પરંતુ તેમણે ફોન એટેન્ડ કર્યો ન હતો. એમની આ ખામોશીનો પણ શું કોઈ અર્થ હશે?
અનેક સંસ્થાઓમાં મૌલેશભાઈ સક્રિય
સૌરાષ્ટ્રમાં પાટિદાર સમાજના સૌથી મોટા તીર્થ ગણાતા સિદસર ઉમિયાધામના ચેરમેનપદે મૌલેશ પટેલ જ છે. આ ઉપરાંત તેઓ સેંકડો સંસ્થાઓમાં તેમનું નોંધપાત્ર પ્રદાન છે. એક વખત મૌલેશભાઈની ઉમેદવારી જાહેર થાય કે તરત જ આ તમામ સંસ્થાઓ તેમને જીતાડવા કામે લાગી જશે.