સિદ્ધાર્થ રાંદેરિયાનો સવાલોનાં સવા કરોડ ગેમ શો અંગે હદયપૂર્વકનો ખુલાસો
ખાસ-ખબર સંવાદદાતા
ખાસ-ખબરના પાછલા કેટલાંક અંકોમાં તન્વી પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ ગુજરાતનાં સૌથી મોટા રિયાલિટી શોની સૌથી મોટી રિયાલિટીનો તબક્કાવાર પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ રિયાલીટી શોના નામે સ્પર્ધકો સાથે કરવામાં આવેલી છેતરપીંડીમાં આયોજક તન્વી પ્રોડક્શન – વિમલ પટેલ સાથે ગેમ શોના હોસ્ટ સિદ્ધાર્થ રાંદેરિયા પણ સામેલ છે કે કેમ તે સ્પર્ધકો સહિત સૌ કોઈ જાણવા ઈચ્છતા હતા. આખરે સવાલો સવા કરોડ ગેમ શોના હોસ્ટ સિદ્ધાર્થ રાંદેરિયાએ અમેરિકાથી એક વીડિયો દ્વારા સવાલોના સવા કરોડ ગેમ શો અંગે હદયપૂર્વકનો ખુલાસો કર્યો છે અને પોતાની લાગણી સૌ સમક્ષ મૂકી છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, આજથી સવા વર્ષ અગાઉ સવાલોના સવા કરોડ નામનો રિયાલિટી શો તન્વી પ્રોડક્શનના વિમલ પટેલ, સોમા પટેલ, ગગજી સુતરીયા, દિનેશ નવાડીયા, વિમલ મુંગરા, શાંતિ પટેલ, રવિ ભાલાળા વગેરે લઈને આવ્યા હતા. સવાલોના સવા કરોડ ગેમ શોના આયોજકોએ સવાલોના સવા કરોડ ગેમ શોના માધ્યમથી 11111થી લઈ 1.25 કરોડ રૂપિયા સુધી જીતવાની લાલચ આપી આ ગેમ શોમાં સ્પર્ધક બનવા વ્યક્તિદીઠ 1200-1200 રૂપિયા ઉઘરાવાયા હતા અને ત્યારબાદ સવા વર્ષ સુધી આ કાર્યક્રમ શરૂ થઈ શક્યો નહતો ત્યારે અંતે સ્પર્ધકોએ આ સમગ્ર મામલે છેતરાયાની લાગણી અનુભવી હતી. આ અંગે સ્પર્ધકો દ્વારા સવાલોના સવા કરોડ ગેમ શોના આયોજકો તન્વી પ્રોડક્શન – વિમલ પટેલ અને હોસ્ટ સિદ્ધાર્થ રાંદેરિયાને નોટિસ પણ આપવામાં આવી હતી. તન્વી પ્રોડક્શન – વિમલ પટેલે સવાલોના સવા કરોડ ગેમ શોમાં ભાગ લેવા સવા વર્ષ અગાઉ હજારો સ્પર્ધકો પાસેથી 1200-1200 રૂપિયા ઉઘરાવેલી હતા અને પછી ગેમ શો શરૂ કરી રહ્યા ન હતા. સ્પર્ધકોએ આ મામલા અંગે તપાસ કરતા અને મીડિયામાં સવાલો ઉઠવાના શરૂ થતા ગેમ શોના આયોજકો એવું કહી રહ્યા હતા કે, હોસ્ટ વિદેશ હોવાથી ગેમ શો શરૂ થઈ રહ્યો નથી. હોસ્ટના બિઝનેસ મેનેજર એવું કહી રહ્યા હતા કે, આયોજકોને સ્પોન્સર્સ ન મળવાના કારણે ગેમ શો શરૂ થઈ રહ્યો નથી. આ દરમિયાન સ્પર્ધકોએ એવી ઈચ્છા દર્શાવી હતી કે, સિદ્ધાર્થ રાંદેરિયા જ્યાં હોય ત્યાંથી એક વીડિયો દ્વારા સમગ્ર મામલે ખુલાસો કરે. સ્પર્ધકોની લાગણી-માંગણી મોડીમોડી પણ અંતે સ્વીકારી સિદ્ધાર્થ રાંદેરિયાએ અમેરિકાથી એક વીડિયો દ્વારા સમગ્ર ખુલાસો કર્યો છે.
સવાલોનાં સવા કરોડ ગેમ શૉનાં હોસ્ટ સિદ્ધાર્થ રાંદેરિયાએ અમેરિકાથી વીડિયો દ્વારા તન્વી પ્રોડક્શન-વિમલ પટેલે કરેલાં આરોપોનું ખંડન કર્યું
આ કહેવાતાં ગેમ શૉ અને તેનાં દ્વારા હજારો-લાખો લોકો સાથે થયેલી છેતરપીંડી અંગે અમે લખવાની શરૂઆત કરી ત્યારે અમારા દિમાગમાં એક જ વાત હતી: ‘આવાં કુંડાળા કરનાર લોકોને ઉઘાડાં પાડવા જોઈએ!’
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
એક જ ધ્યેય હતું અને છે. સિદ્ધાર્થ રાંદેરિયાનો ચહેરો ન હોત તો પ્રોડ્યુસર્સ આટલાં લોકોને ઠગી ન શક્યાં હોત, એ સ્પષ્ટ છે. કાલે સવારે કૌન બનેગા કરોડપતિનાં પ્રોડ્યુસર્સ દ્વારા દર્શકોની ઠગાઈ થાય તો અમિતાભ બચ્ચન અવશ્ય ખુલાસો કરે. કરે અને કરે જ. ભૂતકાળમાં કોઈ થર્ડ પાર્ટીએ આવી છેતરપીંડી કરી છે ત્યારે બચ્ચને અનેક વખત ઑન સ્ક્રીન ખુલાસો કર્યો છે. સિદ્ધાર્થભાઈએ પણ આવું કરવાની જરૂર હતી. આજે તેમનો વીડિયો આવ્યો. ખરેખર આ વીડિયો મહિનાઓ પહેલાં આવી જવો જોઈતો હતો. એટ લીસ્ટ છેતરાયેલા લોકોએ અને “ખાસ ખબર”એ આ મામલો હાથમાં લીધો પછી તો એમણે પબ્લિક સમક્ષ આવવાની જરૂર હતી જ. પણ, એમનો બિઝનેસ મેનેજર વિજય રાવલ સતત એક જ વાતનું રટણ કરતો રહ્યો કે, સિદ્ધાર્થભાઈ હાલ અમેરિકામાં છે! અને આખો મામલો વધુને વધુ બગળતો ગયો. સ્પર્ધકો દ્વારા કાનૂની પ્રક્રિયા પણ કરી નાખવામાં આવી. હવે આગળ જતા સ્પર્ધકો દ્વારા કરવામાં આવેલી કાયદાકીય કાર્યવાહીમાં સિદ્ધાર્થ રાંદેરિયા બચે છે કે છૂટે છે એ તો કાયદો નક્કી કરશે અને આ ગેમ શોમાં સિદ્ધાર્થ રાંદેરિયાની કાયદાકીય કોઈ જવાબદારી હતી કે નહીં તે ભવિષ્યમાં નક્કી થશે પરંતુ હાલ પૂરતું સિદ્ધાર્થ રાંદેરિયાએ પોતાની નૈતિક ફરજ અદા કરી દીધી છે અને સમગ્ર મામલે થોડો મોડો પણ ખુલાસો કરી આપ્યો છે, બસ આ ખુલાસોની અપેક્ષા આટલી મોડી ન હતી. અજય દેવગણ કે શાહરૂખ ખાન જ્યારે પાન-ગુટખા ખાવાનો જાહેરખબરમાં પ્રચાર કરે છે ત્યારે તેમના ચાહકોને એ ખબર જ હોય છે કે, અજય દેવગણ અને શાહરૂખ ખાન પાન-ગુટખા કે સિગારેટ-શરાબનું સેવન કરે છે પરંતુ જ્યારે અક્ષયકુમાર આ પ્રકારની જાહેરખબર કરે છે ત્યારે તેના ચાહકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવે છે અને અક્ષયકુમાર પણ આ પ્રકારની જાહેરખબર કરવા બદલ તરત જ ચાહકો સમક્ષ ખુલાસો કરે છે. ભૂતકાળમાં અમિતાભ બચ્ચન કે હાલમાં જ અક્ષયકુમારની જેમ સવાલોના સવા કરોડ ગેમ શો અંગે સિદ્ધાર્થ રાંદેરિયાએ સ્પર્ધકોની લાગણી-માંગણી પહેલા જ ખુલાસો કરી આપ્યો હોતો તો સૌ માટે સારું હોતું. એનિવેયર્સ દેર આયે દુરસ્ત આયે.. સિદ્ધાર્થ રાંદેરિયાએ સવાલોના સવા કરોડ ગેમ શો વિશે મોડુંમોડું મૌન તોડી કરેલા ખુલાસાનો સૌ સ્વાગત કરે છે.
આયોજકોની અણઆવડત કે અનિચ્છાને કારણે કાર્યક્રમ હજુ સુધી શરૂ થયો નથી : સ્પર્ધકો પાસેથી કાર્યક્રમમાં ભાગ લેવા માટે ફી ઉઘરાવવામાં આવશે એ વાતથી પણ હું અજાણ હતો : સિદ્ધાર્થ રાંદેરિયા
અમુક તત્વો મને ખોેટી રીતે સંડોવી રહ્યાં હોવાનું સિદ્ધાર્થ રાંદેરિયાનું રટણ
સિદ્ધાર્થ રાંદેરિયાએ અમેરિકાથી એક વીડિયો જાહેર કરી સવાલોના સવા કરોડ ગેમ શો અંતગર્ત પોતાના પર લાગેલા તમામ આરોપોનું ખંડન કર્યું છે સાથે જ સિદ્ધાર્થ રાંદેરિયાએ એવું પણ કહ્યું છે કે, સ્પર્ધકો જેટલી જ છેતરાયાની લાગણી હું પણ અનુભવી રહ્યો છું. અમુક તત્ત્વો મને સંડોવી રહ્યા છે. એનું મને અત્યંત દુ:ખ છે. સિદ્ધાર્થ રાંદેરિયાએ આ પ્રકારની વાત કહી આડકતરી રીતે તન્વી પ્રોડક્શન – વિમલ પટેલ દ્વારા હોસ્ટ વિદેશ હોવાથી ગેમ શો શરૂ થઈ રહ્યો નથી એ વાત ખોટી હોવાનું જણાવ્યું છે સાથે સ્પષ્ટ રીતે સિદ્ધાર્થ રાંદેરિયાએ એવું પણ જણાવ્યું છે કે, આયોજકોની અણઆવડત કે પછી અનિચ્છાને કારણે આ કાર્યક્રમ હજુ સુધી શરૂ થઈ શક્યો નથી. આમ, પોતાના પર લાગેલા તમામ આરોપોનું ખંડન સિદ્ધાર્થ રાંદેરિયાએ કરીને તન્વી પ્રોડક્શન – વિમલ પટેલ જેવા અમુક તત્વો તેમને સંડોવી રહ્યા હોવાનું આડકતરી રીતે રટણ કર્યું છે.
સિદ્ધાર્થ રાંદેરિયાએ વીડિયોમાં શું કહ્યું?
આજે આ વિડિયો દ્વારા જાહેર જનતા, મારા પ્રશંસકો તેમજ પ્રિન્ટ મીડિયા માટે એક સંદેશો આપી રહ્યો છું. સવાલોના સવા કરોડ નામના એક ગેમ શોનું આયોજન તેમજ જાહેરાત રાજકોટની એક કંપની દ્વારા કરવામાં આવી હતી. જનરલ નોલેજને લગતો આ કાર્યક્રમ સહકુટુંબ માણી શકે એવો હોવાના કારણે મેં એમાં હોસ્ટ તરીકે ભાગ લેવાની મંજૂરી આપી હતી. અહીં એક ચોખવટ ખુબજ જરૂરી છે કે મારી ભૂમિકા આ કાર્યક્રમમાં માત્ર અને માત્ર એક કલાકાર તરીકેની જ હતી. કાર્યક્રમની કોઈપણ ગતિવિધિ, આયોજનમાં કે કોઈપણ જાતની લેવડ-દેવડમાં હું ડાયરેક્ટલી કે ઈનડાયરેક્ટલી ઈનવોલ્વ હતો જ નહીં. સ્પર્ધકો પાસેથી કાર્યક્રમમાં ભાગ લેવા માટે ફી ઉઘરાવવામાં આવશે એ વાતથી પણ હું અજાણ હતો. કમનસીબે આયોજકોની અણઆવડત કે પછી અનિચ્છાને કારણે આ કાર્યક્રમ હજુ સુધી શરૂ થઇ શક્યો નથી. આજે મારે હદયપૂર્વક એટલો જ ખુલાસો કરવો છે કે, મિત્રો સ્પર્ધકો જેટલી જ છેતરાયાની લાગણી હું પણ અનુભવી રહ્યો છું. સસ્તા પ્રચાર માટે અમુક તત્ત્વો મને સંડોવી રહ્યા છે, એનું મને અત્યંત દુ:ખ છે. અને આ વિડિયો દ્વારા હું મારા પર મુકાયેલા દરેક આરોપોનું ખંડન કરૂ છું. -સિદ્ધાર્થ રાંદેરિયા