ટ્રાફિક કોન્સ્ટેબલે નો-એન્ટ્રીમાં જતી રિક્ષા અટકાવતા અશ્ર્લિલ કૃત્ય કરી માર માર્યો
એ ડિવિઝન પોલીસે ફરજમાં રુકાવટનો ગુનો નોંધી 9 વ્યંઢળોની કરી ધરપકડ : બે ફરાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના સાંગણવા ચોક પાસે દિવાળીની ખરીદી માટે ભારે ભીડ જામી રહી છે ત્યારે ગત બપોરે નો એન્ટ્રીમાં જતી રીક્ષા ફરજ પરના ટ્રાફિક કોન્સ્ટેબલે અટકાવતા રિક્ષાચાલક અને વ્યંઢળે ધમાલ મચાવી હું અખાડાની ગાદીપતિ છું ઓળખતો નથી, કહી માથાકૂટ કરતા અન્ય વ્યંઢળોએ આવી અશ્લીલ કૃત્ય કરી માર મારતા એ ડિવિઝન પોલીસે ફરજમાં રુકાવટ સહિતનો ગુનો નોંધી 8 વ્યંઢળોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેર ટ્રાફિક પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હિતેન્દ્રસિંહ સવજુભા ગોહીલ ઉ.30એ 8 વ્યંઢળો સામે સરાજાહેર ધમાલ મચાવી, ફરજમાં રૂકાવટ કરી, અશ્લિલ કૃત્ય અને મારકૂટ કર્યાની એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત બપોરે 3થી રાત્રે 11 સુધી તેની નોકરી સાંગણવા ચોક ખાતે હતી. આ સ્થળે ટ્રાફિકના પોઈન્ટ પર થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલરને નો-એન્ટ્રી હોવાથી ત્યાં ફરજ પર રોડ તરફથી આવી એક રીક્ષા નો-એન્ટ્રીમાં પ્રવેશ કરવા જતાં તેણે તે રીક્ષાને રોકી હતી. છતાં ચાલકે તે જ્યાં ઉભા હતા ત્યાં આવી તેના પગ પાસે રોકી હતી તેણે રીક્ષાચાલકને અહીંથી આગળ રીક્ષા માટે પ્રવેશની મનાઈ છે કહેતા રીક્ષામાં બેઠેલ વ્યંઢળ અને એક લાંબા વાળવાળા અજાણ્યા શખ્સે રીક્ષામાંથી નીચે ઉતરી તેને તમે બીજાને કેમ રોકતા નથી તેમ પૂછતાં તેને ફક્ત ટુ- વ્હિલર ચાલકને જ એન્ટ્રી છે જેથી તેને રોકતાં નથી તેવો જવાબ આપ્યો હતો. આથી રીક્ષાચાલક પણ રીક્ષામાંથી નીચે ઉતરી આવ્યા બાદ તેના ફોનમાં વીડિયો ઉતારવા લાગ્યો હતો. એટલું જ નહીં વ્યંઢળે જોર-જોરથી બૂમો પાડી હું રાજકોટ વ્યંઢળ અખાડાની ગાદીપતિ મિરાદે છું, તમે મને ઓળખતા નથી, અમારી રીક્ષા કોઈ રોકતું નથી, હમણા જો હું અમારા બધા વ્યંઢળોને અહીં ભેગા કરું છું તેમ કહી ફોન કર્યો હતો ફોન કરતા જ થોડીવાર બાદ આઠેક જેટલા વ્યંઢળો ત્યાં આવી ગયા હતા બાદમાં તમામે દેકારો કરી અને ગાળો દઈ અશ્લિલ કૃત્ય કરવા લાગ્યા હતાં. તે લોકોને સમજાવવા જતા રીક્ષાચાલક સહિતના તમામ તેને ગાળો દઈ, ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા તેણે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં રીક્ષાચાલક અને તેની સાથેનો લાંબા વાળવાળો શખ્સ ત્યાંથી ભાગી ગયા હતાં બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ બોરીસાગર સહિતનો કાફલો તુરંત દોડી ગયો હતો અને પોલીસે તુરંત મિરાદે કંચનદે, શમીરાદે ગોપીદે, નવિયાદે ચાર્મીદે, સંજનાદે ગોપીદે, વંદનાદે સંજનાદે, કલ્પદે મીરાદે, ધર્મિષ્ઠાદે દિવ્યાદે, ખુશ્બુદે ગોપીદે અને હીરલદે ગોપીદેની ધરપકડ કરી ગુનો નોંધી ફરાર રિક્ષા ચાલક અને અજાણયા શખ્સની શોધખોળ શરૂ કરી છે.



