ભાજપમાં જવાની અફવા વચ્ચે કહ્યું, નુકસાન પહોંચાડવાની રાજકીય ચાલ
ખાસ-ખબર સંવાદદાતા
આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા જૂનાગઢ ધારાભ્ય ભાજપના નેતાઓના સંપર્કમાં અને કેસરીયા કરે તેવી ચર્ચા માત્ર ચર્ચા જ છે. આ ચર્ચામાં કોઈ તથ્ય ન હોવાનું જણાવી જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ જણાવ્યુ છે કે, હું આજીવન કોંગ્રેસી છું અને રહીશ. ભાજપ સાથે જોડાવાની કોઈ વાત જ આવતી નથી, ચર્ચાઓ માત્ર ચર્ચાઓ જ હોય છે. સત્તા પક્ષના આગેવાનો સાથે ફોટા એક ધારાસભ્ય તરીકેના પ્રોટોકોલ મુજબના હોય છે. ભાજપમાં જોડાવા માટે ભાજપના પૂર્વ મંત્રી કે અન્ય કોઈ આગેવાનો સાથે બેઠકની વાતમાં પણ કોઈ તથ્ય નથી. ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ વધુમાં ઉમેર્યું હતું કે, ચૂંટણીના દિવસોમાં આવી ચર્ચાઓ અને અફવાઓ વેગ પકડતી હોય છે,પણ મારી ભાજપમાં જોડાવાની વાત તથ્યહિન છે. આવી વાતો કદાચ મારી કારકિર્દીને વિપરીત અસર કરવા કે મારા જેવા સબળ – નિષ્ઠાવાન કોંગી ઉમેદવારને નુકસાન પહોચાડવાની હિતશત્રુઓની રાજકિય ચાલ પણ હોઈ શકે છે. હું કોંગ્રેસમાં જ છું અને રહીશ.