તું હથેળીમાં સતત ગળતું અનાગતનું કળણ,
ઊંટની આંખોમાં ઝિલમિલ કારવાનાં રેતકણ
વ્હાલી જિંદગી,
- Advertisement -
હૂંફની વ્યાખ્યા હું શીખી ગયો છું કેમકે જ્યારે જ્યારે હું તારા સ્પર્શથી દૂર થયો છું ત્યારે મેં એકલતાનો સામનો કર્યો છે. તારા પ્રેમભર્યા હાથ,ગાલ, હોઠ મારા અસ્તિત્વનો એકમાત્ર પૂરાવો છે. તારામાંથી ઊઠતું લાગણીઓનું ઘોડાપૂર મને પ્રેમના દરિયામાં ખેંચી સામે કિનારે લઈ જાય છે. વરસાદની હેલી મંડાય અને આખું વાતાવરણ, સમગ્ર પરિવેશ નવું રૂપ ધારણ કરી ખીલી ઊઠે એવી જ રીતે હું તારી પ્રેમની આ હેલીમાં ખીલી ઊઠ્યો છું. થોકબંધ પામતો જાઉં છું… જથ્થાબંધ મેળવતો જાઉં છું… મનમાં હસી તારો આભાર માની પ્રેમ દેવતાને શ્રદ્ધાથી નમી લઉં છું. જિંદગી! અધિકારીતા પ્રાપ્ત કરવી અને એ જ અધિકારને સતત જાળવી રાખવો , આ બંને બાબત તદ્દન ભિન્ન હોય તો પણ હું તારો પ્રેમી છું એ સાવ સત્ય અને સનાતન છે. તને સતત પ્રેમ કરવો એ મારો અધિકાર છે. મેં અધિકાર પ્રાપ્ત કર્યો છે કે નહીં એ હું જાણતો નથી. ધજા પણ મંદિરના શિખર ઉપર જ ફરકી શકે છે. હું એ ધજા જેવો છું. તું મારી શ્રદ્ધાનું ઉન્નત શિખર છે. તારા પ્રેમનો વાયરો વાય છે ત્યારે હું લહેરથી ફરક્યા કરું છું. આ બધો જ આનંદ અને ઘડી મારા પ્રેમનું પાકું અને સાચું સરનામું છે.બસ તું સતત મારા પર વાયા કરજે, હું ફરકી રહીશ. તારા અસ્તિત્વનું મારી ભીતર હોવું એ મહાન ઘટના છે. તારા ચહેરા પર પથરાયેલી દિવ્યતાના દર્શન કરી હું ખરેખર ધન્ય થઈ રહ્યો છું. મારી જિજિવિષા સતત તીવ્ર થતી જાય છે.
કુદરતના બધા જ તત્વો માનવ જીવન પર હંમેશા ઉપકાર કરતા રહ્યા છે એમ જ તું મારા પર ધોધમાર વરસી મારા સમગ્ર અસ્તિત્વ પર પ્રેમનું ઝરણું વહાવી પાવન કરે છે ત્યારે ધન્યતા સિવાય કશું જ સૂઝતું નથી. તારા દિવ્ય હૃદયાકાશમાંથી ફૂટેલું પ્રેમનું ઝરણું મારા દિલ પાસે આવતા અગણિત ઝરણામાં રૂપાંતર પામી મારા આંખને પોષણ આપે છે. જિંદગી! તું ખુલ્લા હાથે અને ખુલ્લા દિલથી મને આપતી રહે છે એ ઘટના જ મને મારા નસીબની બલિહારી લાગે છે. તેં આપેલો ભવ્ય વારસો – આયુષ્યના અવશેષ ખૂબ જ રળિયામણા છે કારણ કે તારી ભાષા પ્રેમની છે. તું મારી પાંપણમાં પોઢીને આળસ મરડી જાગતી એ સવાર છે જેનાથી મારા રોમે રોમે આનંદની ધારાઓ ઊગી નીકળે છે, પછી હું તારામાં જ ઉતરીને ધોધમાર જીવી લઉં છું. તારી કામણગારી અને અણીયાળી આંખોના કિનારે હું વારંવાર ડેરો બાંધી મારા હૈયાને ત્યાં વસવાટ કરવા દઉં છું. તારી છાતીના ઊંડાણમાં ઉતરી જઈ અઢળક ખુશીઓ શોધી લાવું છું. હું જાણું છું કે તારા આખા અસ્તિત્વમાં ખુશીઓનો ખજાનો ભરેલો છે. હું તને ભરપૂર પ્રેમ કરું છું કારણ કે તું મારી એ કિંમતી અને અણમોલ જિંદગી છે જેને વારંવાર જીવવી,માણવી અને પામવી મને ખૂબ જ ગમે છે. તું મારા આત્માની ભીતર બેઠેલું એ પક્ષી છે જે સતત ટહૂકાથી મને ભર્યા જ કરે છે. તું મારા અસ્તિત્વને સામે પાર આવેલો લાગણીઓનો લીલોછમ ટાપુ છે. જિંદગી! હું તને ભરપુર ચાહું છું કારણ કે તને ચાહવાથી મારા રોમે રોમમાં આનંદની એક લહેરખી ફૂટી નીકળે છે. એ લહેર મને તો ધન્ય બનાવે જ છે સાથે સાથે મારા જીવનને એક નવો માર્ગ પણ બતાવી જાય છે. હા, હું તને ધોધમાર ચાહું છું કારણ કે તું સુંદરતાના પર્યાયનો આબેહૂબ એવો નકશો છે જે જોતા જ હું ચૂર ચૂર થઈ જાઉં છું.
સતત તને શ્વસતો…
જીવ.
- Advertisement -