એવું કહેવાય છે કે કોઈ પણ મનુષ્યનો ચહેરો એના મનની ભીતર ચાલતા વિચારો પ્રમાણે થઈ જાય છે. સરેરાશ મનુષ્ય દિવસમાં સાઈઠ હજારથી ત્રણ લાખ જેટલા વિચારો કરતો હોય છે. આ વિચારોમાં મુખ્યત્વે ત્રણ પ્રકારો હોય છે : ધન પ્રાપ્તિના વિચારો, યશ પ્રાપ્તિના વિચારો અને જાતીય કામના અંગેના વિચારો.
-શરદ ઠાકર
- Advertisement -
નોકરી, વ્યવસાય અથવા તો ધંધાની જગ્યાએ જે લોકો આખો દિવસ ધન પ્રાપ્તિના વિચારો કરે છે તેમને તમે જોશો તો તેમની આંખોના હાવભાવ સતત-સતત કેવી રીતે ધન પ્રાપ્ત કરવું, કેવી રીતે નફામાં વધારો કરવો, એ દિશામાં જ વિચાર મગ્ન જોવા મળશે. મેં એવા કેટલાક ધંધાર્થી મિત્રોને જાણ્યા છે જેઓ રોજના મિનિમમ દસ હજાર રૂપિયા કમાય નહિ ત્યાં સુધી શાંતિથી ઊંઘી શકતા નથી. મોડી રાત સુધો ઓનલાઈન સટ્ટો, શેરબજાર અથવા તો ગમે તે કામ એ લોકો કરતા રહે છે. ક્યાંય પણ ચાર-પાંચ મિત્રો ભેગા થયા હોય અને આર્થિક ચર્ચા અથવા ધનપ્રાપ્તિની વાત નીકળે તો આવા મિત્રોની આંખમાં તરત જ એક ખાસ પ્રકારનો ચમકારો ઝબકી જાય છે. એમનો ચહેરો અને આંખના હાવ-ભાવ કહી આપે છે કે તેઓ માત્ર ધન માટે જીવી રહ્યા છે.
બીજા પ્રકારના લોકો છે યશ પ્રાપ્તિના વિચાર કરતા લોકો. તમે પોતે પણ જોશો અને જોયું જ હશે કે ઘરમાં કામ કરતી ગૃહિણીઓ અથવા ઘરની બહાર જાહેર સમારંભોમાં કે નોકરી ધંધાના સ્થાનોમાં નાના નાના કાર્યોમાં પણ યશ લેવા માટે કેટલા બધા લોકો ડોક લંબાવીને તૈયાર જ ઉભા રહે છે. “આ સરસ કામ કર્યું” એમ કોઈ કહેશે તો તરત જ ઓફિસના દસ કર્મચારીઓ ઉભા થશે કે ’એ મેં કર્યું,’ કોઈ કહેશે કે ’એ મારો વિચાર હતો.’ કોઈ કહેશે કે ’એ મારા દ્વારા કરવામાં આવ્યું.’ ઘરમાં કોઈ વાનગીના વખાણ થશે તો તરત જ સમૂહ કુટુંબના એકાદ સ્ત્રી સભ્ય બોલી ઉઠશે કે ’એ વાનગી તો મેં બનાવી છે.’ આ લોકો જીવનભર યશ પ્રાપ્તિ માટે દોડતા રહે છે.
ત્રીજા પ્રકારના લોકો છે જાતીય આવેગોના વિચારોમાં જીવતા લોકો. સતત તેમની આંખ વિજાતિય વ્યક્તિ તરફ ખેંચાતી રહે છે. આવા લોકોનો ચહેરો લંપટતાની ચાડી ફૂંકી આપે છે. એમની આંખમાં કામનાઓના સપોલિયા રમી રહેલા જોઈ શકાય છે. વર્ષો સુધી જાતીય આવેગોમાં રમતા રહેલા લોકો આખરે એમની ભાવભંગીમાથી, એમની દેહભાષા એટલે કે બોડી લેન્ગવેજથી, એમની નજરથી અને એમના ચહેરાના આકાર ઉપરથી પરખાઈ જાય છે.
- Advertisement -
મિત્રો આ ત્રણેય પ્રકારના વિચારોમાં જીવતા લોકો બહુ નિમ્ન સ્તરે જીવતા હોય છે. એમાં હું, તમે, આપણે બધા જ આવી જઈએ છીએ. જો એમાંથી છૂટવું હશે તો આપણે આપણા આ વિચારોના સ્તરને એ કક્ષાએથી ઉપર લઇ જવું પડશે. આજથી નક્કી કરીએ કે આપણા વિચારો સાત્વિક રહેશે. જ્યારે જ્યારે ભૌતિક કામનાઓ આપણા મનમાં પ્રવેશે એ સાથે જ આપણે મંત્ર-જાપ શરૂ કરી દઈશું, આપણા ઇષ્ટદેવનું સ્મરણ કરીશું, દૈહિક અને ઐહિક લાલસાઓમાંથી ઉપરના સ્તરે ઉઠી આપણે જીવીશું.