શારીરિક-માનસિક શોષણ બંધ કરો, સફાઈ બંધ થવાના એંધાણ
27 વર્ષથી સફાઈ કામદારોની કાયમી ભરતી કરી નથી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.31
રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે સફાઈ કામદારો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા સફાઈ કર્મચારીઓ દ્વારા મ્યુનિ. કમિશનર ચેમ્બર બહારની લોબીમાં બેસી રામધૂન બોલાવવામાં આવી હતી. તેમજ ‘જય ભીમ… જય ભીમ’ અને ‘હમારી માગે પૂરી કરો’ સહિતના નારાઓ લગાવીને ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ તકે સફાઈ કર્મચારીઓની કાયમી ભરતી કરવા તેમજ અશક્ત હોય તેના સ્વૈચ્છિક રાજીનામાં મંજૂર કરવા સહિતની માગ કરવામાં આવી હતી. બાદમાં સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયરની ચેમ્બર બહાર સફાઈ કામદારોએ હોબાળો કર્યો હતો. વિરોધ પ્રદર્શનને જોતા શહેરમાં સફાઈ કામદારો સફાઈ બંધ કરે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.
- Advertisement -
સફાઈ કામદાર યુનિયનનાં પ્રમુખ મનોજ ખીમાણિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, રાજકોટમાં છેલ્લા 27 વર્ષથી સફાઈ કામદારોની કાયમી ભરતી કરવામાં આવી નથી. કોન્ટ્રાકટ પદ્ધતિથી વાલ્મિકી સમાજના લોકોનું શારીરિક, માનસિક અને આર્થિક શોષણ કરાઈ રહ્યું છે. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. સફાઈ કામદારોનાં પ્રશ્ર્નો ઉકેલવામાં અધિકારીઓ કે પદાધિકારીઓને કોઈ રસ જ ન હોય તે પ્રકારનું વર્તન જોવા મળી રહ્યું છે. જેના કારણે આજે મોટી સંખ્યામાં સફાઈ કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત વર્ષોથી અશક્ત બનેલા સફાઈ કામદારનાં રાજીનામાં મંજૂર કરી તેના વારસદારોને નોકરી અપાય છે. જો કે, આ પ્રથા પણ લાંબા સમયથી બંધ જેવી છે. સફાઈ કામદારોનાં સ્વૈચ્છિક રાજીનામા વિવિધ બહાને મંજૂર કરવામાં આવતા નથી. તેમજ 300 જેટલા સફાઈ કામદારોને રહેમરાહે નોકરીમાં લેવામાં આવ્યા નથી. જેને લઈને તેમના પરિવારો પારાવાર મુશ્ર્કેલીનો સામનો કરી રહ્યા છે. અધિકારીઓ-પદાધિકારીઓની મિલીભગતનાં કારણે અમારા સફાઈ કામદારોને નોકરી મળતી નથી. આ કારણે આજે ઉગ્ર રજુઆત કરવામાં આવી છે. આગામી સમયમાં તમામ વોર્ડની સફાઈ બંધ કરીને વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.
સમજાવટના પ્રયાસો કરાયા
હાલમાં ખૂબ મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ મનપા કચેરી ખાતે એકત્ર થયા હતા. તેમજ કોપોરેશન કચેરીનાં પ્રાંગણમાં અને મ્યુનિ. કમિશનર ચેમ્બર આસપાસ મહિલા અને પુરૂષ સફાઈ કામદારો દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો. જેને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓ અને મ્યુનિ. કમિશનર સહિત અધિકારીઓ દ્વારા આગેવાનો સાથે બેઠક યોજી સમજાવટનાં પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.