ધો. 9થી 12ના 1500 વિદ્યાર્થીઓએ રેડ રિબનનું નિર્માણ કરીને જનજાગૃતિ ફેલાવી
ખાસ-ખબર સંવાદદાતા
એઈડ્સ પ્રિવેન્સન ક્લબ દ્વારા વિશ્ર્વ એઈડ્સ દિવસ ઉજવણીના ભાગરૂપે આજથી વિવિધ જનજાગૃતિના કાર્યક્રમોનો પ્રારંભ થયેલો હતો, જેમાં વિરાણી સ્કૂલ ખાતે ધો. 9થી 12ના 1500 વિદ્યાર્થીની વિશાળ રેડ રિબન નિર્માણ કરીને જનજાગૃતિ પ્રસરાવી હતી.
આ કાર્યક્રમમાં એઈડ્સ પ્રિવેન્સન ક્લબના ચેરમેન અરૂણ દવેએ એચઆઈવી-એઈડ્સની સરળ સમજ સાથે છાત્રોની આગેવાની એઈડ્સ કંટ્રોલમાં જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં આઈએમએના સેક્રેટરી ડૉ. તુષાર પટેલ, આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા, મહેશભાઈ મહેતા, સી. બી. માલાણી, ચિરાગભાઈ ધામેચા, સ્પોર્ટસ ટીચર જી. બી. હિરપરા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આવતીકાલે જી. ટી. શેઠ સ્કૂલ, કેકેવી ચોક ખાતે રેડ રિબન બનાવાશે. ગુરૂવારે શહેર- જિલ્લાની તમામ શાળામાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સહયોગથી રેડ રિબન બનાવાશે, જેમાં એક હજારથી વધુ શાળાના છાત્રો જોડાશે. 31મી માર્ચ 2023 સુધીમાં 100થી વધુ કાર્યક્રમો સંસ્થા દ્વારા યોજાશે તેમ સેક્રેટરી વિશાલ કમાણીએ જણાવેલ છે.