ખાસ-ખબર સંવાદદાતા
મોરબી પંથકના રહીશોને સારા રોડ રસ્તાની ભેટ તો મળી નથી, માંડ કરીને તંત્રને નવા રોડ બનાવવાનું મુહૂર્ત આવે તો પણ રોડ લાંબો સમય સુધી ટકતા નથી ત્યારે આવી જ સ્થિતિ મોરબીના નાની કેનાલ રોડ પર જોવા મળી છે જ્યાં સીસી રોડમાં રોડની વચ્ચોવચ મસમોટું ગાબડું પડી ગયું છે જેથી અહીંથી પસાર થતા વાહનચાલકો માથે અકસ્માતનું જોખમ લટકી રહ્યું છે. સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં ટ્રાફિકથી ધમધમતા રોડ પર અવાર નવાર નાના મોટા ભુવા પડતા હોય છે ત્યારે હવે આ રોગ જાણે નાના શહેર તરફ પણ વળ્યો હોય તેમ લાગી રહ્યું છે. મોરબી શહેરના નાની કેનાલ રોડ પર પંચાસર રોડને જોડતા ખૂણા પાસે અચાનક ભૂવો પડ્યો હતો અને તેના કારણે આ રસ્તા પર અકસ્માતનો થવાનો ભય વર્તાઈ રહ્યો છે. રોડની વચ્ચે ગાબડું પડતા અહીંથી પસાર થતા વાહનચાલકોને પણ સતત ભયના ઓથા હેઠળ પસાર થવું પડે છે. મોરબી નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં જે પ્રકારે રોડનું કામ કરવામાં આવ્યું છે તેની ગુણવતા સામે સવાલ ઉઠ્યા છે. સ્થાનિકો દ્વારા આ અંગે પાલિકામાં ફરિયાદ કરવામાં આવતા પાલિકાની ટીમ ઘટનાસ્થળે આવી હતી અને સ્થળ પર નિરીક્ષણ કરી આગામી દિવસોમાં રીપેર કરી દેશું તેમ કહી પાલિકાના કર્મચારીઓ જતા રહ્યા હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા હતા ત્યારે હવે અકસ્માતનું જોખમ ધરાવતા આ વિસ્તારમાં ક્યારે ભૂવો રીપેર થશે તે એક સવાલ છે.