500 વર્ષ પહેલાં એક મુસ્લિમ ભરવાડને મળી આવી અમરનાથ ગુફા
શિવજીમાં શ્રદ્ધા રાખતા લોકો ભારે સંખ્યામાં દર વર્ષે કઠિન પડકારોનો સામનો કરીને અમરનાથ ગુફામાં ’હિમ શિવલિંગ’નાં દર્શને પહોંચે છે. અમરનાથ યાત્રા ખરેખર તો હિંદુઓ માટે પવિત્ર અમરનાથ ગુફા સુધીની યાત્રા છે. આ ગુફા સમુદ્રની સપાટીથી 3,888 મીટર એટલે કે 12,756 ફૂટની ઊંચાઈએ આવેલી છે. શ્રાવણ માસમાં શરૂ થતી આ યાત્રામાં લોકો 45 દિવસ સુધી ભાગ લઈ શકે છે. સામાન્યપણે દર વર્ષે ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા માટે પહોંચે છે. જોકે, આ વર્ષે એપ્રિલ માસમાં જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે થયેલા ચરમપંથી હુમલા બાદ ઘણા લોકોએ આ યાત્રા માટે પોતાનું રજિસ્ટ્રેશન રદ કરાવ્યું છે. જોકે, સરકારના પ્રયાસ છે કે લોકો કોઈ પણ જાતની બીક વગર સરકારી દિશા-નિર્દેશોનું પાલન કરે, જેથી અમરનાથ યાત્રામાં કોઈ પણ પ્રકારની મુસીબત ન આવે. હવે જ્યારે અમરનાથ યાત્રા શરૂ થવાની છે ત્યારે આ યાત્રાની શરૂઆત અને તેની સાથે જોડાયેલી પૌરાણિક માન્યતા અંગે કુતૂહલ જોવા મળે એ સ્વાભાવિક છે. અમરનાથ યાત્રા ભલે હિંદુઓની તીર્થયાત્રા હોય, પરંતુ આ યાત્રા સાથે એક મુસ્લિમ પરિવાર સૈકાઓથી જોડાયેલું છે. અમરનાથ ગુફા લગભગ 500 વર્ષ પહેલાં શોધાઈ હતી અને તેને શોધવાનું શ્રેય એક મુસ્લિમ બૂટા મલિકને અપાય છે. બૂટા મલિકના વંશજ હજુ પણ બટકોટ નામની જગ્યાએ રહે ચે અને અમરનાથ યાત્રા સાથે પ્રત્યક્ષપણે જોડાયેલા છે. આ જ પરિવારના ગુલામ હસન મલિકે 2017માં જણાવ્યું હતું કે તેમણે ગુફા વિશે જે કાંઈ સાંભળ્યું છે તેના અનુસાર આ ગુફા તેમના પૂર્વજ બૂટા મલિકે શોધી હતી. તેઓ કહે છે કે, “સાંભળવામાં આ વાત એકમદ પૌરાણિક કથા જેવી લાગે છે. બૂટા મલિક અમારા પૂર્વજ હતા. તેઓ એક ભરવાડ હતા. પહાડ પર ઘેટાં-બકરાં ચરાવતા હતા. તેમની મુલાકાત એક સાધુ સાથે થઈ અને બંનેની મિત્રતા થઈ ગઈ.” મલિક અનુસાર, “એક વાર તેમને ઠંડી લાગતા, તેઓ એ ગુફામાં જતા રહ્યા. ગુફામાં ઠંડી લાગી તો સાધુએ તેમને એક કાંગડી (એક પરંપરાગત પોર્ટેબલ હીટર) આપ્યું, જે સવારે સોનાના કાંગડીમાં તબદીલ થઈ ગયું.
- Advertisement -
” મલિક જણાવે છે કે આ સાંભળેલી વાતો અનુસાર જ્યારે બૂટા મલિક ગુફામાંથી નીકળ્યા, તો તેમને ઘણા બધા સાધુઓનું એક જૂથ મળ્યું, જે ભગવાન શિવની તલાશમાં ફરી રહ્યા હતા. તેઓ જણાવે છે કે, “બૂટા મલિકે એ સાધુઓને કહ્યું કે તેઓ અત્યારે જ ભગવાન શિવ સાથે સાક્ષાત મળીને આવી રહ્યા છે અને તેઓ એ સાધુઓને એ ગુફામાં લઈ ગયા. જ્યારે આ બધા સાધુ ગુફામાં પહોંચ્યા તો ત્યાં બરફનું વિશાળ શિવલિંગ હતું અન સાથે પાર્વતી અને ગણેશ બેઠાં હતાં. ત્યારે ત્યાં અમરકથા ચાલી રહી હતી.” મલિક જણાવે છે કે આ ઘટના બાદ અમરનાથ યાત્રા શરૂ થઈ. બાદમાં ઘણા સાધુ ગુફા પાસેથી કૂદીને જીવન ટૂંકાવવા લાગ્યા, જેને મહારાજા રણજિતસિંહના શાસનમાં બંધ કરાવવામાં આવ્યું. મલિક જણાવે છે કે તેમનો પરિવાર મુસ્લિમ હોવાને કારણે તેમને પૂજાપાઠની જાણકારી નહોતી. તેઓ કહે છે કે, “અમે પૂજાપાઠની ખબર નહોતી, તેથી અમે નિકટના ગણેશ્વર ગામથી કાશ્મીરી પંડિતોને પૂજા કરવા માટે બોલાવ્યા.” અમરનાથમાં ત્રણ પ્રકારના લોકો રહે છે. કાશ્મીરી પંડિત, મલિક પરિવાર અને મહંત. આ ત્રણેય મળીને ’છડી મુબારક’ની વિધિ પૂર્ણ કરે છે.
અમરનાથ યાત્રા અંગે જે તે સમયે વિધાનસભામાં બિલ પણ પસાર થયું હતું, જેમાં મલિક પરિવારનો પણ ઉલ્લેખ છે. ગુલામ હસન જણાવે છે કે જ્યારે નહેરુજી કાશ્મીર આવતા તો મલિક પરિવારને યાદ કરતા. સોનાની કાંગડી અંગે તેમને પૂછાતાં મલિકે કહ્યું કે બૂટા મલિક પાસેથી એ કાંગડી તત્કાલીન રાજાઓએ લઈ લીધું હતું અને હાલ એ કાંગડી ક્યાં છે એ કોઈનેય ખબર નથી. તેઓ કહે છે કે, “અમે ઘણા પ્રયત્નો કર્યા. તેના વિશે જાણવાના પ્રયાસ કર્યા, પરંતુ રાજતરંગિણીમાં પણ અમારા પરિવાર અને આ પૌરાણિક કથાનો ઉલ્લેખ છે.” મલિક કહે છે કે, “બૂટા મલિકનું મૃત્યુ થયું અને એ બાદ તેમની દરગાહ જંગલમાં બની. તેમના નામ પર જ અમારા ગામનું નામ બટકોટ પડ્યું છે. અમરનાથ યાત્રા દરમિયાન અમે લોકો માંસ નથી ખાતા, કારણ કે અમને ખ્યાલ છે કે એ સમયે માંસ ખાવું ઠીક નથી હોતું.” મલિક કહે છે કે અમરનાથ એ તીર્થયાત્રાઓ પૈકી એક છે જેનું કાશ્મીરમાં મુસ્લિમ સમુદાય ઘણું સન્માન કરે છે.
ગુફામાં હિમ શિવલિંગ કઈ રીતે બને છે?
આ ગુફાની છતમાંથી એક એક ટપકું કરીને પાણી પડે છે, જે ફ્રીઝિંગ પોઇન્ટ પર જામીને એક વિશાળકાય કોનના આકારની આકૃતિ બનાવે છે, જેને હિંદુઓ શિવલિંગનું રૂપ માને છે. જૂન માસથી ઑગસ્ટ માસ વચ્ચે આ આકૃતિનો આકાર થોડો ઘટી જાય છે. શિવલિંગ સાથે ગણેશ અને પાર્વતીની બરફથી બનેલી આકૃતિ પણ દેખાય છે. આનાં દર્શન માટે દર વર્ષે લાખો હિંદુ અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવે છે. આ ગુફા સુધી પહોંચવાની યાત્રા કઠિન મનાય છે. ત્યાં માત્ર પગપાળા કે ખચ્ચર મારફતે જ પહોંચી શકાય છે. દક્ષિણ કાશ્મીરના પહલગામથી આ ગુફાનું અંતર 46 કિમી છે, આ અંતર પગપાળા પાર કરવાનું હોય છે. જેમાં મોટા ભાગે પાંચ દિવસનો સમય લાગે છે. બીજો એક રસ્તો સોનમર્ગના બાલટાલથી પણ છે, જ્યાંથી અમરનાથ ગુફાનું અંતર માત્ર 16 કિમી છે. પરંતુ મુશ્કેલ ચઢાણ હોવાને કારણે આ રસ્તો અત્યંત કઠિન મનાય છે. આ ગુફા બરફથી ઢંકાયેલી રહે છે, પરંતુ ગરમીઓ થોડા સમય માટે જ્યારે ગુફાની બહાર બરફ નથી હોતી ત્યારે તીર્થયાત્રી ત્યાં પહોંચી શકે છે. નોંધનીય છે કે દર વર્ષે અમરનાથ યાત્રા સમયે સૈન્ય અને સ્થાનિક તંત્ર દ્વારા જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત કરાય છે. જોકે, આ વખત પહલગામમાં ચરમપંથી હુમલા બાદ સુરક્ષા બંદોબસ્ત વધુ કડક કરાયો છે.