PCBની ટીમે દારૂ-જુગારમાં પકડાયેલા 48 સામે લીધા અટકાયતી પગલાં
ભક્તિનગર પોલીસ દ્વારા PGVCLની ટીમને સાથે રાખીને કાર્યવાહી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યભરમાં ગુંડાગીરી ડામી દેવા પોલીસ જાણે એક્શન મોડમાં આવી ગઈ હોય તેમ કડક પગલા લઈ રહી છે રાજકોટમાં પોલીસ દ્વારા સતત ત્રીજા દિવસે ડીમોલેશન અને વીજ જોડાણ કટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ભક્તિનગર પોલીસે જંગલેશ્વર, ઢેબર કોલોની, આનંદનગરમાં પીજીવીસીએલના સ્ટાફને સાથે રાખીને અસામાજિક તત્વોના 18 કનેક્શન ચેક કરી 9 ગેરકાયદે કનેક્શન મળી આવતા કાર્યવાહી કરી હતી જયારે પીસીબીની ટીમે દારૂ-જુગારમાં પકડાયેલા 48 શખ્સો સામે અટકાયતી પગલા લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
રાજ્ય પોલીસવડા વિકાસ સહાયની સુચના બાદ દરેક પોલીસ સ્ટેશન દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હોય તેમ રાજકોટ પોલીસ કમિશ્નર બજેશ ઝા દ્વારા 756 ગુનેગારોની યાદી તૈયાર કરી પ્રથમ દિવસે ગાંજાના ધંધાર્થી જાવેદ જુણેજાના જંગલેશ્વરના ઘરનું ડીમોલેશન કરવામાં આવ્યું હતું તે પછી ભીસ્તીવાડમાં ભાણુંના બે ઘર અને ઈશોભાની છ ઓરડી તથા યુનીવર્સીટી પોલીસે નાણાવટી ચોકમાં રાજાની બે ઓરડીનું ડીમોલેશન કર્યું હતું તેમજ દુધની ડેરીએ ગુજજ્સીટોકના આરોપી લાલાના ઘરનું ગેરકાયદે વીજ કનેક્શન પણ કટ કરવામાં આવ્યું હતું દરમિયાન આજે ભક્તિનગર પીઆઈ એમ એમ સરવૈયા, નીલેશભાઈ સહિતની ટીમ જંગલેશ્વર આનંદનગર, હુડકો, ઢેબર કોલોનીમાં પીજીવીસીએલના સ્ટાફને સાથે રાખીને 18 આરોપીઓના ઘરે જડતી લેતા 6 ગેરકાયદે કનેક્શન અને 3માં ગેરરીતી સામે આવતા ગેરકાયદે કનેક્શન કાપી નાખી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી બીજી તરફ દારૂ-જુગારના કેસોમાં અગાઉ પકડાયેલા 48 શખ્સોની યાદી તૈયાર કરી પીસીબી પીઆઈ એમ આર ગોંડલીયા અને ટીમે તમામને રાઉન્ડઅપ કરી સુધરી જવાની સુચના આપી તમામ સામે અટકાયતી પગલા લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.