રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર અને શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાના કેટલાંક માનીતા-જાણીતા સરકારી કર્મચારીઓ હોવા છતાં સરકારી સાથે ખાનગી શાળામાં નોકરી કરે છે, સ્કૂલ અને ક્લાસિસમાં લેક્ચર લેવા જાય છે, ટ્યુશન ક્લાસ કરાવે છે તેમ છતાં તેમની પર કોઈ પગલાં લેવામાં આવતા નથી. એટલું જ નહીં પરંતુ સરકારી આચાર્ય-શિક્ષક એક સાથે બે જગ્યાએ નોકરી કરી શકે તે માટે અતુલ પંડિત, કિરીટ પરમાર અને દિનેશ સદાદિયા દ્વારા તેમને સમય, સ્થળ અને સંજોગ મુજબ વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે. આ અંગે જાણવા મળતી વધુ વિગત મુજબ અતુલ પંડિત, કિરીટ પરમાર અને દિનેશ સદાદિયા પોતાના અંગત લોકો એક સાથે બે જગ્યાએ નોકરી કરી શકે તે માટે વર્ક કરપ્શન કરી રહ્યા છે. સરકારનો નિયમ છે કે, શાળાઓ બપોરના સમયે જ ચાલવી જોઈએ તેમ છતાં કેટલીક શાળાઓને સવારના સમયે ચલાવવામાં આવે છે. કેમ કે, સવારના સમયે શાળાઓ પૂરી કરી બપોરથી સાંજ સુધી અન્ય શાળામાં નોકરી કરવા જઈ શકાય. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં. 87, 81 અને 98 સહિતની શાળાઓ સરકારી નિયમ વિરુદ્ધ બે પાળીમાં ચલાવવામાં આવી રહી છે.
કિરીટ પાઠકનાં રસ્તે ચાલી અતુલ પંડિત આચરી રહ્યાં છે ગેરવહીવટ
કિરીટ પાઠકના પાળેલા પોપટ કહેવાતા અતુલ પંડિત એક પછી એક મસમોટા ગેરવહીવટ આચરી રહ્યા છે. રાજકોટ શિક્ષણ સમિતિમાં કિરીટ પાઠકના નકશેકદમ પર અતુલ પાઠક ચાલી રહ્યા હોય એવું જણાઈ આવે છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સાથે સંકળાયેલા સૌ કોઈનું કહેવું છે કે, અતુલ પંડિત અને કિરીટ પરમાર માત્ર કિરીટ પાઠકનું કહ્યું કરી રહ્યા છે. આજકાલ શિક્ષણ સમિતિના ચેરમેન ગાડીનો વધુ પડતો ઉપયોગ પણ કિરીટ પાઠક જ કરી રહ્યા છે અને તેમાં જ ફરતા જોવા મળી રહ્યા છે. કિરીટ પાઠકના પી.એ. બની અતુલ પંડિત ઘણા કાર્યક્રમોમાં હાજરી આપતા અને તે અંગેની પોસ્ટ ફેસબૂકમાં શેઅર કરતા નજરે પડી રહ્યા છે. વર્તમાન સમયમાં શિક્ષણ સમિતિમાં અતુલ પંડિત અને કિરીટ પરમાર દ્વારા થયેલા મોટાભાગના ગેરવહીવટમાં પડદા પાછળ કિરીટ પાઠક જ મુખ્ય ભૂમિકામાં છે. એક સમયે અતુલ પંડિતે ખુદ સમિતિના સભ્યો પાસે કબૂલ્યું હતું કે, હું જે પણ કરતો હતો તે કિરીટ પાઠકના કહેવા પર કરતો હતો. અતુલ પંડિતની કિરીટ પાઠકની કથપૂતળીની ભૂમિકાથી ફરી એકવખત શિક્ષણ સમિતિનો ભૂતકાળ પુનરાવર્તિત થશે અને ક્યાંક કિરીટ પાઠક જેમ અતુલ પંડિતને પણ જેલના સળિયા તો નહીં ગણવા પડેને એવું વોર્ડ નંબર 2ના ભાજપ કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે.
- Advertisement -
પંડિત-પરમારમાં દમ હોય તો જુહી માંકડ સહિતનાં સામે પગલાં લઈ બતાવે
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં. 95ના આચાર્ય જુહી માંકડ સરકારી કર્મચારી હોવા છતાં ધોળકીયા સ્કૂલમાં ખાનગી શિક્ષક તરીકે નોકરી કરે છે. એ જ રીતે શાળા નં. 87ના સંદીપ કાથરોટીયા, શાળા નં. 93ના ચેતન સાકરીયા, સીઆરસી દેવીદાસ ચાપબાઈ વગેરે પણ ખાનગી સ્કૂલ-ક્લાસિસમાં લેક્ચર લેવા જાય છે. આ જગજાહેર બાબત હોવા છતાં અને દિવા જેટલી સ્પષ્ટ હકીકત હોવા છતાં પણ જુહી માંડક, સંદીપ કાથરોટીયા, ચેતન સાકરીયા, દેવીદાસ ચાંપબાઈ સહિતના પર કોઈ પગલાં કેમ ચેરમેન કે શાસનાધિકારી દ્વારા લેવામાં આવતા નથી એ સવાલનો જવાબ જ પુરવાર કરે છે કે, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત તેમજ શાસનાધિકારી કિરીટ પરમારની દયા-માયાથી દિનેશ સદાદિયા અને દિપક સાગઠિયા સરકારી કર્મચારી હોવા છતાં આર્યા અને પૂર્વા નામની ખાનગી પેઢીનું સંચાલન કરી રહ્યા છે તેવી જ રીતે તેમના માનીતા શાળા નંબર 95ના જુહી માંકડ સહિતના સરકારી કર્મચારીઓ સરકારી નોકરિયાત હોવા છતાં ખાનગી નોકરી કરી રહ્યા છે.
રાજકોટ શિક્ષણ સમિતિની શાળા નં.87, 81 અને 98 સહિતની કેટલીક શાળાઓ ગેરકાયદે બે પાળીમાં ચાલે છે!
આખા ગુજરાતમાં સરકારી સ્કૂલોનો સમય 11થી 5 પણ રાજકોટમાં સવારે 8થી 12 અને 12.15થી 5!
- Advertisement -
એક જ પાળીમાં સ્કૂલ ચલાવવાનો નિયમ હોવા છતાં દિનેશ સદાદિયા કામચોરી કરવા બે શિફ્ટ કરાવે છે, અતુલ પંડિત અને કિરીટ પરમાર તેનું બધું માને પણ છે!
સરકારના નિયમ મુજબ સરકારી શાળાઓ બે પાળીમાં ચલાવી શકાતી નથી આમ છતાં નિયમો નેવે મૂકીને શાળાઓને બે પાળીમાં ચલાવવામાં આવી રહી છે આ પાછળ પણ અતુલ પંડિત, કિરીટ પરમાર અને દિનેશ સદાદિયાનું વર્ક કરપ્શન છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર અને શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા દ્વારા પોતાના અંગત લોકોને લાભ ખટાવવા માટે સરકારી શાળાઓ બે પાળીમાં ચાલે તે માટે ગોઠવણ કરી છે જે તદ્દન સરકારી નિયમો વિરુદ્ધ છે, ગેરકાયદે છે. સરકારના નિયમ મુજબ જો શાળામાં જગ્યાનો અભાવ હોય તો પણ સરકારી શાળાઓ બે પાળીમાં ચાલવવાનો કોઈ જ નિયમ નથી. જગ્યાના અભાવે સરકારી શાળાઓ બે પાળીમાં ન ચાલે તે માટે સરકાર દ્વારા દર વર્ષે બજેટ પણ ફાળવામાં આવે છે. આમ છતાં પૂરતી જગ્યા, શિક્ષકોની સંખ્યા સામે પ્રમાણમાં ઓછા વિદ્યાર્થીઓ હોવા છતાં સરકારી નિયમોને ઘોળી પી જઈ પંડિત, પરમાર અને સદાદિયા દ્વારા પોતાના લાગતા-વળગતા બપોરથી સાંજ અન્ય શાળા-ક્લાસિસમાં નોકરી કરી શકે તે માટે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં. 87, 81 અને 98 સહિતની કેટલીક શાળાઓ બે પાળીમાં ચલાવવામાં આવી રહી છે અને સાથે વર્ક કરપ્શન પણ કરાઈ રહ્યું છે.
બે પાળીમાં શાળાઓ ચાલવાથી બાળકોના ભણતરનું નુકસાન
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં. 87, 81 અને 98 સહિતની શાળાઓ સરકારી નિયમ વિરુદ્ધ બે પાળીમાં ચલાવવામાં આવી રહી છે. બે પાળીમાં શાળાઓ ચાલવાથી બાળકોને દરરોજ એક કલાક ભણતરનું નુકસાન થાય છે. પંડિત, પરમાર અને સદાદિયાની સૂચનાથી સવારની પાળીમાં 8થી12 વાગ્યાના સમયમાં અને બપોરની પાળીમાં 12થી5 વાગ્યાના સમયમાં શાળાઓ ચલાવવામાં આવે છે. હકીકતમાં સરકારી શાળાઓ 11થી 5 વાગ્યાના સમયમાં ચલાવવાનો નિયમ છે. આમ, સવાર અને બપોર બંને પાળીમાં શાળા ચાલતી હોવાથી વિદ્યાર્થીઓને દરરોજ એક કલાક જેટલું ભણવાનું નુકસાન થાય છે. આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ભેદી કારણોસર મૌન છે.