મહાનગરપાલિકાની ઘોર બેદરકારી રાહદારીઓનો ભોગ લે તેવી શકયતા
મહાનગર પાલિકા દ્વારા પ્રિ-મોન્સૂનનાં નામે વોંકળાની સફાઇ : શહેરનાં સરદારબાગ રોડ ઉપર હોર્ડિંગ્સનાં પતરાં લટકી રહ્યાં છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં મુખ્ય માર્ગો પર વિશાળ હોડિંગ્સ લગાડવામાં આવ્યાં છે. આ હોર્ડિંગ્સ રાહદારીઓ ઉપર મોત બની ભમી રહ્યાં છે. શહરેનાં સરદારબાગ રોડ ઉપર હોર્ડિંગ્સનાં પતરા લટકી રહ્યાં છે. મહાનગર પાલીકાની ઘોરબેદરકારીનાં કારણે રાહદારીઓનો ભોગ લેવાય તેવી શકયતા છે. બીજી તરફ મહાનગર પાલીકા દ્વારા પ્રી-મોન્સૂનની કામગીરીનાં નામે વોંકળા સફાઇ કરી રહી છે. પરંતુ જોખમી હોર્ડિંગ્સ ઉતારવામાં મનપાને જાણે રસ નથી અથવા તો કોઇનો ભોગ લેવા તેની રાહ જોવાઇ રહી છે. ચોમાસું માથે આવી ગયું છે. પરંતુ જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા પ્રી-મોન્સૂનની કામગીરી હજુ શરૂ કરાઇ નથી. પ્રી-મોન્સૂનનાં નામે મનપા દ્વારા હાલ વોંકળા સાફ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ લોકોનાં જીવનું જોખમ બનીને ઉભેલા હોર્ડિંગ્સ દુર કરવામાં મનપાને જાણે રસ નથી. જૂનાગઢ શહેરમાં ખાનગી કંપની દ્વારા ઠેર ઠેર વિશાળ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં છે. હોર્ડિંગ્સનું સંચાલન કરતી કંપની મનપાને ભાડુ ભરે છે. પરંતુ શહેરમાં આવા હોર્ડિંગ્સ જોખમી બની રહ્યાં છે.
જૂનાગઢનાં સરદારબાદ, બાયપાસ, ભવનાથ રોડ, કોલેજ રોડ સહિતનાં માર્ગો પર વિશાળ હોર્ડિંગ્સ છે. ચોમાસું નજીક આવવા છતા આ હોર્ડિંગ્સને લઇ મનપાને કોઇ નિર્ણય કર્યો નથી. તેમજ જૂનાગઢમાં છેલ્લા ચાર દિવસથી તેજ ગતીએ પવન ફૂકાઇ રહ્યો છે. ત્યારે આવા હોર્ડિંગ્સ લોકો માટે જોખમી બન્યાં છે. જૂનાગઢનાં સરદારબાગ પાસેનાં હોર્ડિંગ્સનાં પતરા નિકળી ગયા છે. લોખંડનાં પતરા લટકી રહ્યાં છે. આ માર્ગ ટ્રાફીકથી ધમધમતો છે. રાહદારીઓ ઉપર જીવનું જોખમ ઉભું થયું છે. મહાનગર પાલીકાએ ભાડાનો મોહ ત્યાગી વહેલી તકે જોખમી અને જર્જરીત હોર્ડિંગ્સ દુર કરે તે જરૂરી બન્યું છે.શહેરમાંથી જોખમી અને જર્જરીત હોર્ડિંગ્સ ઉતારવામાં મનપા ઘોરબેદરકારી દાખવી રહી છે. લોકો ભોગ બને તે પહેલા મનપા જાગે તે જરૂરી છે. ચોમાસા પહેલા હોર્ડિંગ્સ ઉતારી લેવાની જરૂર છે. અન્યથા મોટી જાનહાની થવાની શકયતા છે.
ભારે પવનનાં કારણે રોપ-વૅ પણ બંધ છે
જૂનાગઢમાં ભારે પવનનાં કારણે છેલ્લા ચાર દિવસથી રોપ-વે પણ બંઘ છે. રોપ-વેની સંસ્થા પણ જોખમ લેવા માંગતી નથી. ત્યારે મનપા હોર્ડિંગ્સ દુર ન કરી જોખમ લઇ રહ્યું છે. જોખમી અને જર્જરીત હોર્ડિંગ્સ દુર નહી થાય તો ચોમાસામાં રાહદારીઓ માટે જોખામી બનશે.
- Advertisement -
અનેક ઇમારતો મોત બનીને ઉભી છે
જૂનાગઢ શહેરમાં અનેક જુની ઇમારતો મોત બનીને ઉભી છે. મહાપાલિકા દ્વારા દર વર્ષે નોટિસ અપાય છે. પરંતુ જર્જરીત ઇમારતો દૂર કરી નકકર પગલાં લેવામાં આવતા નથી. મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જૂનાગઢ મનપા દ્વારા કઠોર નિર્ણય કરી જર્જરીત ઇમારત દુર કરવી જરૂરી છે.
જૂનાગઢમાં હોર્ડિંગ્સ પડ્યાં હતાં
ગત વર્ષે ચોમાસા પહેલા અક્ષર મંદિર, ગાંધીચોકમાં હોર્ડિંગ્સ પડ્યાં હતાં. બાદ મનપાએ હોર્ડિંગ્સ દુર કરાવ્યાં હતાં. પરંતુ જૂનાગઢમાં હજુ અનેક જર્જરીત હોર્ડિંગ્સ ઉભા છે. રાહદારીઓ માટે આ હોર્ડિંગ્સ જીવલેણ બને તે પહેલા મનપા દ્વારા દૂર કરવાની માંગ કરાઇ છે.