સમુદ્ર દર્શન પથ પર 202 મારુતિ હાટની દુકાનોનું ઉદ્ધાટન કર્યુ
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી તેમજ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિતભાઈ શાહે સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. લોકસુખાકારી તેમજ જનકલ્યાણ માટે કેન્દ્રિય ગૃહ મંત્રી એ પ્રાર્થના કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ સમુદ્ર દર્શન પથ પાસે હનુમાનજીની 16 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ તેમજ સમુદ્ર દર્શન પથ પર 202 મારુતિ હાટની દુકાનોનું ઉદ્ધાટન પણ કર્યુ હતું.
- Advertisement -
ગૃહમંત્રીએ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક અર્પણ કર્યા બાદ પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ સોમનાથ મંદિરના પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ગૃહમંત્રીના હસ્તે સોમેશ્વર મહાપૂજા તેમજ ધ્વજાપૂજા કરાવવામાં આવી હતી. તેમજ સોમનાથ જ્યોતિર્લિંગ સમક્ષ નિત્યમહારૂદ્ર પાઠનો સંકલ્પ કર્યો હતો.ગૃહમંત્રી અમીત શાહે મંદિરમાં સોમગંગા વિતરણ સુવિધાનો પ્રારંભ કરી શ્રી ચંડેશ્વર પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું. સોમનાથ મહાદેવને અર્પણ કરાતા ગંગાજળને રિફાઇન કરી ભાવિકોને પ્રસાદ રૂપે આપવાના પવિત્ર પ્રકલ્પનો પણ કેન્દ્રીય ગૃહ મંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો.શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગથી દેશ વિદેશના શ્રદ્ધાળુઓને લાઈવ દર્શન કરવા માટે અધતન ટેકનોલોજીના માધ્યમથી વ્યવસ્થા ગોઠવી છે. નવી વેબ સાઇટ માહિતીસભર વાપરવામાં સુગમતા રહે તે તમામ બાબતોનું ધ્યાન રાખી તૈયાર કરવામાં આવી છે.
નવી વેબસાઈટના લોન્ચિંગથી યાત્રિકો ઘરે બેઠા પૂજા વિધિ નું રજીસ્ટ્રેશન, અતિથિ ગૃહ રૂમનું બુકિંગ, ડોનેશન, સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા, રુદ્રાભિષેક વિગેરે પૂજા વિધિ ઓનલાઇન બુક કરાવી શકશે. શ્રી સોમનાથની પ્રસાદી તેમજ શ્રી સોમનાથ મંદિરમાં પૂજા કરાયેલ ચાંદીના સિક્કા, શ્રી પાર્વતીમાતાને ચડાવેલ સાડી, મહાદેવને શૃંગાર કરેલ વસ્ત્રો તથા મંદિર પર ધ્વજા રોહણ કરાયેલ ધ્વજા પણ વસ્ત્ર પ્રસાદી રૂપે ઓનલાઇન મંગાવી શકશે તેમજ સ્નેહી સંબંધીને પણ મોકલાવી શકાશે. શ્રી સોમનાથના રોજેરોજના લાઈવ દર્શન, આરતી તેમજ સાઈટ સીન, પ્રવાસન સ્થળો, હેરીટેજ વોક, ટેમ્પલ વોકની પણ માહિતી મળશે. આ નવિન વેબ પોર્ટલ પણ અમિતભાઇ શાહે લોંચ કર્યુ હતું