સોની વેપારીની છેતરપીંડીનો ભોગ બનેલી મહિલાએ પોલીસ કમિશનરમાં કરી અરજી
RJ ઓર્નામેન્ટ્સ પેઢી સાથે લેવડ-દેવડ કરતાં પહેલાં સો વાર વિચારજો!
- Advertisement -
મહિલાએ ચાંદી ખરીદવા માટે 2.21 લાખ રૂપિયા હિતેષ કડેચાને આપ્યા હતાં
હિતેષ કડેચાએ કહ્યું કે, ચાંદી લઈ રાખ્યું છે તે લઈ જજો, જ્યારે મહિલા ચાંદી લેવા ગઈ ત્યારે દુકાન કોઈકને ભાડે આપીને જતો રહ્યો હતો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં રહેતી એક મહિલા સાથે ચાંદીના વેપારી હિતેષ કડેચાએ છેતરપીંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. ચાંદી બજારમાં પૈસા રોકી વધુ નફો કમાવવાની લાલચ આપી આર.જે. ઓર્નામેન્ટસ નામની પેઢી ધરાવતાં હિતેષ કડેચાએ ઠગાઈ આચરતાં મહિલા આઘાતમાં સરી ગયા છે.
- Advertisement -
પોલીસ કમિશનરને કરવામાં આવેલી અરજી મુજબ છેતરપીંડીનો ભોગ બનેલી મહિલાએ જણાવ્યું હતું કે, લીમડા ચોકમાં આવેલી મણપ્પુરમ ફાઈનાન્સ કંપનીમાં મારી મુલાકાત હિતેષભાઈ કડેચા જે આર.જે. ઓર્નામેન્ટસ નામની પેઢી ધરાવે છે અને સોના-ચાંદીનો વેપાર કરે છે તેની સાથે થઈ હતી. તેમણે મારી સાથે વાતચીત કરી મને વિશ્ર્વાસમાં લીધી હતી. હિતેષભાઈએ કહ્યું હતું કે, સોના ચાંદીના બજારમાં ભાવમાં વધારા થતો હોવાથી તેમાં તે ખૂબ જ સારો એવો નફો કરે છે. ત્યારબાદ અમે વોટ્સએપ અને મોબાઈલના માધ્યમથી કોન્ટેક્ટમાં રહેતા હતા. થોડા દિવસ બાદ તેમણે જણાવ્યું કે, તમે પણ ચાંદીમાં રોકાણ કરીને ઘરે બેઠા જ પૈસા કમાઈ શકો છો. ત્યારપછી મે ત્રણથી ચાર મહીના અગાઉ 2 કિલો ચાંદી તેની સોની બજારમાં આવેલી આર.જે. ઓર્નામેન્ટમાંથી ખરીદીને બે દિવસમાં જ વેચીને 2200નો નફો કર્યો હતો તેથી અમને હિતેષભાઈ પર વિશ્વાસ ઉભો થયો હતો.
ત્યારપછી થોડા સમય બાદ દિવાળી પહેલા મને હિતેષભાઈએ ચાંદી લેવાનું કહ્યું હતું. દિવાળીના તહેવાર પર ચાંદીના ભાવમાં વધારો થશે અને નફો કમાઈ શકશો. આવી રીતે ફરીથી ચાંદી લેવા માટે સોનાના દાગીના મણપ્પુરમ પોરબંદરની અને જામનગરની બ્રાન્ચમાં ગીરવે મુકી 2.21 લાખની લોન લીધી હતી. આમ દિવાળી પહેલા 1 લાખ 96 હજાર આંગડીયા પેઢી મારફત અને 25 હજાર ફોન પે મારફત હિતેષભાઈને આપ્યા હતા. અમે અમારા સસરાને ત્યાં પોરબંદર હોવાથી હિતેષભાઈએ ફોન કરીને કહ્યું કે, તમારૂં ચાંદી લેવાઈ ગયું છે જ્યારે રાજકોટ આવો ત્યારે લઈ લેજો. પરંતુ જ્યારે તા. 25 ઓક્ટોબરના રોજ તેની સોની બજારની દુકાને ગયા તો માલૂમ પડ્યું કે, દુકાન તો અન્યને ભાડે અપાઈ ગઈ છે. આ સાંભળીને ખૂબ જ આઘાત લાગી ગયો હતો. પૈસા આપ્યા ત્યારથી લઈ આજ દિન સુધી વોટ્સએપ અને કોલ પર ખોટા વચનો જ આપ્યા હતા. ત્યારબાદ ખૂબ જ વિનંતી કરતા 1 લાખ 5 હજાર પરત કર્યા હતા જ્યારે હિતેષભાઈએ કહ્યું કે, હવે ફક્ત 1 લાખ 9 હજાર જ પરત કરવાના બાકી છે અને બાકીના 7 હજારની ચાંદીમાં ખોટ ગઈ છે. આમ આવી રીતે હિતેષભાઈ કડેચા નામના સોની વેપારીએ મારી સાથે છેતરપીંડી આચરી છે. આમ સોની વેપારીએ કુલ 2.21 લાખમાંથી અમુક રકમ ચૂકવી હતી અને બાકીના 1.09 લાખ ન આપીને છેતરપીંડી આચરી છે.
હિતેષ કડેચાએ મહિલાને કહ્યું કે, મારી સાથે ફરવા આવો એટલે પૈસા મળી જશે!
ખાસ-ખબરને આપવીતી વર્ણવતાં ભોગ બનનાર મહિલા વારંવાર રડી પડતા હતા. મહિલાએ એવું પણ જણાવ્યું હતું કે, હિતેષભાઈએ ફોન પર એવું કહ્યું કે, તમે મારી સાથે ક્યાંય પણ બહાર ફરવા આવો એટલે તમને તમારા પૈસા મળી જશે. આવી રીતે હિતેષ કડેચાએ ખૂબ જ વિશ્વાસઘાત કર્યો છે.