ટેલિવિઝનનો ઇતિહાસ
સ્કોટિશ એન્જિનિયર, જ્હોન લોગી બાયર્ડે વર્ષ 1926માં ટેલિવિઝનની શોધ કરી પણ તેને વધુ વ્યવહારુ બનાવ્યું ફિલો ફર્ન્સવર્થે કે જેણે 1927માંવિશ્વનું પ્રથમ કાર્યરત ટેલિવિઝન બનાવ્યું, જે 01 સપ્ટેમ્બર 1928ના રોજ પ્રેસ સમક્ષ રજૂ કરવામાં આવ્યું. કલર ટેલિવિઝનની શોધ પણ જ્હોન લોગી બેર્ડ દ્વારા વર્ષ 1928માં કરવામાં આવી હતી. જ્યારે સાર્વજનિક પ્રસારણ 1940થી શરૂ થયું હતુ.

વિશ્વ ટેલિવિઝન દિવસનો ઇતિહાસ

દર વર્ષે 21 નવેમ્બરે ઉજવવામાં આવતાં વિશ્વ ટેલિવિઝન દિવસનો હેતુ ટેલિવિઝનના મહત્વને ઉજાગર કરવાનો છે. તેની શોધ થઈ એ બાદ ક્રમશ: શિક્ષણ અને મનોરંજનના સૌથી મહત્વપૂર્ણ માધ્યમ તરીકે જગ્યા બનાવતું રહેલું
ટેલિવિઝન એક એવું સામૂહિક માધ્યમ છે કે જ્યાં ઑડિયો-વિઝ્યુઅલ કમ્યુનિકેશન દ્વારા મનોરંજન, શિક્ષણ, સમાચાર, રાજકારણ, ફિલ્મી ગોસિપ, વગેરેની માહિતી એક જ જગ્યાએ મળી રહે છે. વિશ્વ ટેલિવિઝન દિવસનો ઇતિહાસ જોઈએ તો નવેમ્બર 1996 માં, યુનાઇટેડ નેશન્સ (યુએન) એ પ્રથમ વર્લ્ડ ટેલિવિઝન ફોરમનું આયોજન કર્યું. જેમાં અગ્રણી મીડિયા હસ્તીઓ ફોરમનો હિસ્સો બની હતી. અને તેઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ટેલિવિઝનના વધતા મહત્વ પર ચર્ચા કરી હતી. તેથી જનરલ એસેમ્બલીએ દર વર્ષે 21 નવેમ્બરને વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. ત્યારથી આ દિવસ વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે ઉજવાય છે.

ભારતનો ટેલિવિઝન ઇતિહાસ

ટેલિવિઝનની શોધના ત્રણ દાયકા પછી ટીવી ભારતમાં આવ્યું હતું. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના જણાવ્યા અનુસાર, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (યુનેસ્કો)ના સહયોગથી નવી દિલ્હીમાં 15 સપ્ટેમ્બર, 1959ના રોજ ભારતમાં ટેલિવિઝનની શરૂઆત કરવામાં આવી હતી. ટીવીની શરૂઆત ’ઓલ ઈન્ડિયા રેડિયો’ હેઠળ કરવામાં આવી હતી અને ટીવીનું પ્રથમ ઓડિટોરિયમ આકાશવાણી ભવનમાં બનાવવામાં આવ્યું હતું, જે પાંચમા માળે હતું. જેનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે કર્યું હતું.

ભારતમાં ટીવીના શરૂઆતના દિવસોમાં, સામુદાયિક સ્વાસ્થ્ય, ટ્રાફિક, રસ્તાના નિયમો, ફરજો અને નાગરિકોના અધિકારો જેવા વિષયો પર અઠવાડિયામાં બે વાર દિવસમાં એક કલાક માટે કાર્યક્રમો ચલાવવામાં આવતા હતા.1972 સુધીમાં અમૃતસર અને મુંબઈ માટે ટેલિવિઝન સેવાઓ શરૂ થઈ. જ્યારે 1975 સુધી ભારતના માત્ર સાત શહેરોમાં ટેલિવિઝન સેવા શરૂ કરવામાં આવી હતી.ભારતમાં વર્ષ 1982 માં રંગીન ટીવી અને રાષ્ટ્રીય પ્રસારણ શરૂ થયું.

લોકભોગ્ય અને અતિલોકપ્રિય ટેલિવિઝન શો

એંશીના દાયકાના અંતમાં, ટેલિવિઝને કારણે ભારતમાં નવી હવા ફેલાઈ. દુરદર્શન પરથી પ્રસારિત થતી સત્વવાળી સિરિયલ્સ ધીમે ધીમે એટલી લોકપ્રિય થવા લાગી એના કારણે જેના ઘરે ટીવી સેટ હોય એના ઘરે અડોશપડોસનાં લોકો એકઠા થઈને ટીવી જોવાનો નવો ટ્રેન્ડ લગભગ દોઢેક દાયકો ચાલ્યો. લોકો અનેક આઇકોનિક શો જોવા માટે એક જ સ્ક્રીનની સામે એકઠા થતા હતા.

કેબલ ટીવીની શરૂઆત પહેલાં દૂરદર્શનની સિરિયલોએ ટીવી પર રાજ કર્યું. દૂરદર્શનની જૂની સિરિયલો દરેક ઉંમરના લોકોનું મનોરંજન કરતી હતી. આજે ટીવી પર જોવાની ચેનલો ઘણી વધી ગઈ છે, પણ આપણે કેટલી ચેનલો જોઈએ છીએ કે કેટલી વાર જોઈએ છે? એ વિચારતાં દૂરદર્શનના સોનેરી દિવસો યાદ આવી જાય છે કે જ્યારે મનોરંજન, જ્ઞાન, સમાચાર, સંસ્કૃતિ-ઈતિહાસ વગેરે તમામ જરૂરી વિષયો પર રસપ્રદ કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવતાં હતાં. સાહિત્યિક ટચ અને સત્વ તત્વથી ભરપુર, દિગ્દર્શન સ્ટોરી રેલીંગ તેમજ ઉત્કૃષ્ટ અભિનયના ઉત્તમ નમૂનાઓ જેવી દૂરદર્શનની સિરિયલ્સનું મનોરંજનનું સ્તર એટલું ઊંચું અને નિર્દોષ રહેતું કે આજની લગભગ એક પણ ટીવી સિરિયલ તેની બરાબરી કરી શકે એવી નથી લાગતી.

દુરદર્શનનાં શો ચિત્રહાર, શોથીમ, કરમચંદ, બ્યોમકેશ બક્ષી, હમલોગ, બુનિયાદ, ઈન્તઝાર, કથાસાગર, શ્રીકાંત, પ્રેમચંદ કી કહાનિયા, ચંદ્રકાંતા, વિશ્વામિત્ર, રામાયણ, જંગલબુક, મહાભારત, યે જો હૈ જિંદગી, ભારત એક ખોજ, ચાણક્ય, ટીપુ સુલતાન, અકબર ધ ગ્રેટ, ધ ગ્રેટ મરાઠા, મૃગનયની, સુરભી, મુંગેરિલાલ કે હસીન સપને, અપરાજિતા, ઈતિહાસ, કશીશ, ફર્ઝ, માલગુડ્ડી ડેઝ,ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન, નુકકડ, દાને અનાર કે,કહકશા, મુજરિમ હાજિર હો,રજની, ઈસી બહાને,.. મિર્ઝા ગાલિબ, તમસ, અંતાક્ષરી, વક્ત કી રફતાર, શાંતિ, સિદ્ધાર્થ બાસુનું ક્વિઝ ટાઇમ, સ્વાભિમાન, ફરમાન, ઔરત, અંજુમન….અહાહા… એક એક સિરિયલ યાદગાર.. સાહિત્યિક સ્પર્શવાળી, માનવીયમુલ્યોથી ભરપૂર….

આપણે છાશવારે દુરદર્શનની સિરિયલ્સ વિશે વાત કરીએ છીએ પરંતુ એ વખતના ન્યૂઝ રીડરનો બહુ ઓછો ઉલ્લેખ થાય છે.

ભારતિય ડિજિટલ ન્યુઝ મીડિયાની કાલ અને આજ

આજકાલ ભારતીય ન્યૂઝ ચેનલો બૂમબરાડા, નાટકીય લ્હેકા, સમાચાર તત્વને દૂષિત કરીને ફિલ્મી આઈટમ કે સિક્વન્સની જેમ રજૂ કરવાની બાલીશ નાટ્યાત્મકતા સાથે પત્રકારત્વનો હાંસ કરીને પત્રકારો ખુદ હાંસિપાત્ર બન્યા છે. ન્યૂઝ એન્કર્સ જાણે પોતે ન્યાયાધીશ હોય એમ દરેક કેસમાં પોતાના ઇન્વેસ્ટિગેશન્સ(!)અને પોતાના મનઘડંત ચુકાદા આપતા થઈ ગયા છે અને કોઈ ચોક્કસ રાજકીય પાર્ટીના પોતે નુમાઇંદા હોય તેમ, સામેની પાર્ટીના પ્રવક્તા કે પ્રતિનિધિ સામે પહેલા પક્ષનો બચાવ કરવા ઉતરી પડે છે, એ માટે તેઓ ડીબેટમાં બોલાવેલા સમાજમાન્ય માન્ય વ્યક્તિના અપમાન સુદ્ધા કરતાં અચકાતા નથી. ગાળાગાળી જેવી નિમ્ન સ્તરની ભાષા, તર્ક વગરના કુતર્કો જેવી દલીલો, જોરજોરથી બુમ બરાડા, રેપ, મર્ડર જેવી ઘટનાને અનિચ્છનીય વળ આપી આપીને મમળાવ્યા કરવાની કુચેષ્ટા, પીડિતોના પરિવાર જનોને પોલીસ તરફથી ટેંશન હોય જ એ ઉપરાંત ટીવી પત્રકારો બાકીની કસર પુરી કરવામાં બાકી નથી રાખતાં. ટીઆરપી વધારવા માટે ગમ્મે તે હદે જતાં, સંવેદના ઘવાય એવા પ્રશ્નો પીડિતના પરિવાર જનોને પૂછતાં તેઓ જરાપણ અચકાતા નથી. અમુક અમુક ન્યૂઝ એન્કરની બોડી લેંગ્વેજ, બોલવાની સ્ટાઇલ, ભાષાનું સ્તર જોઈને સોફેસ્ટિકટેડ ગુંડા જ લાગે. જે-તે પક્ષના પ્રવક્તા બની બેઠેલા, ’ટીઆરપી પરમો ધર્મ’ સમજી બેઠેલા આવા લેભાગુ ન્યૂઝ એન્કર્સને જોઈને દુરદર્શનના સો ટચના સોના જેવા ન્યૂઝરીડર્સ યાદ આવી જાય છે

ભારતિય ટેલિવિઝન ઇતિહાસના પ્રથમ ન્યૂઝ એન્કર

5 સપ્ટેમ્બર 1959 ભારતમાં એક નવા યુગની એટલે કે દૂરદર્શનની શરૂઆત થઈ ત્યારે આ ચેનલ પરીક્ષણના ભૂમિકાએ શરૂ કરવામાં આવી હતી એ અંતર્ગત પાંચ મિનિટનું ન્યૂઝ બુલેટિન પ્રસારિત કરવામાં આવ્યું હતું. જે રજૂ કર્યું હતું પ્રતિમા પૂર્વે પુરીએ. આમ, પ્રતિમા પુરી દૂરદર્શન અથવા કહો કે ભારતના ટેલિવિઝન ઇતિહાસના પ્રથમ ન્યૂઝ એન્કર છે, જેમણે અવકાશયાત્રી યુરી ગેગ્રીનનો ઇન્ટરવ્યૂ કર્યો હતો ત્યારથી લઈને અત્યાર સુધીમાં દૂરદર્શન પર આપણે સેંકડો ન્યૂઝ એન્કર આપ્યા છે. દૂરદર્શનના કેટલાક ન્યૂઝએન્કર , જેઓ એક સમયે લોકોના દિલ પર રાજ કરતા હતા.

દૂરદર્શનના યાદગાર એન્કર્સ

દૂરદર્શનના યાદગાર એન્કર્સમાં સલમા સુલતાનનું નામ સૌથી પહેલા આવે છે. તેમણે 1967થી 1997 સુધી 30 વર્ષ સુધી દૂરદર્શનમાં એન્કર તરીકે કામ કર્યું. દૂરદર્શન પર ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાની જાણ કરનાર તેઓ પ્રથમ એન્કર હતાં. વિશિષ્ટ રીતે સાડી રેપ અપ કરવાની તેમની સ્ટાઇલ, વાળમાં ગુલાબ અને ગાલમાં ખંજન સાથે મુદાસરની વાત, મક્કમ છતાં ધીમો અને શાલીન, ઉતરચડ વગરનો સ્થિર અવાજ… , ઈંગ્લીશમાં ન્યૂઝ આપતા ગીતાંજલી ઐયર તેમની હેરસ્ટાઇલ અને ઇંગ્લિશ પરની પક્કડ ઉપરાંત ભાષા સાદગી માટે બધાને યાદ રહેશે.

એન્જીનયરીંગ પાસ શમ્મી નારંગની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તેઓ એક લાખ ઉમેદવારોમાંથી દૂરદર્શનમાં પસંદ થયા હતા અને તેઓ 1970-80ના દાયકા દરમિયાન દૂરદર્શનનો પ્રખ્યાત ચહેરો હતા. કોટના ખિસ્સામાં રૂમાલ અને ગુલાબ એમની સ્ટાઇલ રહેતી. ઠસ્સાદાર ઘેઘુર અવાજ સાથે બુલેટિન સમાપ્તિ વખતે જરાક હસીને ખિસ્સામાં પેન મુકવાની એમની સ્ટાઇલ યાદગાર હતી.જો કે અવાજ આજે પણ તેઓ લોકપ્રિય અને સફળ વોઇઝઓવર આર્ટિસ્ટ છે. દિલ્હી મેટ્રો, રેપિડ મેટ્રો રેલ ગુડગાંવ, મુંબઈ મેટ્રો, બેંગ્લોર મેટ્રો, હૈદરાબાદ મેટ્રો રેલ અને જયપુર મેટ્રોમાં જેમનો અવાજ સંભળાય છે તે શમ્મી નારંગ છે.

શોભના જગદીશન સરલા મહેશ્વરીની ગુજરાતી સ્ટાઇલમાં પહેરેલી સાડી, ઊંચી હેર સ્ટાઇલમાં સરસ રીતે બાંધેલા વાળ.. સૌમ્ય અવાજ ચહેરા પર હળવો મેકઅપ અને હળવું સ્મિત.. બધાજ બેંગોલી સાડી પહેરતા હોય ત્યારે નેશનલ ચેનલ પર ગુજરાતી પદ્ધતિએ સાડી પહેરીને બેસવાની હિંમત પણ દાદ માંગી લે, એ વિશે પૂછતાં તેમણે કહ્યું કે મારા મમ્મીને મેં હંમેશા આ પદ્ધતિએ સાડી પહેરતા જોયા હતા, તેઓ એટલા સૌજન્યપૂર્ણ ગ્રેસફુલ લાગતા કે મારા મનમાં એ છબી હંમેશા અંકિત રહી. મારા પપ્પાએ પણ મને કહ્યું કે જેટલી ઓરીજીનલ, પોતાનાથી નજીક અને સહજ રહીશ એ લોકોને વધુ અપીલ કરશે. આ ઉપરાંત,નીતિ રવિન્દ્રન – મંજરી જોશી, સિમી સેરોન, જે. વી. રમણ, વેદ પ્રકાશ,અવિનાશ કૌર સરીન, મીનુ તલવાર…કંઈ કેટલાયે નામ….

વર્તમાનનાં ન્યૂઝ એન્કર્સમાં તે સરળતા પણ ખતમ થઈ ગઈ છે, જે આપણે પહેલા જોતા હતા. આજે એન્કર્સ ઢગલો મેક-અપ કરીને દર્શકો સામે પોતાની જાતને રજૂ કરે છે. જેને ન્યૂઝવેલ્યુ કહીએ એવું, સમાચારનું એ સ્તર નથી રહ્યું જે દુરદર્શન સમયે હતું. આજે એન્કરના વર્તનમાં શાલીનતાનો અભાવ જોવા મળે છે. દુરદર્શન ન્યૂઝ એન્કરનું વર્તન ખૂબ જ નમ્ર અને સૌમ્ય રહેતું. દૂરદર્શન પરના એન્કર ખૂબ જ સાદગી અને શાલીનતાથી સમાચાર વાંચતા. જેના કારણે લોકોને સમાચાર જોવાની અલગ જ મજા આવતી હતી. અવાજમાં ગંભીર્ય, એક પ્રકારનો ઠહેરાવ, નેગેટિવ કે દુ:ખદ સમાચાર આપતી વખતે અવાજમાં સાહજિક સ્વાભાવિક ધીમો અને પરિસ્થિતિની ગંભીરતા સમજીને એ મુજબનો રહેતો. વાતને બઢાવી ચડાવી કે ઘટાડીને કહેવાની બિઝનેસ ટ્રિક એ વખતના ન્યૂઝરીડર્સમાં નહોતી. કે જે-તે ન્યૂઝમાં પોતાનો અભિપ્રાય કે મત કે દ્રષ્ટિ ઉમેરી લોકો સમક્ષ રજુ કરવાનો ટ્રેન્ડ પણ નહોતો. ન્યૂઝરીડર્સ તદ્દન નિર્લેપભાવે જે -તે સમાચાર લોકો સમક્ષ રજુ કરી તેમાંથી પોતે બહાર નીકળી જતાં. જે માનવીય અભિગમ, જે જાદુ, જે સાદગી અને સ્થિરતા, સૌજન્યપૂર્ણ વ્યવહાર અને સૌમ્યતા દૂરદર્શનના એન્કરોમાં હતી, તે અત્યારે કોઈ ન્યૂઝ એન્કરમાં જોવા મળતી નથી.