બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના અંદોલન બાદ ફેલાયેલી રાષ્ટ્રવ્યાપી અશાંતિ બાદ શેખ હસીનાની સત્તા પડી ભાંગી હતી, આરાજકતાના માહોલ દરમિયાન બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય પર હુમલાના ઘણા બનાવો બન્યા હતાં, જેની આંતરાષ્ટ્રીય સ્તરે ટીકા કરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં કુલ 300 થી વધુ હિન્દુ પરિવારો અને તેમના ઘરો પર હુમલા કરવામાં આવ્યા છે. હિંદુઓ વિરુદ્ધ મોબ લિંચિંગની ચાર ઘટનાઓ નોંધવામાં આવી છે.
અહેવાલ મુજબ 10થી વધુ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાવવામાં આવી હતી. ઉપરાંત, અત્યાર સુધીમાં 49 હિંદુ શિક્ષકોએ રાજીનામું આપી દીધું છે, તેમને વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
- Advertisement -
અહેવાલ મુજબ હિન્દુઓની હત્યા કરનારા આરોપીઓને જેલમાંથી પણ છોડવામાં આવી રહ્યા છે. એવામાં એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે હવે અઝાન વખતે દુર્ગા પૂજા પંડાલોમાં હિન્દુઓને પૂજા નહીં કરવા દેવામાં આવે. આ વર્ષે, દુર્ગા પૂજાનો તહેવાર 9 ઓક્ટોબરથી 13 ઓક્ટોબરની વચ્ચે ઉજવવામાં આવશે. અત્યાર સુધી દર વર્ષે બાંગ્લાદેશના હિંદુ સમુદાય દ્વારા આ તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવતો. જોકે આ વખતે આ તહેવાર ઉજવવામાં મુશ્કેલીઓ પડી શકે છે.
બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં ગૃહ બાબતોના સલાહકાર અને નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ જાહેરાત કરી છે કે બાંગ્લાદેશમાં નમાઝ અને અઝાન દરમિયાન હિન્દુઓને લાઉડસ્પીકર પર પૂજા અને ભજન ગાવા પર પ્રતિબંધ રહેશે. જો કોઈ આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તો તેની ધરપકડ કરવામાં આવશે.
બાંગ્લાદેશ સરકારનું કહેવું છે કે આવતા મહિને 9 ઓક્ટોબરથી 13 ઓક્ટોબરની વચ્ચે બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પંડાલની સ્થાપના કરવામાં આવશે. પંડાલ સ્થાપનારી સમિતિઓએ નિયમનું પાલન કરવાનું રહેશે અને આ નિયમનું ઉલ્લંઘન ન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે. અઝાનના 5 મિનિટ પહેલા તમામ પંડાલમાં તમામ ધાર્મિક વિધિઓ બંધ કરવી ફરજિયાત રહેશે. ઉપરાંત, અઝાન અને નમાઝ દરમિયાન લાઉડસ્પીકર પર ભજન સાંભળવા અને મંત્ર જાપ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.