કોંગ્રેસના સવાલો બાદ ભાજપના વળતા પ્રહાર: ભારતને આર્થિક મોરચે અસ્થિર કરવાનો પ્રયાસ- કોંગ્રેસ તથા ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ તેમાં સામેલ: રવિશંકર પ્રસાદ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.13
- Advertisement -
ભારતના ટોચના ઉદ્યોગજૂથ અદાણીને નિશાન બનાવ્યા બાદ અમેરિકી રિસર્ચ એજન્સી હિંડનબર્ગે સેબીના ચેરપર્સન સામે તોપ તાકી છે ત્યારે સમગ્ર ઘટનાક્રમમાં રાજકીય ધમાસાણ શરૂ થઈ ગયુ છે. કોંગ્રેસના આક્ષેપો સાથે તપાસની માંગ કરતા નિવેદન સામે ભાજપે સમગ્ર બનાવને ષડયંત્ર ગણાવીને ભારતીય માર્કેટને અસ્થિર કરવાનુ ષડયંત્ર ગણાવ્યું છે.
ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે હિંડનબર્ગનો રિપોર્ટ ભારત સામેનુ મોટુ ષડયંત્ર છે. લોકસભાની ચુંટણીમાં સળંગ ત્રીજી હારથી કોંગ્રેસ, ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ તથા તેમને પ્રમોટ કરતા લોકો ભારતને આર્થિક રીતે અસ્થિર બનાવવા મેદાને પડયા છે.
તેઓએ હિંડનબર્ગ રિપોર્ટનાં સમય વિશે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે અમેરિકન કંપનીએ ઈરાદાપૂર્વક શનિવારે રિપોર્ટ જારી કર્યો હતો. જેને પગલે રવિવારે ગભરાટ ઉભો થાય અને સોમવારે ઉઘડતાવેંત માર્કેટ ધસી પડે.
- Advertisement -
હિંડનબર્ગે દોઢ વર્ષ પુર્વે અદાણી વિરુદ્ધ રિપોર્ટ જાહેર કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે પોતાના કાર્યક્ષેત્રમાં જ તપાસ કરાવી હતી તેમાં કાંઈ નિકળ્યુ ન હતું. સેબીએ પછી હિંડનબર્ગ વિરુદ્ધ ગત મહિને નોટીસ ઈસ્યુ કરી હતી તેનો બદલો લેવા માટે અમેરિકન કંપનીએ નવો પાયાવિહોણો રિપોર્ટ જાહેર કર્યો છે.
ભાજપના નેતાએ એવો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો કે કોંગ્રેસ અત્યારસુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નફરત કરતી હતી પરંતુ હવે દેશને નફરત કરવા લાગી છે. ભારતીય શેરબજાર ડગમગે તો નાના ઈન્વેસ્ટરોને જ સૌથી મોટી પરેશાની થઈ શકે છે. ભારતમાં નાના ઈન્વેસ્ટરોની સંખ્યા કરોડોમાં છે.
રવિશંકરે એવો સવાલ ઉઠાવ્યો હતો કે ભૂતકાળમાં ભારત દાણા-દાણા માટે મોહતાજ હતું તે યુગમાં કોંગ્રેસ દેશને ફરી લઈ જવા માંગે છે. હિંડનબર્ગના સેબી વડા તરફ આગળી ચિંધતા નવા રિપોર્ટને પગલે ભારતમાં વધુ એક વખત રાજકીય ધમાસાણ શરૂ થઈ ગયુ હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સંયુક્ત સંસદીય સમીતી મારફત તપાસની માંગ ઉઠાવી હતી. રાહુલ ગાંધીએ સેબી વડાના રાજીનામાનો મુદો ઉઠાવીને નાના ઈન્વેસ્ટરોને નુકશાન થાય તો કોની જવાબદારી? તેવો સવાલ કર્યો હતો. કોંગ્રેસના રાજકીય હુમલા બાદ ભાજપે વળતો પ્રહાર કર્યો છે.