તમારા પર સહેજે ભરોસો નથી, પહેલા પણ બોગસ દસ્તાવેજોથી અરજી કરેલી : હાઇકોર્ટ
હોસ્પિટલમાં દાખલ આસારામની સારવારના નામે જામીન માંગ્યા હતા
ખાસ-ખબર સંવાદદાતા
સાધિકાઓ સાથે દુષ્કર્મના કેસમાં જેલવાસ ભોગવી રહેલા નારાયણ સાંઇને હંગામી જામીન આપવાનો પણ ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે સાફ્ શબ્દોમાં ઇનકાર કરી દીધો હતો. હાઈકોર્ટની ખંડપીઠે નારાયણ સાંઇને સ્પષ્ટ રીતે જણાવ્યું કે, અમને તમારી પર કોઇપણ પ્રકારનો વિશ્વાસ નથી કારણ કે, તમે ભૂતકાળમાં પણ બોગસ દસ્તાવેજો રજૂ કરીને હાઇકોર્ટમાંથી જામીન મેળવવાનો પ્રયાસ કર્યો છે અને હાઇકોર્ટે તમને એક લાખ રૂપિયાનો દંડ પણ ફ્ટકારેલો છે. પોતાના પિતા આસારામની સારવાર માટે હંગામી જામીન માંગતી અરજી ફ્ગાવી દેવાનું વલણ હાઇકોર્ટે અપનાવતાં નારાયણ સાંઇને પોતાની અરજી પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી.
હાઇકોર્ટે એવી પણ માર્મિક ટકોર કરી હતી કે, આસારામની વય 85 વર્ષની છે અને આ બધી તકલીફે ઊંમરના કારણે છે. વળી, તેમની સારવાર માટે આસારામની પત્ની અને પુત્રી હયાત છે. બાપ અને બેટા તમે બંને એકસરખા ગુનામાં દોષિત ઠર્યા છો. હાઇકોર્ટે નારાયણ સાઇ તરફ્થી રજૂ કરાયેલા દસ્તાવેજો અને કાગળો અપૂરતા હોવાની સાથે સાથે તેની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવતાં જણાવ્યું કે, નારાયણ સાંઇએ હંગામી જામીન મેળવવા આસારામી જે ક્રિટીકલ પરિસ્થિતિ હોવાની રજૂઆત કરી છે, તેની સાથે અદાલત સંમંત નથી. કારણે નારાયણ સાઇ તરફ્થી રજૂ થયેલા દસ્તાવેજોમાં આવું કંઇ જણાતું નથી. નારાયણ સાઇના વકીલે બચાવ કર્યો કે, આસારામને 65 ટકા બ્લોકેજ છે અને છ બોટલ લોહી ચઢાવાયું છે. તેથી હાઇકોર્ટે જણાવ્યું કે, આસારામની સ્થિતિ નાજુક અને ક્રિટીકલ છે તેવું સાબિત કરતાં નક્કર તબીબી દસ્તાવેજો રેકર્ડ પર લાવો, બાકી નારાયણ સાંઇના દાવાઓ કે કાગળો પર અમને સહેજપણ વિશ્વાસ નથી.