ભૂમાફિયાઓનું આવી બનશે!
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
- Advertisement -
ગુજરાત રાજયમાં લેન્ડ ગ્રેબીંગ (પ્રોહીબીશન) એકટની બંધારણીય કાયદેસરતાને પડકારતી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ થયેલી ઢગલાબંધ રિટ અરજીઓ આજે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધા માયીની ખંડપીઠે ધરાર ફગાવી દીધી હતી. ગુજરાત હાઈકોર્ટે આજે આ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવતાં ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એકટ અને તેની સંબંધિત જોગવાઈઓને કાયદેસર અને બહાલ રાખી હતી. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં બહુ ગંભીર અને મહત્ત્વપૂર્ણ અવલોકનો પણ કર્યા હતા. ગુજરાત હાઇકોર્ટનો આ ચુકાદો ઘણો મહત્વનો અને દુરોગામી અસર વાળો છે અને પારકાની જમીન પર આંખ ઉઠાવતા પણ હવે ભૂમાફિયાઓ સો વાર વિચાર કરશે.
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂધ્ધાઁ માયીની ખંડપીઠે કાયદાકીય અને ન્યાયિક રીતે પણ ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એકટની બંધારણીયતાને માન્યતા આપી છે અને આ કાયદાની જોગવાઈઓ બંધારણ સાથે સુસંગત હોવાનું ઠરાવ્યું હતું. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એકટ કોઈપણ રીતે નાગરિકોના સમાનતાના અધિકાર કે અન્ય મૂળભૂત અધિકારોનુ કોઈપણ રીતે હનન કરતો નથી.
આ કાયદા કે તેની જોગવાઈઓના કારણે બંધારણની કલમ- 13, 14, 19, 20 કે 21નો ભંગ થતો નથી. આ કાયદાને હજુ રાષ્ટ્રપતિની મંજૂરી મળવાની બાકી છે ત્યારે બંધારણની કલમ-254 દ્વારા અસર પામતી હોય તેવું પણ કહી શકાય નહી. કારણ કે, આ કાયદો અને તેની જોગવાઈઓ જમીન પચાવી પાડવાની ગેરકાયદે પ્રવૃત્તિને કચડી નાંખવાના ઉમદા આશયથી લાગુ પાડવામાં આવ્યો છે.
- Advertisement -
હાઇકોર્ટે એમ પણ જણાવ્યું કે, લોક પ્રતિનિધિઓ દ્વારા બનાવવામાં આવેલા આ કાયદામાં કોઈપણ પ્રકારની ત્રુટિ જણાતી નથી. વિધાનસભામાં પસાર કરાયેલા કાયદામાં થયેલી સજાની જોગવાઈ એ લોક પ્રતિનિધિઓની વિવેકબુધ્ધિ અને હાલના સમયની જરૂરિયાત પ્રમાણે કરાઈ હોવાનું પણ કોર્ટે ઠરાવ્યું હતું.
લંબાણપૂર્વકના ચુકાદામાં હાઈકોર્ટ જિલ્લા કલેકટર, વિશેષ સમિતિઓ અને સ્પેશ્યલ કોર્ટોના અધિકાર અંગે પણ વિસ્તૃત છણાવટ કરી હતી. લેન્ડ ગ્રેબીંગ એકટની કાયદેસરતાને પડકારતી ઢગલાબંધ રિટ અરજીઓ હાઈકોર્ટે ફગાવી દીધી હતી.
ગુજરાત હાઇકોર્ટનો આ ચુકાદો સીમાચિન્હરૂપ અને દૂરોગામી અસરો પેદા કરનારો બની રહેશે.
ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એકટ અને તેની જોગવાઈઓને પડકારતી ઢગલાબંધ રિટ અરજીઓમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરાયા હતા કે, લેન્ડ ગ્રેબીંગ એકટ અને તેની વિવાદીત જોગવાઇઓ પસાર કરીને રાજય સરકાર દ્વારા નાગરિકોના દિવાની હકો પર તરાપ મરાઈ છે. આ કાયદાથી સિવિલ કોર્ટની સત્તાઓ પર તરાપ વાગી છે.
જૂના વ્યવહારો અને સિવિલ કોર્ટના અગાઉના હુકમોને સ્પેશ્યલ કોર્ટ રદ ન કરી શકે તે પ્રકારની જોગવાઈ ગેરબંધારણીય છે. કાયદાની સંબંધિત જોગવાઈઓ ગેરકાયદે, ગેરબંધારણીય અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન કરતુ હોવાથી તેને ગેરકાયદે એને રદબાતલ ઠરાવવા દાદ માંગવામાં આવી હતી.
રાજય સરકાર તરફથી શું દલીલો રજૂ કરાઈ…
રાજય સરકાર તરફથી રાજયના એડિશનલ એડવોકેટ જનરલ મનીષા લવકુમાર શાહ, એડિશનલ એડવોકેટ જનરલ મીતેશ અમીન અને અધિક સરકારી વકીલ ઉત્કર્ષ શર્માએ અરજીઓને સખત વિરોધ કરતાં જણાવ્યું હતું કે, રાજયમાં ગેરકાયદે જમીન પચાવી ગેરકાયદે પ્રવૃત્તિને નાથવાના ઉમદા આશયથી આ કાયદો સરકાર અમલમાં લાવી છે.
કાયદાનો મૂળ ઉદ્દેશ્ય જમીન માલિકોની જમીન સાચવવાની અને ખેડૂતોની જમીનનું રક્ષણ કરવાનો છે. ભૂમાફિયાઓ દ્વારા યેનકેન પ્રકારે જમીનો પચાવી પડાય છે ત્યારે નાગરિકોના મૂળભૂત અધિકારો અને હકોનું રક્ષણ કરવાના આશયથી જ કાયદો લાવવો પડ્યો છે.
વિશેષ સમિતિ અને જિલ્લા કલેકટર દ્વારા પુખ્ત સમીક્ષા થયા બાદ જ ફરિયાદની કાર્યવાહી થાય છે, તેથી આડેધડ ફરિયાદને અરજદારનો મુદ્દો ટકતો નથી.
સિવિલ અને ક્રિમીનલ કોર્ટને લઈને અરજદારપક્ષ દ્વારા ઉઠાવાયેલા મુદ્દાઓ પણ અસ્થાને છે. ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એકટ કે તેની જોગવાઈઓ તમામ રીતે કાયદેસર, યોગ્ય અને વાજબી છે. અરજદારોની રિટ અરજીઓ ટકી શકે તેમ જ ના હોઈ હાઈકોર્ટે તેને ફગાવી દેવી જોઈએ.