રખડતાં પશુઓના રજીસ્ટ્રેશનની સમયમર્યાદા પૂર્ણ
બે મહિનામાં કુલ મળીને 9500 જેટલા પશુઓનું રજિસ્ટ્રેશન થયું
ખાસ-ખબર સંવાદદાતા
રખડતા પશુઓને લઈ હાઇકોર્ટનાં આદેશ બાદ ગુજરાત સરકાર દ્વારા નવો કાયદો અમલી બનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત દરેક માલધારીઓએ પોતાના પશુની નોંધણી કરાવવી ફરજિયાત કરવામાં આવી છે. આ માટે મનપા કચેરી ખાતે રજીસ્ટ્રેશનની અંતમ તારીખ ગઇકાલે પૂર્ણ થઇ ગઇ જેથી હવે કોઈપણ પશુનું ટેમ્પરરી રજિસ્ટ્રેશન થઈ શકશે નહીં. તેમજ પશુનું લાયસન્સ કે પરમીટ કઢાવવા માટે હવેથી રૂ. 1000 ભરીને આગામી બે માસ સુધી કાઢી આપવામાં આવશે. હવેથી જે પશુપાલકો પાસે કોઈ પરમીટ કે લાયસન્સ નહીં હોય તેના પકડાયેલા પશુઓને છોડવામાં આવશે નહીં. રાજકોટમાં આ માટે આપવામાં આવેલી મુદ્દતનો ગઇકાલે છેલ્લો દિવસ હોવાથી રવિવારની રજા હોવા છતાં મનપા કચેરી ખાતે આ માટેની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો રજિસ્ટ્રેશન કરવા ઉમટી પડ્યા હતા. આ માટેનું રજિસ્ટ્રેશન 1 નવેમ્બરથી શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં 1057 પશુપાલકો દ્વારા અરજી કરવામાં આવી હતી. જેમાં કુલ 7500 જેટલા પશુઓનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. આ પહેલા 284 પશુપાલકોનાં 2900 પશુઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આમ કુલ મળીને 9500 જેટલા પશુઓનું રજિસ્ટ્રેશન થયું હતું.
આ નોંધણીમાં હજુ પણ ઘણા પશુઓનું રજિસ્ટ્રેશન બાકી છે, જેથી આજથી મનપા દ્વારા રજીસ્ટેરેશન વગરનાં પશુઓને જપ્ત કરવાની કામગીરી શરૂ થશે. જેમાં માલધારીઓ સાથે ઘર્ષણ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.