રાજ્યના ચારેય ઝોનમાં ભારે પવન સાથે વરસાદ; અનેક શહેરોમાં વૃક્ષો ધરાશાયી થયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે મધરાતે રાજ્યના ચારેય ઝોનમાં કમોસમી વરસાદ વરસ્યો છે. મધરાતે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડતાં અનેક વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયાં છે. જ્યારે કેટલાક જિલ્લાઓમાં વહેલી સવારથી ફરીથી વરસાદ શરૂ થયો છે. મહીસાગર જિલ્લાના ખાનપુરના ભાદરોડ ગામે મકાન ધરાશાયી થતાં ખેડૂતનું મોત થયું હોવાનો પણ બનાવ સામે આવ્યો છે. આજે ગુજરાત રાજ્યના અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
પશ્ચિમ રાજસ્થાન અપર એર સાઇકલોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાઈ છે. એ સિવાય ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 મેથી 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે. દરિયાકાંઠામાં 40થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં પડેલા ધોધમાર વરસાદમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.બેચરાજી-શંખલપુર અંડરબ્રિજમાં પાણી ભરાતા સ્થાનિક લોકો અને વાહન ચાલકોને ભારે હાંલાકીનો સામનો કરવો પડ્યો હતો.નર્મદા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મધરાતે ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં અનેક કાચા મકાનોના પતરા ઉડી ગયા હતા. જ્યારે ખેડૂતોના ખેતરોમાં ઊભા કેળના પાકને પણ મોટું નુકસાન થયું છે.મહેસાણામાં ગત મોડી રાત્રે બે વાગ્યાના અરસામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. રાત્રે પડેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ત્યારે આજે સવારે વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.વહેલી સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં 14 મિમી, શિનોર તાલુકામાં 8 મિમી અને વાઘોડિયા તાલુકામાં 3 મિમી વરસાદ નોંધાયો હતો. અન્ય તાલુકામાં હળવા ઝાપટાં પડયા હતા.



