એક વર્ષ સુધી રાજકોટ, મોરબી અને જામનગરની હદમાં પ્રવેશ ન કરવાનો હુકમ કરતી કોર્ટ
એક મહિનો ધંધો બંધ રાખ્યાં બાદ વેપારીએ દુકાન ખોલતાં જ વ્યાજખોર અજય માલાએ હિંચકારો હુમલો કર્યો હતો
- Advertisement -
સોની વેપારીને ફોન પર બેફામ ગાળો ભાંડી ધમકી પણ આપી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
શહેરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે અને તેમની પર પોલીસ પણ મહેરબાન હોય તેમ મવડી મેઈન રોડ પર એક મહિનો ધંધો બંધ રાખ્યા બાદ વેપારીએ દુકાન ખોલતાં જ વ્યાજખોરોએ હીચકારો હુમલો કરતાં સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી ત્યારબાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચતાં ગુજરાત હાઈકોર્ટે અજય તેજા માલાને એક વર્ષ સુધી પરવાનગી વિના ભારત છોડીને જવું નહીં, રહેઠાણ બદલવું નહીં અને રાજકોટની હદમાં કોર્ટની તારીખ સિવાય પ્રવેશ કરવા પર મનાઈ ફરમાવી છે. આ સાથે જામનગર અને મોરબી જિલ્લાના હેતુ સિવાય એક વર્ષ માટે કોર્ટ સમક્ષ હાજરી દર્શાવવી, કેસ સુનાવણી માટે સુચિબદ્ધ છે તેવું ગુજરાત હાઈકોર્ટે હુકમ ફરમાવ્યો છે. બનાવ અંગે પેલેસ રોડ પર જયરાજ પ્લોટ શેરીમાં રહેતાં ભાવેશભાઈ રસીકલાલ પારેખ (ઉ.વ.46)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અજય તેજા માલા (રહે. મવડી મેઈન રોડ)નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ મવડી મેઇન રોડ પર ઇન્દ્રપ્રસ્થ હોલની સામેની શેરીમાં આર્યા ફેશન નામની દુકાન ચલાવે છે.
- Advertisement -
ગઈકાલે સાંજના સાતેક વાગ્યાની આસપાસ તેઓ દુકાનની બહાર ગ્રાહકોને નાઈટ ડ્રેસ બતાવતાં હતાં ત્યારે અજય માલા તેની સાથે અન્ય ત્રણ શખ્સો ધોકા સાથે દુકાન પાસે ધસી આવેલ અને ગાળો આપી કહેવા લાગેલ કે તું પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ શું કામ ખોટી ફરિયાદ કરે છે, તેમ કહી ધોકાથી હુમલો કરી આજે તો તને મારી જ નાંખવો છે ની ધમકી આપી હતી. તેઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેઓ દોડીને અન્ય દુકાનમાં ભાગી ગયાં હતાં. બાદમાં ઇજાગ્રસ્ત વેપારીને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. વધુમાં ઇજાગ્રસ્તે જણાવ્યું કે, તેઓએ થોડા સમય પહેલાં યાજ્ઞિક રોડ પર ઓફીસ ધરાવતાં વ્યાજખોર અજય માલા પાસેથી ધંધા માટે રૂા. 1.40 લાખ વ્યાજે લીધાં હતાં. જેમના દર દસ દિવસે રૂા. 14 હજાર ચૂકવતાં હતાં. જેમાં વચ્ચે એક હપ્તો ચુકવવાનું ચુકી જતાં આરોપીએ દરરોજના 500 રૂપિયા આપવાનું કહી ધમકી આપી હતી. જે બાદ તેઓએ દુકાને જવાનું બંધ કરી દીધું હતું. બાદમાં તેમના ગઈ તા.8/02ના એ. ડિવિઝન પોલોસ મથકમાં આરોપી વિરુદ્ધ ધમકી આપ્યાની અરજી આપી હતી.