માઁ આદ્યશક્તિ અને મહાદેવના અંશાવતાર હરપાલદેવના ઇતિહાસની ગૌરવગાથાની રજૂઆત
સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રામાં ફિલ્મ શરૂ , ટૂંક સમયમાં રાજકોટ અને મોરબીમાં પણ દર્શકોને નિહાળવા મળશે
- Advertisement -
આર.કે ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં માઁ આદ્યશક્તિનું પ્રાગટ્ય અને પરચા રજૂ કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જગતજનની જગદંબામાં આદ્યશક્તિ અને મહાદેવજીના અંશાવતાર હરપાલદેવના સંપૂર્ણ ઇતિહાસ અને સનાતન સંસ્કૃતિની ગૌરવગાથા દર્શાવતું ઐતિહાસિક ફિલ્મ હરપાલદેવ માં શક્તિ ના અમર અંજવાળા” હાલમાં રિલિઝ થયું છે. આર.કે ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ આ ભવ્ય ફિલ્મમાં મા આદ્યશક્તિનું પ્રાગટ્ય અને પરચાનું જાજરમાન ફિલ્માંકન કરવામાં આવ્યુ છે જે ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં સૌપ્રથમવાર દર્શકોને નિહાળવાનો લ્હાવો મળશે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મમાં માર્કંડ ઋષિનો પ્રસંગ, હવનકુંડમાંથી ઉતપન્ન થયેલા કુંડમાલજી અને મખ્વાન વંશની સ્થાપના, મહાદેવએ મોહિની સ્વરૂપ ધારણ કરી ચંડ અને ચંડાક્ષનો વધ કર્યો, મહાદેવના વરદાનથી રાજવી કેસરદેના ઘેર શિવજીના અંશાવતાર હરપાલદેવનો જન્મ, માં આદ્યશક્તિ એ પાટણના પ્રતાપસિંહજી સોલંકીના ઘેર બાશંતિ દેવી નામે અવતાર લીધો, કેસરદે અને સિંધના સુમરાનું યુદ્ધ, પાટણના રાજવી કરણને બાબરાભૂતના ત્રાસથી મુક્ત કરવા હરપાલદેવનું પાટણમાં આગમન, મા આદ્યશક્તિની સહાયથી હરપાલદેવ એ બાબરા ભૂતને વશ કરી ઉદ્ધાર કર્યો, રાજા કરણએ આપેલા વચન મુજબ હરપાલદેવ એ માં આદ્યશક્તિ અને બાબરાદેવની સહાયથી એક જ રાતમાં 2300 ગામને તોરણ બાંધ્યા, ઝાલાવડની સ્થાપના, બાશંતિ દેવી (માં આદ્યશક્તિ) અને હરપાલદેવના વિવાહ, માં આદ્યશક્તિ એ પાટડી રાજ મહેલના ઝરૂખેથી હાથ લંબાવી રાજ કુંવરોને ઝાલ્યા, માં આદ્યશક્તિ દ્વારા રાજકુંવરોને તિલક અને ઝાલા વંશની સ્થાપના વગેરે જેવા તમામ પ્રસંગો આ ફિલ્મમાં અદભૂત રીતે દર્શાવ્યા છે. એમાંય વિશેષ પ્રસંગ કે અંતમા જ્યારે શક્તિ માતાજી, રક્ષાઋણાનું બંધન બાળ ઉમાદેને ખોળે બેસાડી ધાંધલ પુર એટલે કે ધામાની ધરતીમાં સમાઇ જઇ અંતરધ્યાન થાય છે તે પ્રસંગ સૌની આંખમાં માતાજીની યાદમાં આસુંડા આવે અને સૌ ભાવવિભોર થાય તેવી સુંદર રીતે દર્શાવેલી છે જે ફિલ્મને વિશેષ બનાવે છે. ફિલ્મનું દિગ્દર્શન એટલું જોરદાર છે કે દરેક પાત્રને ન્યાય મળ્યો છે તેમજ ફિલ્મમાં લોકેશન, વેશભૂષા, બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાઉથના ફિલ્મને ટંકર મારે તેવું જબરદસ્ત છે. ફિલ્મના ગીતો લેખક કવિ સુરબરદાઈએ લખ્યા છે તેમજ ફિલ્મમાં સંગીત મનોજ- બિમલે આપ્યા છે. આ ફિલ્મ સુરેન્દ્રનગર મુકામે “શિવ સિનેમા” તથા ધ્રાગધ્રા મુકામે “સર જાડેજા ટોકીઝ” સિનેમાઘરમાં રિલીઝ થઇ ગઇ છે તેમજ ટુંક સમયમાં રાજકોટ તથા મોરબીમાં પણ રિલીઝ કરવામાં આવશે. નિર્માતા કાનજીભાઈ પટેલ (સુસવાવ), દિગ્દર્શક જીતુભા જાડેજા તથા દીપ્તિબેન ગોંડલ દ્વારા માઈ ભક્તો અને સમાજના સર્વ વર્ગોને આ ફિલ્મને ભવ્ય સફળતા અપાવવા અપીલ કરવામાં આવી છે. પ્રેસ શુભેચ્છા મુલાકાતે કાનજીભાઈ પટેલ, જીતુભા જાડેજા, દીપ્તિબેન ગોંડલ, ગેલ મોગલ શક્તિ પીઠ આશ્રમના મહંત વિજયબાપુ, લોકસાહિત્યકાર કોશિકભાઈ મહેતા અને રાજકોટના સ્ટુડિયો શિવવાળા ભાવિનભાઈ ખખર હાજર રહ્યા હતા.



